Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Ashok Luhar

Children Classics Drama


5.0  

Ashok Luhar

Children Classics Drama


અતિત

અતિત

3 mins 6.8K 3 mins 6.8K

શાંતિ વિલા રો-હાઉસની છેલ્લી શેરીનું આખરી મકાન. આશરે પાંસઠ વર્ષના અમરતકાકા સવારના દસેક વાગ્યે પોતાની આરામ ખુરશી પર બેઠા હતા. પાંચ વર્ષનો નાનકો બબલુ સોફા પર આડો પડી મમ્મીના મોબાઈલમાં ગેમ રમવામાં મશગૂલ હતો અને મમ્મી કીચનમાં.

અચાનક બારીના કાચ સાથે અથડાઈને એક રબ્બરીયો બોલ આવીને સોફા પર ધબ્બ દઈને પડ્યો. એકાએક આવી પડેલા બોલથી નાનકો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી મોબાઈલ છટકીને સીધો જમીન પર પડ્યો. નાનકો રડવા લાગ્યો.

‘ચાલો ભાગો અહીંથી… આખો દિવસ­­­ ક્રિકેટ… ક્રિકેટ..! આ એક જ જગ્યા દેખાય છે તમને રમવા માટે…?’ અમરતકાકા ઊભા થયા અને બારી પાસે જઈને મોટેથી બૂમ પાડી બોલ્યા, ‘માથાનો દુઃખાવો બની ગયા છે… કોઈને વાગી ગયું હોત તો?’

અવાજ સાંભળી શેરીના બધા બાળકો આમ-તેમ નાસી ગયાં. મમ્મી રસોડામાંથી ડોકીયું કરીને પાછા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.

અમરતકાકાએ નાનકાને ઊંચકી લીધો. પોતે આરામ ખૂરશી પર બેઠા અને નાનકાને ખોળામાં બેસાડી, તેનું માથું પોતાની છાતી પર ટેકવી હળવેકથી તેના માથે હાથ ફેરવવા માંડ્યા. નાનકો પણ ચૂપ થઈને દાદાના કૂર્તાના બટનને ગોળ ગોળ ફેરવી રમવા માંડ્યો.

‘દાદા, તમે પણ ક્રિકેટ રમતા? નાના હતા ત્યારે?’ અચાનક નાનકાએ માથું ઊંચું કરી પૂછ્યું.

‘ના, દીકરા !’ અમરતકાકાએ કહ્યું.

‘તો તમે કંઈ પણ નહીં રમતા?’ નાનકાએ આશ્ચર્યથી પૂછ્યું.

‘ના ના… એટલે અમે ક્રિકેટ નહીં રમતા.’ અમરતકાકા હસી પડ્યા.

‘તો તમે શું રમતાં હતાં?’ નાનકાએ સવાલ પૂછ્યો.

‘કબડ્ડી, ખો-ખો… અને હાં ગિલ્લી-દંડા તો ખૂબ રમતાં.’ અમરતકાકાએ જવાબ આપ્યો.

‘ગિલ્લી-દંડા? એ વળી શું?’ નાનકાએ પૂછ્યું.

હવે અમરતકાકાએ નાનકાને સરખી રીતે ખોળામાં બોસાડ્યો અને માહિતી આપતા બોલ્યા, ‘ગિલ્લી-દંડામાં એક હોય છે દંડો, આટલો મોટો અને મજબૂત…’ કોણી સુધીની લંબાઈ હાથના ઈશારે બતાવતા અમરતકાકા બોલ્યા.

‘… અને બીજી હોય છે ગિલ્લી. એક વેંત જેટલી નાની અને બંને તરફ છોલેલી. જેમ તારી પેન્સિલ છોલેલી હોય છે તેમ.’

‘તમારી પાસે શાર્પનર પણ હતું?’ નાનકાએ આશ્ચર્ય સાથે ફરી એક પ્રશ્ન પૂછ્યો.

‘ના દીકરા… અમે ચપ્પુ અથવા દાતરડાંથી છોલતા.’ જવાબ આપીને અમરતકાકા હસી પડ્યા.

‘પછી એને ક્રિકેટની જેમ રમતા?’ નાનકાએ ફરી એક સવાલ પૂછ્યો.

‘ના, ગિલ્લીને જમીન પર મૂકીને તેના આગળના ભાગ પર દંડાથી હળવેકથી મારીને ગિલ્લી ઉછાળતાં અને દંડાથી જોરદાર શોટ મારતાં.’ અમરતકાકાએ હાથના ઈશારા સાથે કહ્યું.

‘ઓ…’ નાનકાએ બંને હથેળીથી પોતાનું મોઢું દબાવી, આશ્ચર્ય અને ડરના મિશ્ર ભાવ સાથે આંખો પહોળી કરી અને પ્રશ્ન કર્યો, ‘તો કોઈને વાગે નહીં?’

અમરતકાકા મૂંઝાયા. શું જવાબ આપવો તે વિચારી રહ્યાં.

‘ચલો ચલો… મેગી નૂડલ્સ કોન ખાએગા? કોન ખાએગાં?’ મમ્મી રસોડામાંથી એક બાઉલ લઈને બહાર આવ્યાં અને ડાઈનિંગ ટેબલ પર બાઉલ મૂકતાં બોલ્યાં.

મુઠ્ઠીઓ વાળી બંને હાથ ઉપર કરતાં નાનકો બોલ્યો, ‘મેં ખાઉંગાં… મેં ખાઉંગાં…’ અને દાદાના ખોળામાંથી કૂદીને તે ડાઈનિંગ ટેબલ તરફ દોડ્યો.

‘બાપુજી, તમે ચા લેશો?’ મમ્મીએ અમરતકાકાને પૂછ્યું.

હાથના ઈશારે ના પાડીને અમરતકાકા આંખના પોપચાં ઢાળી દીધાં.

* * *

‘હરામખોર ! છોકરાની આંખ સહેજમાં બચી ગઈ….’ બાપુજીના હાથમાં એ જ ડંડો હતો અને ગુસ્સાથી અમરતને ફટકારી રહ્યા હતા. ‘આજે ગિલ્લી છોકરાની આંખમાં વાગી હોત તો શું થાત?’

‘ના બાપુજી… બાપુજી ના…’ અમરત આજીજી કરતો જતો હતો અને બાપુજી તેને ફટકારતાં જતા હતા.

‘એ તો આપળા શંકરભાઈ ભગવાનના માણસ એટલે દાક્તરના પૈસા ય ન લીધાં. બીજું કોઈ હોત તો શે’ર દોડવું પડત.’ પાછળથી બા કકળાટ કરતાં હતાં. ‘આટલો મોટો ઢાંઢીયો કશા કામનો નથી ને ઉપરથી આવા ડખાં…’

કેટલોય સમય માર ખાધા બાદ અમરત જાણે અર્ધ-બેભાન થઈ ગયો અને બાપુજી પરસેવે રેબઝેબ. આખરે થાકીને બાપુજીએ દંડો ભાંગીને ચૂલામાં નાંખી દીધો હતો.

* * *

હજી જાણે ગઈકાલની જ વાત હોય એમ અમરતકાકાના ચહેરા પર પીડાનાં ભાવ ઉપસી આવ્યાં. તેમણે આંખો ખોલી અને આરામખુરશી પર સરખી રીતે બેઠા. થોડોક સમય વિચારી રહ્યાં બાદ ઊભાં થયાં અને સોફા પર પડેલો બોલ ઊઠાવી ઓટલા પર આવ્યાં.

સામેના બંધ મકાનના ઓટલા પર બાળકો હવે શું રમવું એની અસમંજસમાં બેઠાં હતાં.

‘એય છોકરાઓ…’ બોલતાં અમરતકાકાએ બોલ બાળકો તરફ ફેંક્યોં અને બાળકો આનંદ સાથે ચિચિયારીઓ પાડી ઉઠ્યાં.


Rate this content
Log in

More gujarati story from Ashok Luhar

Similar gujarati story from Children