Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Lata Bhatt

Comedy


3  

Lata Bhatt

Comedy


બાધાપુરાણ

બાધાપુરાણ

4 mins 559 4 mins 559

પતિને ઓફિસે જવા વિદાય કરી બાળકોને બાય બાય ટાટા ટાટા કરી રસોડું સાફ કરી બટેટાપૌંઆનો પહેલો જ કોળિયો હજુ મોંમા મૂકવા જતી હતી. ત્યાં મારા દૂરના માસીની દિકરી મોના ટપકી. બટેટાપૌંઆની તૈયાર ડીશમાં લીલી ચટણી, સેવ, કોથમીર, ડુંગળી અને દાડમ ભભરાવી મેં તેને નાસ્તામાં ફટ્કારી દીધા. બટેટાપૌંઆ જોઇ તેના મોંમાં પાણી આવ્યું પણ પછી તરત તેને યાદ આવ્યું. મને કહે,

"બહેન, મારે તો ચોખાની બાધા છે".

હું મુંઝાણી. બીજો નાસ્તો ઘરમાં હતો નહીં ને હું એકલી જ ઘેર હતી.

મેં બબલૂને બહાર રમતો જોયો. બબલૂ અમારા પાડોશીનો છોકરો. બબલૂ પૂરો અમદાવાદી મોકાનો ફાયદો ઊઠાવતા તો કોઇ એની પાસેથી જ શીખે.બબલૂ મને કહે,

"સમોસા લઇ આવવાના દસ રુપિયા લઇશ."

મેં તેને વીસ રુપિયા આપી પાંચ સમોસા મંગાવ્યાં બબલૂએ પહેલા એમાંથી પોતાના દસ રુપિયા કાઢી ખિસ્સામાં મૂક્યાં ને અમારી જ સાયકલ લઇને સમોસા લેવા ગયો.

આ બાજુ મોનાના મનમાં મંથન ચાલતું હતું. મને કહે,

"બહેન આ ચોખાની બાધા રાખી હોય તો પૌંઆ ખવાતા હશે કે નહીં."

મેં કહ્યું, "મને કોઇ આઇડિયા નથી. કારણ કે મેં કદી કોઇ બાધા રાખી નથી". અચાનક તેને યાદ આવ્યું.

મને કહે, "આપણા પેલા જમનામામીએ ચોખાની બાધા રાખેલી. તેમને ફોન કરીને પૂછી લઇએ. મારા પેટમાં ફાળ પડી.આ વાત આજથી વીસેક વરસ પહેલાની છે. જમનામામી મદ્રાસ રહેતા હતા એ વખતે મોબાઇલનો હજુ એટલો પગપેંસારો થયો નહોતો.એસટીડી બિલ ખાસ્સુ આવતું.

મોનાએ મારો લેન્ડલાઇન ફોન મદ્રાસ જોડ્યો. ફોન સ્પીકર પર હતો. ફોન જમુનામામીના પુત્ર અખિલે ઉપાડ્યો. પાંચેક મિનીટ તો મોનાએ પોતાનો પરિચય આપી સૌના હાલચાલ પૂછ્યા. તે પછી ફોન મામીને આપવાનું કહ્યું. મામી છેક ઓસરીમાં બેઠા હશે ત્યાંતી હળવે હળવે ફોન સુધી આવ્યા જમુનામામી કાને ઓછું સાંભળે.

મોનાએ બેત્રણ વાર પૂછ્યું ત્યારે મામીને સંભળાયું

"આ ચોખાની બાધા રાખી હોય તો પૌઆ ખવાય ?"

મામી કહે, "ચોખાની બાધા તો મેં ય લીધેલી. જો ને આજથી પાંચેક વરસ પહેલા. આ તારા મામાને આંતરડાનું ઓપરેશન કરાવેલું ત્યારે, તેમને સારું થઇ જાય તે માટે ..".

"તો શું મારા મામાને સારું થઇ ગયું ? "

"ના એ પછી તો તારા મામા ..." મામીનો અવાજ ભારે થઇ ગયો. થોડીવાર શાંતિ છવાઇ ગઇ એ પછી મોનાએ ફોન પર ખરખરો કર્યો. ખરખરો પાંચેક મિનિટ ચાલ્યો. વાત બદલવા મોનાએ તેમની તબિયતના સમાચાર પૂછ્યાં. મામીએ પોતાનું માંદગી પુરાણ ચાલું કર્યું માંડ બોલવાનો તેમને મોકો મળ્યો હશે મામીએ એ પછી વાત આગળ વધારી,

"પછી તો મે ચોખા ખાવાનું ચાલું કરી દીધુ. પછી બાધા રાખવાનો કોઇ ફાયદો નહોતો, પણ તે ચોખાની બાધા કેમ લીધી છે ?"

"આ બબલી બારમા ધોરણમાં પાસ થઇ જાય એટલે ." .

"તો એના પેપર કેવા ગયા છે"

"પેપર તો સારા ગયા છે.પાસ થઇ જાય એમ લાગે છે."

"તો હવે બાધા રાખવાની જરુર નહીં અને આમેય ચોખાની બાધા રાખી હોય તો પૌંઆ તો ખવાય. ખાલી ભાત ખીચડી ખીર એવું ન ખવાય.

(આમાંય દરેકનું પોતાનું લોજીક હોય છે કારણ કેે મને નથી લાગતું કે કઇ બાધા રાખી હોય તો શું શું ખવાય તેની વિગત આપતું કોઇ પુસ્તક એ વખતે બહાર પડ્યું હોય ! પુરાણોમાં કે શાસ્ત્રમાં ય એનો ઉલ્લેખ હશે કે કેમ એ તો રામ જાણે..) હું સમજી ગઇ અંદર જઇને બટેટાપૌંઆ લઇ આવી. મારા ભાગના એ બટેટાપૌંઆ મોના ઝાપટી ગઇ અને હું જોતી રહી ગઇ.કાશ ! મોના થોડી મોડી આવી હોત તો બાધાપુરાણ ઉખળત જ નહીં. ખાલી સમોસાથી વાત પતી જાત. પૌંઆ પૌંઆ પર એ ખાનેવાલેકા નામ મોના લિખા થા.

એટલામાં બબલૂ સમોસા લઇને આવ્યો બબલૂએ સમોસાનું પેકેટ ખોલ્યું ને પોતે બે સમોસા ખાઇ લીધા ત્યાં મોના કહે આ તો નાગજીભાઇના દુકાનના સમોસા લાગે છે, મને તે બહુ ભાવે છે. મેં તેની પ્લેટમાં બે સમોસા મૂક્યા તે ય ઝાપટી ગઇ. મારા ભાગે એક સમોસુ બચ્યું..મને સમોસા અને એસટીડી બિલના બસોએક રુપિયાનો ચૂનો લાગ્યો. આટલા રુપિયામાં તો હું તેને ક્યાંક બહાર જમવા લઇ જઇ શકી હોત.

આ પહેલા તેની બહેન સોનાએ રાઇની બાધા લીધી હતી મેં તેને જમવાનું કહ્યું હતું. રસોઇ થઇ જવા આવી ત્યારે સોનાનો ફોન આવ્યો કે મારે તો રાઇની બાધા છે. એ તો બબલૂની ચતુરાઇ કામ આવી. મેં કઢી ગાળી નાખી.પુલાવમાંથી અમે બન્નેએ રાઇ વીણી. અલબત્ત આ આઇડિયા આપવાના અને એ રાઇ વીણવાના બબલૂએ વીસ રુપિયા લીધા. બબલૂનો પૈસા લેવાની બાબતમાં એ નિયમ, જેવું કામ અને જેવી ગરજ. રાયતું પીરસવાનોનો તો કોઇ અર્થ નહોતો. ભરેલા રીંગણમાં રાઇ નહોતી નાખી એટલું વળી સારુ થયું એટલી મહેનત બચી.

બાધા, નિયમ, આખડી લોકો શા માટે રાખતા હશે અને તે રાખવાથી તેમને શું ફાયદો થતો હશે તે તો ખબર નથી પણ બાધા લીધેલી વ્યક્તિ મહેમાન બનીને જ્યારે કોઇને ત્યાં જાય ત્યારે યજમાન જરુર મુશ્કેલી મૂકાઇ જાય છે.

હવે તો કોઇ પણ વ્યક્તિને જમવાનું આમંત્રણ આપુ એટલે પહેલા પૂછી લઉં છુ કે તમારે કોઇ વસ્તુની બાધા તો નથી ને ? કેટલાક નિરુપદ્રવી જીવ કોળું, કેળા, તરબૂચની બાધા લે છે. અને બીજાને નડતર રુપ થતા નથી. જો કે હવે બાધાનું ચલણ ધીમે ધીમે ઓછું થતું જાય છે.

લોકો જૂઠું બોલવાની, ભ્રષ્ટાચાર નહીં કરવાની બાધા કેમ નહીં લેતા હોય આપણને તો ગાંધીજી ગમ્યાં. તેમણે અસત્ય બોલવાની, હિંસા કરવાની અને ચોરી કરવાની બાધા લીધી અને ભારત જેવા મહાન રાષ્ટ્રના પિતા બની ગયા.


Rate this content
Log in

More gujarati story from Lata Bhatt

Similar gujarati story from Comedy