STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

4  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

બદનામી

બદનામી

6 mins
411

જેઠો એટલે માથાભારે, દાદાગીરી કરવાવાળો, આજુબાજુના પંથકમાં જેઠાની ફે ફાટતી, જેઠા સામે થવું એટલે હાડકા ખોખરા કરવા. હા, પણ એક વાત નક્કી હતી કે હજી સુધી જેઠાએ કોઈનો જીવ નહોતો લીધો. ગમે ત્યાં અન્યાય સામે અડીખમ ઊભો રહેતો, પછી અન્યાય તેને થતો હોય કે બીજાને. જેઠો નાનપણથી આવો નહોતો, એમ તો થોડું ઘણું ભણ્યો પણ હતો. જેઠો જયારે દશ વરસનો હતો ત્યારે તેના માતા, પિતા એક એક્સિડેન્ટમાં ગુજરી ગયા. જેઠાના પિતા પાસે કાઈ લાંબી સંપત્તિ નહોતી. સંપતિમાં એક નાનો એવો જમીનનો ટુકડો હતો એ પણ સગા, સંબંધીએ પડાવી લીધો હતો અને જેઠાને રસ્તે રખડતો કરી દીધો હતો. ત્યારથી જેઠો ધીમે ધીમે કુસંગે અને આડા રસ્તે ચડી ગયો હતો. જેઠો બધા લખણે પૂરો હતો પણ  એક ગુણ સારો હતો કે તે બેનો, દીકરીઓ અને માતાઓને પૂરું માન સન્માન આપતો. તેના રક્ષણ માટે તે ગમે તે કરવા તૈયાર રહેતો.

જેઠો નાનો હતો ત્યારે બા પાસેથી ઝવેરચંદ મેઘાણીની જોગીદાસ ખુમાણની વાર્તા સાંભળી હતી. જોગીદાસ ખુમાણની જેમ તેને અન્યાય સામે લડવાની અને બેનો, દીકરીઓ અને માતાઓનું માન સન્માન જાળવવું જોઈએ એવું જ્ઞાન નાનપણમાં માતા અને માતાએ કહેલી વાર્તામાંથી મળ્યું હતું. જે અત્યારે તેનું જીવનભાથું હતું. તેણે તે પ્રમાણે જીવન જીવવાનું રાખ્યું હતું.

પણ, ગામમાં તો તે આબરૂ વગરનો. ભરોસો ન કરી શકાય તેવો અને ગામનો ઉતાર હોય એમ સૌ માનતા અને તેનાથી દશ ગાવ છેટું રહેવું એમ માની તેની સાથે કોઈએ સંબંધ રાખ્યો નહોતો. એટલે ગામની બેનો, દીકરીઓ, માતાઓ પણ તેનાથી દૂર રહેતી, પણ જેઠાને એની કંઈ પડી નહોતી, બસ એ તો પોતાની મસ્તીમાં જીવતો.

મેઘા નગર શેઠની દીકરી હતી. ગામમાં તો પ્રાથમિક સુધી જ અભ્યાસની સગવડતા હતી. આગળ અભ્યાસ માટે બાજુના મોટા ગામમાં જવું પડે જે 5 કિલોમીટર જેટલું દૂર હતું પણ મેઘા સહેલીઓ સાથે ટૂ વ્હીલર ઉપર સ્કૂલે જતી.

એક દિવસ મેઘાની સહેલીઓ સાથે નહોતી એટલે મેઘાને એકલી સ્કૂલથી ઘરે આવવાનું થયું. ક્યારેય સ્કૂલેથી એકલી આવી નહોતી એટલે મનમાં ડર હતો. ચોતરફ જોતી જોતી ધીમે ધીમે ટુ વિલર પર આવતી હતી. ગામ બે કિલોમીટર જેટલું દૂર હતું ત્યાં અચાનક તેના જ ગામની ચાર વ્યક્તિ રસ્તા ઉપર આવી આડી ઊભી રહી ગઈ. મેઘા તે લોકોને ઓળખતી હતી એટલે એમ માન્યું કે હું એકલી છું એટલે મદદ માટે ઊભા હશે. પણ પછી તેનો ઈરાદો સમજાતા વધારે બીક લાગી. આજુ બાજુ જોયું તો કોઈ હતું નહીં, એકલો જેઠો પાછળ આવી રહ્યો હતો. જેઠાએ આ દ્રશ્ય જોયું પણ એમ માન્યું કે એક જ ગામના છે. એક બીજાને ઓળખે છે એટલે વાતો કરતા હશે. પણ પછી પરિસ્થિતિ બદલાતી હોય એમ લાગી. મેઘા ડરથી થરથર કંપતી હતી. જેઠાને આ જોઈને ગુસ્સો આવ્યો અને રાડ પાડી.

"ખબરદાર, તમારામાંથી કોઈએ મેઘાબેનને હાથ અડાડયો છે, તો જોવા જેવી થશે."...

"જેઠા, અમે તારી બાબતમાં વચ્ચે નથી આવતા, તું આમાં પડ મા. તારે વળી મેઘા ક્યાં સગી થાય છે ? આટલામાં સમજી જા, નહીં તો જોવા જેવી થાશે. તું એકલો છો અને અમે ચાર જણા છીએ."...

"અરે, જોવા જેવીવાળા, તારું હાડકું સાજું નહીં રહે."

 "મેઘાબેન તમે બીક રાખ્યા વગર ઘરે જાવ હું આ લોકોને સમજાવી દઉં કે બેન, દીકરીનું નામ લેવું કેટલું મોંઘું છે. અને એ પણ પોતાના ગામની."

મેઘા, ઘરે આવી એ વિચારતી હતી. જેણે ગામ લોકો મવાલી, ગુંડો, રખડુ અને કંઈ કંઈ કહે છે, એ જો આજ ન હોત તો ગામના જ લોકોથી મારી આબરૂનાં ચીરે ચીરા બોલી ગયા હોત, તો મવાલી કોણ ? જેઠાભાઈ કે ગામના એ ચાર લોકો.

મેઘાએ નક્કી કર્યું કે મારે ગામ ભલે ગમે તે માને, મારે જેઠાભાઈનો આભાર માનવો પડે. પોતાના જીવના જોખમે મારી આબરુની રક્ષા કરી. પણ મળવું કેવી રીતે. જેઠાભાઈનું કોઈ એક ઠેકાણું તો હોતું નથી.

એક દિવસ મેઘાને મોકો મળી ગયો. સ્કૂલથી પાછા આવતા સમયે રસ્તા ઉપર જેઠો મળી ગયો.

"જેઠાભાઈ, જરા ઊભા રે ' જો, મારે તમારું કામ છે."

જેઠો તો એ બનાવ પછી એ વાત ભૂલી ગયો હતો. પેલા ચારને ધમકી આપી હતી કે મેઘા મારી બહેન છે. હવે જો તેની તરફ આંખ ઉઠાવીને જોયું છે તો આંખની જગ્યા એ ખાડા હશે.

"બોલો, મેઘાબેન."

"જેઠાભાઈ આપનો ખુબ ખુબ આભાર. તે દિવસે તમે બચાવી ન હોત તો આજે હું જીવિત ન હોત."

"અરે ! એમાં આભાર શેનો માનવાનો. બેનને બચાવવાની મારી ફરજ હતી, જે મેં બજાવી હતી. ઉપકાર કે આભાર માનવા જેવું કોઈ કામ નહોતું કર્યું."

 "જેઠાભાઈ, મારે એક વાત કહેવી છે".

"બોલો બેન"

"મારે ભાઈ નથી. આજથી તમે મારા ધર્મથી માનેલા ભાઈ છો."

 "બેન, મને તો મારી ચિંતા નથી પણ બેન તારી બદનામી થશે. કોઈ આપણા પવિત્ર રિશ્તાને નહીં સમજી શકે. આ દંભી સમાજને કોણ સમજાવશે."

"ભાઈ, એ હું કંઈ ન જાણું. બસ આજથી તમે મારા ભાઈ છો. સમાજને જે માનવું હોય એ માને."

"ભલે બેન આજથી તારી રક્ષાની સંપૂર્ણ જવાબદારી મારી."

મેઘાને, ભાઈનું રક્ષણ મળતા નચિંત થઈ ગઈ અને જેઠાભાઈને મળતી, બધી વાત કરતી. પણ મેઘાની સહેલીઓને આ નહોતું ગમતું એટલે બદનામીના ડરથી મેઘા સાથેનો સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. 

મેઘા અને જેઠાની વાત વાજતી ગાજતી અને જાણ ભેદુ દ્વારા નગર શેઠ પાસે આવી. શેઠે વિચાર્યું મેઘા ડાહી દીકરી છે એટલે મેઘા સાથે વાત કરી તાગ મેળવવો પડે. બાકી મેઘા જેવી ડાહી દીકરી કારણ વગર જેઠા સાથે સંબંધ રાખે નહીં.

"મેઘા, બેટા તું જેઠાને મળે છો ?"

"હા, પપ્પા"

"પણ બેટા, જેઠો સારો માણસ નથી અને સમાજમાં આપણી બદનામી થાય છે. એ તું જાણે છો ને ? બેટા, તું જેઠા સાથે શું કામ સંબંધ રાખે છે એ જાણવું છે."

 "પપ્પા, તમારે સાચી વાત જાણવી છે ?"

"હા, બેટા"

 "તો થોડો સમય ધીરજ રાખશો ? હું તમને સત્યના પારખા કરાવીશ."

 "હા, મને મારી દીકરી ઉપર પૂર્ણ વિશ્વાસ છે."

"જેઠાભાઈ, કાલે રક્ષાબંધન છે. તમારે મારે ઘરે આવવાનું છે. મારે તમને રાખડી મારા ઘરે જ બધાંની વચ્ચે આપણા સંબંધની સત્યતા જણાવીને બાંધવી છે."

 "બેન રહેવા દે ને, બધાને એ નહીં ગમે. હું શિવમંદિરે તારી રાહ જોઈશ, તું ત્યાં આવજે."

"ના, તમારે કાલે આવવાનું છે, એટલે આવવાનું છે, આ નાની બેનનો હુકમ છે."

"ભલે બેન જેવી તારી ઈચ્છા."

જેઠો, તો નગર શેઠના દરવાજે પહોંચી ઊભો રહ્યો. મેઘાએ જોયું. દોડી આવીને જેઠાને અંદર તેડી ગઈ. બધા આ જોઈને અંદરોઅંદર ગુસપુસ કરતા હતા. આ જેઠો કેવો નફ્ફટ માણસ છે. નગરશેઠના ઘર સુધી પહોંચી ગયો. જેઠો કે મેઘા કંઈ ન બોલ્યા. નગર શેઠ આ બધું નિરાંતે ઊભા ઊભા જોતા હતા.

મેઘાએ, જેઠાને બાજોઠે બેસાડી તિલક કરી રાખડી હાથમાં લીધી. લોકોમાંથી કોઈક બોલ્યું, ભાઈ આ તો દેખાડો છે, વાત તો કંઈક જુદી જ છે. મેઘાએ જેઠાના હાથે રાખડી બાંધી, નગર શેઠને કહ્યું, "પપ્પા, મારે તમને અને આ હાજર આબરૂદાર કહેવાતા સમાજને એક વાત કરવી છે કે મુખોટામાં રહી દંભથી જીવતા હાજર અહીંયાના આ સમાજ કરતા મુખોટા વગરનો આ મારો ભાઈ જેઠાભાઈ હજાર દરજ્જે સારો છે."

"બેટા મારો વિશ્વાસ સાચો છો, તારે જે કહેવું હોય એ કહે. આ દંભી સમાજને પણ મારી દીકરી અને આ મવાલી કહેવાતા જેઠાની સાચી ઓળખ થાય."

“પપ્પા, આ જેઠાભાઈ, મવાલી, ગુંડો, બદમાશ અને ગામનો ઉતાર, મારો ધર્મનો માનેલો ભાઈ છે.” પછી જેઠાની પ્રથમ મુલાકાત અને આજ દિન સુધીની વાત કરી. “પપ્પા, એ દિવસે મારી આબરૂ લૂંટવા, સમાજના ઈજ્જતદાર, આબરૂદાર, સમાજના ઠેકેદાર છે એ ચાર જણા આજે પણ આપણા આ રક્ષાબંધનના સ્નેહ મિલનમાં હાજર છે, બતાવું આપને ? તે દિવસે આ માણસે જો મારી લૂંટાતી આબરૂ ન બચાવી હોત તો હું આજે તમારી સામે ન હોત. બોલો પપ્પા હવે કંઈ પૂછવું છે ?”

 "ના, બેટા, તારી આખી વાત સમજાઈ ગઈ, મુખોટોવાળાને ખુલ્લા પાડવાથી સમાજ નહીં બદલાય, વ્યક્તિએ ખુદ બદલાવું પડશે અને તો જ સમાજને બદલી શકીશું.

"જેઠા."

"બોલો શેઠજી."

"આજથી તું મારે ત્યાં મુખ્ય ચોકીદારનું કામ કરજે."

"ના પપ્પા."

 "કેમ બેટા."

"જેઠાભાઈ નગરશેઠની દીકરી મેઘાના ભાઈ છે, એ ચોકીદારીની નોકરી ન કરે."

"હા, બેટા મારી ભૂલ થઈ. તારી વાત સાચી છે."

 "જેઠા તારે આપણે ત્યાં ઘણા માણસો કામ કરે છે. તેની ઉપર દેખરેખ અને ધ્યાન રાખવાનું અને તેનો રિપોર્ટ મને જ આપવાનો."

"હવે ખુશ બેટા ?"

 અને એક વખતના સમાજથી તરછોડાયેલા, મવાલી, ગુંડા, જેઠાને એ જ સમાજે જયજયકાર સાથે સ્વીકારી લીધો.

અને નગર શેઠે કહ્યું, કે બદનામીના ડરથી જો મેઘાએ જેઠામાં સારા માણસને, બેનો, દીકરીઓ અને માતાઓને માન સન્માન અને રક્ષણ આપતો જેઠો ન જોયો હોત, તો આજે આ પરિસ્થિતિ છે તે ન હોત. માણસને સારો કે ખરાબ સમાજ અને પરિસ્થિતિ બનાવે છે. જે એક સાંપ્રત સમસ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract