બેની
બેની
બેની
જામનગરમાં રહેતી નૈના અને મૈના,જોડિયા બહેનો.
એકસરખો ચહેરો, એકસરખું હાસ્ય.
સરખી પસંદ, સરખાં કપડાં, સરખી ચાલ.
ફરક એટલો કે,
નૈના મનગમતું જીવતી, નિર્ણય લેતી.
મૈના મળ્યું તે સાચું માની સહન કરતી,
પણ એનું દિમાગની તેજ
નૈનાથી જરા પણ ઓછી નહોતી.
બાળપણ વટાવી
બન્નેએ જુવાનીમાં પગ મૂક્યો.
કોલેજમાં
બન્નેને એક જ છોકરો ગમ્યો,
સુરેખ.
સુરેખે ક્યારેય ખુલ્લેઆમ એકરાર કર્યો નહીં,
પણ એની નજર
નૈના પર થોડી વધારે અટકતી.
વખત જતા
મૈનાએ બધું સમજી લીધું.
પ્રેમમાં પણ
એ “બીજી” જ રહી હતી.
છતાં એ મૌન રહી.
મેડિકલ કોલેજના એન્યુઅલ ડેની સાંજે
સુરેખે નૈનાને મળવા બોલાવવા ચિઠ્ઠી મોકલી.
ચિઠ્ઠી મૈનાના હાથમાં આવી.અને
નૈના એ સાંજે, સુરેખ ની હોસ્ટેલે જઈ શકી નહીં.
પરંતુ
મૈના પહોંચી ગઈ.
એકસરખા ચહેરાની આડમાં
વર્ષો પછી
મૈનાએ પહેલીવાર પોતાનાં મન ને જીવ્યું.
ખોટી ઓળખ
ક્યારેક સાચી લાગવા લાગે.
સુરેખ થાપ ખાઈ ગયો.
એણે પૂછ્યું,
“નૈના, મોસમ તો રંગીન છે…
પણ તું આજે શાંત કેમ છે?”
મૈનાએ કોઈ જવાબ આપ્યો નહીં.
એ રાતે
દેહની નહીં,
ઓળખની સીમા તૂટી.
બીજા મહિને
ઘરમાં તણાવ પ્રવેશી ગયો.
એક અઠવાડિયા પછી
સુરેખ
હોસ્ટેલના રૂમમાં મૃત મળ્યો.
ટેબલ પર અર્ધો કપ ચા.
ચામાં ઝેરી દવાનાં અંશ.
આત્મહત્યા?
પોલીસે તપાસ શરૂ કરી.
હોસ્ટેલના છોકરાઓએ
નૈનાનું નામ આપ્યું.
“છેલ્લે ઝગડો થયો હતો.”
પોલીસે નૈનાને પૂછ્યું,
“ઝગડો થયો હતો?”
નૈનાએ કહ્યું,
“હા.”
પણ પ્યાર માં તો આવું નાનું મોટુ ચાલતું હોય, એમ પ્રાણ પ્યારા ને કોઈ છેદ હોય?
બે જાન.
એક લોહી.
તેજ દિમાગ મૈનાએ કહ્યું,
“એ રાત્રે નૈના તો મારી સાથે જ હતી.”
પોસ્ટમોર્ટમ રિપોર્ટ સ્પષ્ટ નહોતો.
ઝેર ઇન્જેશન to બોડી —
સાંજથી મધરાત
± બે કલાક.
બન્ને બહેનોની જુબાની થી સુરેખ નાં મૃત્યુ નોસમય ઓવરલેપ થઈ ગયો .
પોલીસે
હોસ્ટેલના કોરિડોર અને પાર્કિંગના CCTV તપાસ્યા.
એક કેમેરો
એન્યુઅલ ડેના દિવસે
બપોર પછીથી જ બંધ હતો.
બીજા કેમેરામાં
એક ડુપટ્ટો ઓઢેલી યુવતી દેખાઈ—
સમય: રાત્રે 8:47.
કોણ હતી—
નૈના કે મૈના?
ફૂટેજ પૂરતું સ્પષ્ટ નહોતું.
કેસ કોર્ટમાં ગયો.
કોર્ટમાં
નૈનાએ પહેલીવાર અવાજ દબાવ્યો, ચૂપ રહી.
વકીલે સુરેખના રૂમમાંથી મળેલી ઘડિયાળ રજૂ કરી.
“ઘડિયાળ ડાબા હાથની હતી.
પણ નૈના ડાબોડી નહોતી.”
વકીલોએ તરત દલીલ કરી—
“ઘડિયાળનો સ્ટ્રેપ તાજેતરમાં બદલાયો છે. નામદાર
Evidence tampered હોઈ શકે.”
ઠોસ સાબૂતના અભાવે
જજ મૌન રહ્યા.
સત્ય
ધૂંધળું બની ગયું.
છૂટતા પહેલા,જેલમાં
છેલ્લી મુલાકાત.
નૈનાએ કહ્યું—
“બેની,
તારે મને કહેવું તો હતું કે
આપણે બન્ને એને પ્રેમ કરતા હતા.
હું તારો રસ્તો છોડી દેત.”
મૈનાએ
પોતાના પેટ પર હાથ ફેરવ્યો.
નજર ઝુકાવી.
એક શબ્દ પણ બોલી શકી નહીં.
એ મૌન
એ દિવસનાં નૈના નાં કોર્ટરૂમનાં મૌન થી પણ ભારે હતું.
પુરાવાનાં અભાવે
નૈના છૂટી ગઈ.
ત્યારે એની આંખોમાં
એક અજીબ સંતોષ હતો—
જે મૈનાની નજરથી અજાણ્યો નહોતો.
એક અઠવાડિયા પછી—
મૈના
શહેરનાં ગાયનેક હોસ્પિટલ તરફ જઈ રહી હતી.
પાછળથી કોઈએ બુમ પાડી—
“નૈના!”
એ પાછી વળી.
એના ચહેરા પર
એક અજીબ સ્મિત હતું.
લોકો ગૂંચવાઈ ગયા.
આ મૈના હતી
કે નૈના?
અને એ ક્ષણે
પ્રેમ, ઓળખ અને સત્ય—
ત્રણે એકસાથે
સ્પષ્ટ થઈ ગયા.
પણ સાચો જવાબ
આજદિન સુધી
કોઈને મળ્યો નહીં.
શું સુરેખે આત્મહત્યા કરી હતી?
કે જોડિયા ચહેરાઓ વચ્ચે
સત્ય હંમેશાં માટે
CCTVની જેમ
ધૂંધળું રહી ગયું?
