Valibhai Musa

Classics Comedy Drama

3  

Valibhai Musa

Classics Comedy Drama

અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !

અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !

2 mins
8.5K


(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે. વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત આ રચના છે.)


અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ!

બે મિત્રો નામે સુરદા અને વલદા અમદાવાદમાં જૂના વિક્ટોરિયા ગાર્ડન નજીક પાડોશમાં જ રહેતા હતા. બંને વાલીડા એક નંબરના આળસુ, કામધંધો કરે નહિ. બંનેનાં બૈરાં સિલાઈકામ, પાપડ વણવા વગેરે જેવી દિવસરાત મહેનત કરીને ઘર નિભાવે. એક દિવસે બંનેએ ઘરે જલેબી બનાવીને તોલત્રાજવાં સાથે પેલા બેને જલેબી વેચવા બગીચે મોકલ્યા. સુરદાનાં ઘરવાળાંએ તેમને રોકડો એક રૂપિયો આપ્યો. વલદાના ઘરે કડકી હતી એટલે તેમને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું. બંનેને તાકીદ કરવામાં આવી કે બપોરે જમવાના સમયે વારાફરતી નજીકની લોજમાંથી અડધું અડધું ભાણું ખાઈ આવવાનું (સોંઘવારીના દિવસો હતા) અને કોઈએ વેચવાના માલમાંથી ખાવું નહિ અને માલ વેચાઈ ગયા બાદ પૂરેપૂરો વકરો ઘરે લાવવાનો.

બપોર થવા સુધી પાશેર કે નવટાંક જલેબીનું પણ કોઈ ઘરાક લાગ્યું નહિ. સુરદાએ વલદાને કહ્યું, ‘ભાઈ વેપાર થવો હોય તો થાય, પણ હું તો મારો રૂપિયો લઈને લોજમાં જમી આવું.’

‘અરે મૂર્ખના સરદાર, લોજવાળાને રૂપિયો ખટાવે, એના કરતાં અહીં જ વકરો કરાવ ને!’

‘અલ્યા, તારી વાત સાચી છે વલદા!’

લાડુભક્ત સુરદાએ તો અવલોકનથી મનોમન સાબિત કરી લીધું કે જલેબી એ તો ગળપણના ગુણધર્મે લાડવાનું જ બીજું રૂપ કહેવાય અને વળી થોડીક ખટાશ તો વધારામાં! વાલીડાએ વલદાને વિવેક પણ કર્યો નહિ અને જલેબીથી પોતાનું પેટ ભરી લઈને નળે જઈને પાણી પણ પી આવ્યો.

વલદાએ કહ્યું કે ‘મને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું છે, તો બોણી થઈ ગઈ છે એટલે એક રૂપિયો ઊછીનો લઉં?’

‘હા, ભલે! વેવારની વાત છે. પણ, તુંય મારી જેમ રૂપિયાની જલેબી જમી લે ને! એટલે બે રૂપિયાનો તો વકરો થઈ ગયો ગણાયને! આપણે હિસાબખિતાબ કાયદેસર સમજી જ લેવાનો છે.’

વલદાએ પણ રૂપિયાની જલેબી ખાઈ લીધી.

કોઈ ઘરાક લાગે નહિ અને એકલી જલેબીથી ભૂખ થોડી સંતોષાય! થોડીથોડી વારે બંનેને ભૂખ લાગતી જાય, વારાફરતી પેલો રૂપિયો ઊછીનો લેતા જાય અને જલેબી ખાતા જાય! સાંજ સુધીમાં તો થાળ ખાલી અને હરખાતા હરખાતા ઘરે જઈને પોતાના નવીન ધંધાના પહેલા દિવસની બધો જ માલ વેચાઈ ગયાની કામયાબીની વધાઈ પણ ખાઈ લીધી અને પેલીઓના હાથમાં વકરાનો રૂપિયો પણ પકડાવી દીધો. વળી ડંફાસ પણ મારી દીધી કે બસ આ જ રીતે ભારત અને ચીનને હજારો વર્ષો સુધી મંદીનો સામનો નહિ કરવો પડે, કેમ કે ઉત્પાદનોના સ્થાનિક ઉપભોક્તાઓ તેમને મળી જ રહેવાના!

પેલી બે બાઈઓ જરાય ગુસ્સે ન થઈ કેમ કે પેલા બેની છેલ્લી વાત ઉપરથી એમને પાકો વિશ્વાસ થઈ ગયો કે ભલે ને તેઓ કામધંધો ન કરતા હોય, પણ એક દિવસ એવો તો આવશે જ કે અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ એ બંનેને સંયુક્ત રીતે મળ્યા વગર રહેશે નહિ!


Rate this content
Log in

Similar gujarati story from Classics