બા.. બા
બા.. બા
પ્રભા એ સાત વર્ષની નિર્દોષ બાળા. માતાનું કરેલું નાતરું અને પિતાની નિરાધાર અવસ્થાએ એને નાની ઉંમરે જ મોટી બનાવી દીધી. પોતાનું બાળપણ તો જાણે જન્મતાની સાથે જ તેને છોડી ગયું હતું.
રમણ તેનો મૂંગો, બહેરો, મૂકબધિર બાપૂ . ન વાત સાભાળી શકે,કે ન કોઈ દુઃખ વ્યક્ત કરી શકે. ભારોભાર લાગણીશીલ , છતાય આમ જુઓ તો પત્ની તેને મૂકી યાર સાથે ભાગી ગઈ ત્યારે એક પણ આંસુ ગાળવામાં તેની મર્દાનગી આડે આવી હતી.
એની મા—રૂપાળી. પણ નસીબની એવી કે તે રૂપ જ એના ઓરતાને પૂરા ન કરી શક્યું. એનાં સપનાઓ તો અફાટ હતા , અને મન કબૂમાં નહતું , મનમાં ભારોભાર ખટકો કે આ પિયરીયાને, હું શું ભારે પડી, કે આ મૂંગા બહેરાને પધરાવી,. આખરે એણે એક દિવસ નાતરું કરી નાખ્યું. બે વર્ષના મૂંગા રતન અને સાત વર્ષની પ્રભાને મૂકી, પોતાનું મનગમતા "યાર" લઈને ભાગી ગઈ.
લોકો કહે— વહેમી રમણે તેને છોડી, પણ હકીકતમાં એણે રમણને છાંડી, છોડ્યું હતું “બા” સભાળવું , બા નું બિરુદ. તેની મમતે ઠગયા હતા તેના નાદાન બાળકોને . રમણ, જેની આંખોમાં લાગણીનો દરિયો ઘુઘવાતો હતો . પણ અફસોસ તેને હોઠે અભિવ્યતિ માટે એક શબ્દ ન હતો. ન તો ધાવણા રતનની વેદના સહી શક્યો, કે ન તે દીકરીના નમણા હાથને કામે વળગતા રોકી શક્યો . આમ રમણના ખોરડે “બા ” શબ્દ હંમેશ માટે મુક્ત થઇ ગયો.
પ્રભા એ ખાલી જગ્યા ભરવાની કોશિશ માં રહેતી . પોતે રતનની બા, આપા અને બહેન—ત્રણે બની ગઈ. મૂંગા રતન માટે તો એજ આશરો હતી. ખેતર ખેડવું હોય કે ભાથું રાંધી બાંધવું હોય, પ્રભાએ બધું મૂંગા મોઢે કરતી. પણ તેના દિલ ને પૂછો તો , તેના કાને ભાઈના હોઠ પર "બેની" શબ્દની એક થાપ વાગે એટલાં માટે એ જીવતી હતી .
અષાઢી બપોરે ખેતરે નીંદામણ પતાવ્યા પછી પ્રભા, રમણ અને રતન ખેતરના શેઢે આરામ કરી રહયા હતા. ધીમો અષાઢી પવન, લીલુછમ લહેરતું ખેતરો, અને પંખીઓના ટહુકા માણતાં. પ્રભાની આંખ લડબી ગઈ. અને એ જ પળે, સીમડેથી દબાતે પગે ફુલકું મારતો, આંખમાં ભુખ ભરેલો દીપડો આવ્યો , તેણે રતનને મોમાં પકડ્યો અને લઈ ગયો. હેબતાઈ ગયેલો, જન્મથી મુગો રમન હૂંકરાથી વિશેષ કઈકરી ન શક્યો. પણ બાજુના ખેતરના મજૂરોના દેકારાએ પ્રભાને ઉઠાડી દીધી. પ્રભા જાગી અને જુવે તો બાજુમા રતન ન મળે. બાજુના ખેતરની રાડો અને રતનને મોમાં લઇ ખેંચવા માથતો દીપડા ને જોતા તેણે, તેના ચણીયાને કાછોટો માર્યો અને ધાર્યું લઈ દોડી તે દીપડાને ડામવા , ભાઈને બચાવવા. આજુ બાજુના ખેતરેથી લોકો "અલ્યા રમણ રોક, લ્યા તારી છોડીને" ની બૂમો પડતા રહ્યા, પણ રમણના કાન કામ કરે તો ને?
જોત જોતામાં દીપડાને આંબી ,પ્રભાએ ધાર્યું ઉઠાવ્યું. તેના નાજુક શરીરના વજન સાથે જોર લગાવી, દબાણ કરીને દીપડાને ગળે માર્યું! ઘાયલ થવાથી દીપડો ખૂંખાર થયો , તેણે રતનને પડતો મૂક્યો અને પ્રભા સાથે બખડ્યો.
પ્રભાએ પૂરા જનૂન થી ધાર્યાના એક બે નહીં… પૂરાચાર ઘા મારી દીપડાને ઘાયલ કર્યો . આખરે પ્રભા અને રતનને છોડી, દીપડો સીમમાં ભાગી ગયો થયો.
પ્રભા પોતાના પગ પર ઊભી રહી… પણ એના ઘૂંટણો અચાનક નબળા પડી ગયા.પણ તેણે ભોંય પડેલા રતનને છાતીએ વળગાડયો . ભાગદોડમાં એનો શ્વાસ ઉખડી રહ્યો. આખું શરીર લોહીથી ભરાયું હતું. જીવ સટોસટ ની એ લડાઈ જીતી ગઈ… પણ એ જાણતી હતી કે એનો અંત નજીક છે .
તેણે એક નજર આકાશ તરફ માડી , કદાચ તે કુદરત પાસે કઈ માંગી રહી હતી .
અને એ પળે…બીજા મજૂર સાથે તેના બાપુ રમણને આવેલા જોયા.
અને એ પળે…
તેની કુંખમાં રહેલા રતનની નાની આંખો ભીની થઈ. એનો નાનો પણ મધુર અવાજ ગુંજ્યો:
"બા… બા…"
પ્રભાએ ફરી આકષ તરફ જોઈ મલકી , પ્રભુનો આભાર માનવા કઈ બોલવા વિચાર્યું પણ એના હોઠો કામ્પી રહ્યા, બોલી ના શકી . હા, એ જીતી ગઈ. આખરે ટૂંકી જિંદગી માં આખ ગામ ને મમતાની પરિભાષા આપી ગઈ.
રમણ દોડી આવ્યો. એણે રતનને ખોળામાં ઉઠાવ્યો, અને…પ્રભાને પકડીને થરથરતા હોઠોથી બોલવાનો પ્રયાસ કર્યો..બે....ટી.
તેનો અવાજ—એનાં અવાજ વિનાનું ધબકતું જીવન—આજે કશુંક બોલવા માગતું હતું. જે લોકોના કાનથી આજે જરૂર દૂર હતું પણ , તે અવાજ પ્રભાના કાનથી તેના દિલ સોંસરવો ઉતરી ચૂકેલ હતો.
પ્રભાએ તેના બાપુને હળવું સ્મિત આપ્યું… અને ધીમે ધીમે એનો શ્વાસ શાંત થઈ ગયો.
ત્યાં રમણની કુંખે રહેલા રતનનો નાનો અવાજ ફરી ગુંજ્યો:"બા… બા…
"
અને આ શું નવું થયું ?
તે વિચારે રમણ તેના કાન ખોતરતો હતો.
