Hiren Maheta

Tragedy

3  

Hiren Maheta

Tragedy

અપંગ કોણ..?

અપંગ કોણ..?

3 mins
11.5K


ઘણી વાર થવા છતાં પણ બસ હજુ આવી નહોતી. ઉનાળાનો સૂરજ દસ વાગતામાં તો ઠેઠ આકાશે આવી ચડ્યો હતો. ચહેરા પર જામેલા પ્રસ્વેદ બિંદુઓ તેના સાક્ષી હતા. એક હાથમાં લેપટોપ બેગ તો બીજા હાથમાં રૂમાલ પકડીને હું બસની રાહ જોતો ઉભેલો હતો. મનમાં ઉદાસી ઘેરી વળેલી હતી. એક તો આકરી ગરમી અને આવી ગરમીમાં ગોઠવેલી આકરી પરીક્ષા. બધુય અણગમતું. એમાંય જમ્યા પછી ઘરેથી આવી ગરમીમાં નીકળવું કોઈ અગ્નિપરીક્ષા આપવા બરાબર હતું. મનમાં થતું હતું, ‘આના કરતાં તો રી-ટેસ્ટ આપ્યો હોત તો સારું હતું.’ 

બસની રાહ જોનારા બીજા ચારેક લોકો પણ મારી જેમ જ રઘવાયા હતા. ક્યારે બસ આવે ને ક્યારે એની સીટમાં શરીરને બરાબર ગોઠવીને આરામ ફરમાવાય તેની રાહ જોતા અમે ઊભા રહ્યા. એકે તો પાસે ઉભેલા બાઈક પર જ ટેકો મેળવી લીધેલો. તો બીજા બે જણા કાળા પડી ગયેલા બસસ્ટેન્ડનાં થાંભલા પકડીને વાતોએ ચડી ગયેલા. એક ભાઈએ તો ખીસ્સામાંથી રૂમાલ કાઢીને એને પોતાના ટાલીયા માથા પર ગોઠવી દીધો. એક તો ગરમી અને ઉપરથી માથે ઉજ્જડ મેદાન. એનું બિચારાનું તો આજે આવી જ બન્યું હતું.

એટલામાં દૂરથી કોઈ ઉતાવળે પગલે આવતું લાગ્યું. વધુ ગતિએ ચાલવાથી હાંફ ચડી ગઈ હતી. નહિ…મારી ભૂલ થતી લાગે છે. એમના દેખાવ પરથી પ્રેગ્નન્ટ લાગ્યા. કદાચ એટલે જ હાંફી ગયા હશે. એક તો આ ગરમી અને બેજીવું શરીર. પાંત્રીસેક વરસની ઉંમર હશે. ડાર્ક ગ્રીન સાડી, હાથમાં નાનું પર્સ, એક હાથમાં રૂમાલથી ચહેરો લૂછતાં તે આવીને ઊભા રહ્યા. બધાની નજર તેમના પર ગઈ. ગોળ ભરાવદાર ચહેરો, બે ભ્રમરથી થોડેક ઉંચે બરાબર વચ્ચે લગાવેલ મહેંદી બિંદી, ઉનાળાની ગરમીમાં પણ ગેલમાં આવેલી કાન ઉપરની લટ જે વારેવારે તેમના ચહેરા પર ઉતારી આવીને પકડદાવ રમતી હતી. ત્યાં ઉભેલી તમામ નજર તેમનું આકલન કરી રહી હતી. પરંતુ જે કોઈએ નહોતું જોયું એ હતો તેમની આંખોમાં બેઠેલો થાક. 

ગણતરીમાં રોકાયેલું મર્કટ મન બસનું હોર્ન વાગતા જ પાછું દોડી આવ્યું. હવે તેના માટે બસમાં ચડીને કોઈ ખાલી બેઠક પર જમાવટ કરવી એ મહત્વનું બની ગયું હતું. બસ આવતા સુધીમાં તો બીજા ચારેક લોકો દોડી આવ્યા. ધક્કામુક્કી થવા લાગી. હું ભીડ વચ્ચેથી ભીંસમાં પણ બસમાં ચડી ગયો. આમતેમ નજર નાખતા બે-એક સીટ ખાલી મળી આવી. સદભાગ્યે મેં બારીની પાસે સીટ મેળવી લીધી હતી. બાકીના બીજા બસમાં રેલીંગ પકડીને ઊભા હતા. મેં નજર દોડાવી તો પેલા બેન સહુથી છેલ્લે બસમાં ચડ્યા. તે પણ બસમાં એક સીટનો ટેકો લઈને ઊભા હતા. એક હાથે રેલીંગ પરની પટ્ટી પકડી હતી તો બીજા હાથે પર્સ. બસ હવે દોડવા લાગી હતી. મારી નજર તેમના ચહેરા પર જ મંડાયેલી હતી. ચાલુ ગાડીમાં બેલેન્સ બનાવવું અઘરું થઇ પડ્યું. ચહેરો આખો પરસેવાથી તરબોળ.

મને તેમને સીટ ઓફર કરવાનું મન થઇ આવ્યું. પરંતુ મારી બુદ્ધિએ મને એમ કરતા રોકી લીધો. મહામહેનતે મળેલી સીટ જતી કરવાનું યોગ્ય ન લાગ્યું. વળી, પગ હવે વધુ ઊભા રહી શકે એમ ન હતું. સીટ ઓફર નો વિચાર તરત જ માંડી વાળ્યો. બસમાં બાકીનાઓ પણ પોતાની દુનિયામાં મસ્ત હતા. એટલામાં જ કાને કોઈકનો અવાજ સંભળાયો. ‘બેન, અહી બેસો.’ સામેની સીટમાં બેઠેલા ભાઈ પોતાની કાખઘોડીના ટેકે ઊભા થતા બોલ્યા. મારી નજર તેમના પર ગઈ. ચહેરા પર સ્મિત સાથે તેઓ બેનને વિનવી રહ્યા હતા. બેન પહેલા તો ખચકાયા. ‘નહિ, નહિ, તમે ચિંતા ન કરો. તમને ઊભા ઊભા નહિ ફાવે.’ તેમના અવાજમાં લાગણી વર્તાતી હતી. પેલા ભાઈએ જવાબ આપતા કહ્યું, ‘અરે, મને તો કોઈ પ્રોબ્લેમ નથી. મારે તો આ બે ઘોડીઓ નો સહારો છે.’ જવાબ સાંભળીને બસના બધાના ચહેરા લજ્જામાં ઝંખવાઈ ગયા. પેલા બેન ચહેરા પર કૃતજ્ઞતા નાં ભાવ સાથે તે સીટ પર બેસી ગયા. 

પરંતુ મારા મનમાં ચિંતા શરુ થઇ ગઈ કે ‘અપંગ ખરેખર કોણ?’


Rate this content
Log in

Similar gujarati story from Tragedy