Lalit Parikh

Drama Inspirational

3  

Lalit Parikh

Drama Inspirational

બાયનોકયુલર

બાયનોકયુલર

5 mins
14.6K


કેટલા ય સમયથી સાહિલને બાયનોક્યુલર ખરીદવાની ખેવના હતી. બધાને તે દેશ-વિદેશની યાત્રાઓમાં સુંદર દૃશ્યોને તેમ જ રેસ કોર્સ પર પણ દોડતા -જીતતા ઘોડાઓને બાયનોક્યુલરથી જોતા જોઈ, તેના મનમાં વર્ષોથી તમન્ના વસેલી હતી કે બાયનોક્યુલર તો ખરીદવું જ છે. જૂની ગુજરી બજારમાં તેને એક દિવસ એકાએક જુનું પણ મોટું બાયનોક્યુલર દેખાયું.

હાથમાં લઇ દૂરનું દૃશ્ય નજીક જોઈ તે રાજી થઇ ગયો અને તરત જ તેણે ભાવતાલ કરી એ ખરીદી લીધું. ઘરે પહોંચી તેને સરસ સાફ સૂફ કરી, સહેજ સ્પિરિટથી પોલિશ કરી સરસ ચમકાવી લીધું. સાહિલ રેસનો રસિયો હતો અને અઠંગ જુગારી હતો. બીજા દિવસની રેસ માટે અગાઉથી ખરીદેલી રેસ ગાઈડ પર નજર ફેરવતો ફેરવતો એ ટેક્સી કરી મહાલક્ષ્મી રેસકોર્સ પર પહોંચ્યો. પહેલી રેસમાં ત્રણ જ ઘોડા દોડવાના હતા. બે ના ભાવ એકના બે; અને એકનો એક હતા, જયારે ત્રીજાનો ભાવ એક નો દસ નો હતો. તેનું ગણતરીબાજ મન રાતથી રેસ- બુક જોઈ જોઈ નક્કી કરી બેઠું હતું કે રમવા જેવો ઘોડો તો એક જ છે જેનો ભાવ એકનો બે છે. સો ટકા એ સેકંડ ફેવરિટ જ જીતવો જોઈએ. રમતા પહેલા જોકીઓ સાથે ગોળ ગોળ ફરતા એ ત્રણ ઘોડાઓને નજીકથી- પાસેથી જોતો રહ્યો. ત્રણેય ઘોડાઓ રેલિંગ પાસે ગયા ત્યારે ફરી તેણે એ ત્રણેય ઘોડાઓ સામે બાયનોક્યુલર પહેરીને જોયું તો તેને નવાઈ લાગી કે હજી ઘોડાઓ ન છૂટ્યા છે, ન દોડ્યા છે; પણ તોય તેને ત્રીજા નંબરનો એકના દસ વાળો ઘોડો વિનિંગ પોસ્ટ પર સ્પષ્ટ નેક- લેન્ગ્થ થી જીતેલો દેખાવા લાગ્યો. આ તો ચમત્કાર જ કહેવાય કે બીજું કાંઈ? બાયનોકયુલર કાઢીને જોયું તો ત્રણ ઘોડાઓ જ રેલિંગ પાસે ફરી દેખાયા.

વળી બાયનોક્યુલર આંખે ચડાવી જોયું તો ત્રીજો ઘોડો વિનિંગ પોસ્ટ પર જ પહેલાની જેમ નેકલેન્ગ્થથી જીતેલો દેખાવા લાગ્યો. પોતે તો રાતથી નક્કી કરેલો ઘોડો બે ના ભાવનો રમી ચૂક્યો હતો. પણ તો ય બાયનોક્યુલરનો આ અદ્ભુત ચમત્કાર જોઈ તેણે દોડીને છેલ્લી ઘડીએ દસ હજાર રૂપિયા એ ત્રીજા ઘોડા પર લગાડી દીધા. ફેવરિટ ઘોડા પર તો તેણે દસ હજારનો દાવ લગાડ્યો જ હતો.

રેલિંગમાંથી ઘોડા છૂટ્યા અને દોડતા ઘોડાઓને સાહિલ બાયનોક્યુલર લગાડી જોવા લાગ્યો તો તેને દોડતા ઘોડાઓ ન દેખાયા; બલ્કે વિનિંગ પોસ્ટ પર ત્રીજા નંબરનો ઘોડો જ નેક લેન્ગ્થથી જીતેલો દેખાતો રહ્યો. ત્યાં તો રેસ પૂરી થઇ અને જેવું દૃષ્ય તેને અત્યાર સુધી બાયનોક્યુલરમાં દેખાયા કરતુ હતું તેવું અને તેમ જ તેનો છેલ્લી ઘડીએ લગાડેલો ત્રીજા નંબરનો તેનો લગાડેલો ઘોડો નેક્લેન્ગ્થથી જીતેલો દેખાયો. અદૃશ્યને અગાઉથી દૃશ્ય સ્વરૂપે જોઈ લેવું એવું દૂરદૃષ્ટા જેવું એ દૂરબીન તેને ચમત્કારિક જ નહિ, શુકનવંતુ પણ જણાવા લાગવા માંડ્યું. દોડીને તેણે દસહજારના લાખ રૂપિયાનું પેમેન્ટ બાબુ બૂકી પાસેથી કલેક્ટ કરી લીધું. પોતે રાતથી અભ્યાસ કરીને, નક્કી કરીને લગાડેલો બેના ભાવનો ઘોડો તો છેલ્લો જ આવ્યો. પોતે દસ હજાર હાર્યો, પણ છેલ્લી ઘડીએ લગાડેલો દસના ભાવનો ઘોડો જીતતા તે રાજીનો રેડ થઇ ગયો. બીજા રેસની તૈયારી થવા લાગી અને દસ દસ ઘોડાઓ દોડવાના હતા. તેમને જોકીઓ સાથે પંટરો સામે નાના એન્ક્લોઝરમાં ફેરવવામાં આવ્યા. નક્કી કરવું બહુ જ અઘરું હતું. બુકીઓ, માલિકો અને પંટરો બહાવરા બહાવરા દાવ લેતા -લગાડતા હતા. આ વખતે કોણ જાણે કેમ જીતેલા સાહિલે શાંતિ રાખવાનું નક્કી કર્યું. કોઈ ઘોડો રમવાનો જ નહિ. રમે તો હારે ને? જીતવાના ચાન્સ નહિવત જ દેખાતા હતા. ત્યાં તો દસેય ઘોડાઓ રેલિંગ પાસે પહોંચાડવામાં આવ્યા. કોણ જાણે અંતર્મનના કયા ઊંડા આદેશથી તેણે બાયનોક્યુલર આંખે ચડાવ્યો અને જુએ તો નવ નંબરનો ઘોડો તેને વિનિંગ પોસ્ટ પર અગાઉથી જીતેલો દેખાયો. પાંચ મિનિટ પછીનું દૃશ્ય દૃશ્યમાન થઇ ગયું. અગાઉની જેમ જ તેણે દોડીને વીસના ભાવનો નવ નંબરનો એ ફ્લુક ઘોડો લગાડ્યો પૂરા દસ લાખની બેટિંગ સાથે. દસે દસ ઘોડા છૂટ્યા અને સાહિલને પોતાના બાયનોક્યુલરમાં ફક્ત એક જ ઘોડો વિનિંગ પોસ્ટ પર જીતેલો દેખાયા કર્યો-નવ નંબરનો પોતે લગાડેલો વીસના ભાવનો ઘોડો. તેને નવાઈ લાગી પણ તે મનોમન માનવા-સમજવા લાગ્યો કે આ કોઈ જાદુઈ ચમત્કારી બાયનોક્યુલર છે, જે તેના માટે શુકનવંતુ સાબિત થઇ રહ્યું છે.પાંચ મિનિટમાં તો તેનો નવ નંબરનો ત્રીસના ભાવે લગાડેલો ઘોડો જીતેલો જાહેર થયો. દોડીને તેણે પોતાનું ત્રીસ લાખનું પેમેન્ટ લઇ લીધું. કુલ ચાલીસ લાખ તો જોત જોતામાં એ જીતી ગયો હતો. આ બાયનોક્યુલર તો તેને આજે ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે તેમે તેને હવે લવલેશ સંદેહ ન રહ્યો.

હજી ત્રણ રેસો બાકી હતી. તેને થયું કે આજે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો હવે મોંઢું ધોવા થોડું જ જવાય? ત્રીજી રેસમાં તે ફરી શાંતિથી દોડનારા છ ઘોડાઓને રેલિંગ પાસે જ બાયનો- ક્યુલર ચડાવી જોવા લાગ્યો તો એક નંબરનો ઘોડો વિનિંગ પોસ્ટ પર જીતેલો દેખાવા લાગ્યો. હજી રેસ તો શરૂ પણ નહોતી થઇ અને તેને પહેલાની જેમ જ અગાઉથી રીઝલ્ટ દેખાઈ રહ્યું હતું. દોડીને તેણે ત્રીસે ત્રીસ લાખ એકના ભાવે ચાલી રહેલા એ ઘોડા પર દાવ લગાડી દીધો. થોડી વારમાં તો એ એ એક નંબરનો ઘોડો વિનર જાહેર થયો. બીજા ત્રીસ લાખ જીતતા તે હવે સિત્તેર લાખ જીતેલો વિનર થઇ ગયો. હવે બે રેસ બાકી હતી. ચોથી રેસમાં તેને વિનર રૂપે દેખાતો ઘોડો દોડીને રમવા જાય તો અડધા ભાવનો જ હતો. પણ તો ય તેણે સિત્તેરે સિત્તેર લાખ રૂપિયાનો દાવ લગાડી દીધો. ચમત્કારી બાયનોક્યુલરે જીતેલો દેખાડેલો ઘોડો જીતી ગયો અને હવે પેમેન્ટ લીધા બાદ તેના ભર્યા ભર્યા પાઉચમાં પૂરા એક કરોડ રૂપિયા ભેગા થઇ જતા તે મનમાં હર્ષાતિરેકથી ગાંડા- ઘેલા જેવો થવા લાગ્યો. છેલ્લી રેસ માટે પંટરો સામે ફરવા મૂકેલા ઘોડાઓ અને જોકીઓને જોઈ, એ રેલિંગ પાસે દોડવા માટે ગોઠવાતા સાત સાત ઘોડાઓને બાયનોક્યુલર ચડાવી જોવા જાય ત્યાં તો તેના હાથમાંથી, કોઈનો ધક્કો લાગતા તેનું બાયનોક્યુલર પડી ગયું અને પડેલા બાયનોક્યુલર પર કોઈનો ભારે બૂટવાળો પગ પડતા જ તેના બાયનોક્યુલરના બેઉ કાચનો કચ્ચરઘાણ થઇ ગયો. તેનું મન-તેનું રમવાનું જોમ- એકદમ મરી ગયું. હવે તેને ક્યાંથી દેખાવાનું હતું વિનિંગ પોસ્ટ પર જીતનારા ઘોડાનું ભાવી દૃશ્ય?

પણ મનમાં તે રાજી થયો, મનોમન પ્રસન્ન થયો કે “ન રહ્યા બાંસ ન બજેગી બાંસરી”. “હારજીતનો ખેલ તો હવે ખલાસ. બહુ ચાલ્યો આ હારજીતનો ચસ્કો. ચમત્કારી બાયનોક્યુલર આજે ભરપૂર જીતાડી ગયું. આવી જુગારની પ્રવૃત્તિઓ અંતે તો હાર, હાર અને હારનું જ રિઝલ્ટ બતાવે છે. માટે આજથી આ હારજીતના ખેલને જ હારી જવામાં, કાયમ માટે છોડી દેવામાં જ માલ છે. જોતજોતામાં એક કરોડ જીતાડી દઈ આ બાયનોક્યુલરે જિંદગીભરનું દળદર તો ફેડી જ દીધું છે એ કાંઈ નાનીસૂની વાત તો નથી જ. આજથી આ રેસકોર્સને અને જુગારને આખરી સલામ”. મનના આ મૂક સંવાદે તેને ખુશ ખુશ કરી મૂક્યો.

એક હાથમાં યાદગીરી તરીકે કાચ ભાંગેલા બાયનોક્યુલરને અને બીજા હાથે જીતેલા એક કરોડ રૂપિયાના પાઉચને સાચવીને તે રેસકોર્સના મેદાનમાંથી બહાર નીકળ્યો. તેને લાગ્યું કે જીવન -મૃત્યુ જેવો અનુભવ કરાવતા ભયંકર જુગાર- જગતથી છુટકારો મળતા હવે આ તો તેનો પુનર્જન્મ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama