Hardik G Raval

Horror

2.5  

Hardik G Raval

Horror

અફવા

અફવા

6 mins
601


આજે શોરૂમ પર મોડું થઈ ગયું હતું, મમ્મી રાહ જોતી હશે એ વિચાર આવતા જ મેં કોદર કાકાને શોરૂમ વધાવાનું કહ્યું અને હું શોરૂમ વધાય એ પહેલા જ નીકળવા તૈયાર થયો. સામાન્ય રીતે દસ - સાડા દસ આરામથી વાગી જતાં પરંતુ, આજે ઘડીયાળ સાડા બારનો સમય બતાવી રહી હતી. "આજે સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ન પડી, નહીં કોદરકાકા !" એમ કહેતા હું ઘરે જવા નીકળ્યો.


આમ તો મને ઘરે જવાની ઉતાવળ ન હોય. પણ હમણા જ અમે નવા ઘરે શિફ્ટ થયા હોવાનાં કારણે મમ્મીને અજાણી અને નવી જગ્યાએ મોડી રાત સુધી એકલી રહે મને એ યોગ્ય ન લાગ્યું. મારુ એક્ટિવા પૂરપાટ ઝડપે ઘર તરફ આગળ વધી રહ્યું હતું. મારા ઘરથી શોરૂમનું અંતર 22 કિલોમીટર જેટલું થાય, એક્ટિવા પર મારે આશરે 40 મિનિટની આજુબાજુનો સમય લાગતો. મેં શહેરથી દૂર કહી શકાય એવી જગ્યાએ ફ્લેટ લીધો હતો, આ ફ્લેટ લેવાનું મુખ્ય કારણ આજુબાજુની લીલોતરી હતી. શહેર પૂરું થતા સતત ચાર કિલોમીટર સુધી આ લીલોતરી પથરાયેલી અને ત્યારબાદ મારો ફ્લેટ આવતો. 


હું હવે એ લીલોતરીવાળા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. મસ્ત ઠંડો પવન આવી રહ્યો હતો. સ્ટ્રીટલાઈટ ચાલું ન હતી પરંતુ પૂનમના ચંદ્રે રોડ પર ટ્યુબલાઈટ સરીખું અજવાળું પાથર્યું હતું અને મારા ઈયરફોનમાં વાગી રહેલા અરિજિતના ગીતોએ વાતાવરણને વધુ સુંદર બનાવ્યું હતું. એ લીલોતરી અને મદમસ્ત વાતાવરણ વચ્ચે એક કિલોમીટર જેટલું અંતર તો પળવારમાં કપાઈ ગયું હોય એવું લાગ્યું. 


હું એકસરખી સ્પીડે એક્ટિવા ચલાવી રહ્યો હતો. હવે એક વાગ્યાની આજુબાજુનો સમય થઈ ગયો હશે મેં વિચાર્યું. હજુ મનમાં મમ્મીની ચિંતા હતી અને એ જ વિચારો ચાલી રહ્યા હતાં ત્યાં જ રોડ પર સાતથી દસ વરસની કહી શકાય એવી પાંચથી છ બાળકીઓ રમતી નજર આવી. મેં આશ્ચર્ય સાથે એક્ટિવાને બ્રેક મારી. શોર્ટ બ્રેક મારવાના કારણે એક્ટિવા સ્લિપ થતાં બચ્યું અને બે બાળકીની એકદમ નજીક જઈને અટક્યું. બંન્ને બાળકીની આટલું નજીક એક્ટિવા ગયું છતાં તેમના ચહેરા પર કોઈ ભય ન દેખાયો. હું ચિંતાતુર વદને તેમની સામે જોઈ રહ્યો.


"અંકલ, હવે અરિજિતના ગીતો સાંભળતા સાંભળતા અહીંથી નીકળો અને અમને રમવા દો". બેમાંથી એક બાળકી બોલી.

હું આશ્ચર્ય સાથે એમની સામે જોઈ રહ્યો. અરિજિતના ગીતો વાગે છે એ વાતની એ બાળકીઓને કઈ રીતે ખબર પડી !

"તમે લોકો અહીંયા !તમને કઈ રીતે........!!" હું બોલતા બોલતા અધૂરા વાક્યો છોડી રહ્યો હતો. 

"તું પેલા ગીતો બંધ કર તારા તો કંઈક તને સમજાવું." કહેતા ડાબી બાજુ રહેલ બાંકડા પર બેઠેલ એક વૃદ્ધ અંકલ મારી તરફ આવ્યા.


મને હવે સમજાયું કે એક્ટિવા સ્લીપ થવાનાં કારણે ફોનમાંથી ઈયરફોનનો વાયર નીકળી ગયો હતો અને ગીતો મોટેથી વાગી રહ્યા હતા. હું ભોંઠપ અનુભવતો ત્યાંથી નીકળી ગયો અને તે બધી બાળકીઓ અને એ વૃદ્ધ મારા તરફ હાથ લાંબો કરીને ખડખડાટ હસતા હોય તેવું પાછળ વળીને જોયું ત્યારે દેખાયું.


હું જેમતેમ કરીને ઘર આગળ પહોંચ્યો. અમારા ફ્લેટસનો મુખ્ય દરવાજો બંધ થઈ ગયો હતો. મેં દરવાજાની બંન્ને બાજુ નજર કરી તો ઠંડા પવનનો લાભ ઉઠાવતાં સિક્યુરિટીવાળા કાકા એકબાજુ ખાટલે સૂતાં નજરે ચડ્યા. મારી પૂરી દસ મિનિટની મહેનત પછી એ કાકાએ એમની નિંદરનો ત્યાગ કરી અડધી આંખો ખોલી મારી તરફ જોવા લાગ્યા અને મને જોતાં જ બોલ્યા.


"અરે 306 વાલે સાહબજી આજ કાફી લેટ હો ગયા નહીં ?" કહેતા ઉઠ્યા અને દરવાજો ખોલ્યો.

"ક્યા લેટ ચાચા, અપને ફ્લેટ કે બચ્ચે થોડા આગે ખેલ રહે હૈ ઔર આપકો લેટ લગ રહા હૈ ?" આજુબાજુ રહેણાંક વિસ્તાર ન હોવાના કારણે મેં તે બાળકીઓ અમારી સોસાયટીની હોવાનું અનુમાન લગાવ્યું.

"હા વો ભી હૈ" એ ચાચા અડધી ઊંઘમાં બોલી રહ્યા હતા. 


હું તેમને દરવાજો બંધ કરવાનું કહી ત્યાંથી નીકળી ગયો, હું મનમાં વિચારી રહ્યો હતો કે સિક્યોરીટી કાકાને એ દિવસે 'રાજી'ન કર્યા હોત તો એમને મારો ચહેરો ફ્લેટ નંબર સહિત યાદ રહેત ?


હું ઘરે પહોંચ્યો અને આ રીતે આશ્ચર્ય અને ભોંઠપ સાથેનો મારો દિવસ પૂરો થયો. બીજા દિવસે સવારે જ્યારે હું શોરૂમ જવા નીકળી રહ્યો હતો ત્યારે એ કાકાની શિફ્ટ પુરી થઈ હોવાથી એ કાકા ઘરે જવા તૈયાર હતાં, મેં એમને જોઈ મારી એક્ટિવા રોકી અને એમને લિફ્ટ આપી.  અમે એ સ્થળે પહોંચ્યા જ્યાં ગઈ રાત્રીએ મારી એક્ટિવા સ્લીપ થઈ હતી. મને યાદ આવતા જ મેં એ કાકાને પૂછ્યું.

"કલ વો અંકલ ઔર વો બચ્ચીયા ઇતની રાત કો યહાં કયું ખેલ રહી થી ? અપને ગાર્ડન મેં ભી તો ખેલ શકતી હૈ ના."

"કૌન અંકલ, સાહબજી ?" કાકા બોલ્યા.

"કલ રાત તો બાત હુઈથી અપની" મેં એક્ટિવાના કાચમાંથી કાકા તરફ જોતાં કાકાને કહ્યું.


મેં અનુભવ્યું કે કાકાના ચહેરાનો રંગ અચાનક બદલાઈ ગયો હતો. એમના મોઢા પર કોઈ બીકે કબજો કરી લીધો હોય એવું લાગ્યું. હું આગળ કશું ન બોલ્યો. કાકાએ પણ મૌન ધારણ કરી લીધું હતું. પુરી પંદર મિનિટના મૌન પછી જ્યારે કાકાનું ઉતરવાનું સ્થળ આવ્યું ત્યારે એ કાકા ઉતરતા ઉતરતા બોલ્યા.


"સાહબજી.... સાહબજી... આજ રાત કો ઘર જલ્દી આ જાના ઔર વો લડકીયો સે દોસ્તી મત કરના. વો અપને ફ્લેટકી નહીં હૈ." એમનાં અવાજમાં ધ્રુજારી અને ડર મેં અનુભવ્યો.

"કેમ ?" મેં પૂછ્યું. 

કાકા કશું ન બોલ્યા. 


મેં એમને ફોર્સ કર્યો તેમ છતાં તે ન બોલ્યા પછી મેં ખિસ્સામાંથી ૫૦૦ની નોટ કાઢી એમને આપી ત્યારે તે ધીમા અવાજે બોલ્યા.

"સાહબજી, બિલ્ડરકો મત બતાના કી મેંને યહ આપકો બતાયા હૈ" બોલી એ અટકી ગયા. થોડી ક્ષણો પછી જ્યારે મારી આંખોમાં એમને કોઈને ન કહેવાની સહમતી જણાઈ એટલે બોલ્યા "વો લડકીયા ભુત હૈ" આટલું બોલતા તેમના ચહેરા પર પરસેવો વળી ગયો.


મને તુરંત ન સમજાયું પણ ત્યારબાદ મને એ કાકાએ જે વાત કરી એ પરથી એટલું સમજાયું કે એ બાળકીઓની બસ અમુક વરસો પહેલા પ્રવાસ માટે ત્યાંથી નીકળી હતી. પણ ડ્રાઈવરની બેદરકારીના કારણે તે સ્થળે અકસ્માત થયો હતો અને એ બાળકીઓનું અપમૃત્યુ થયું હતું, ત્યારથી તે બાળકીઓ મોડી રાત્રિએ ત્યાં રમતી હોય છે અને કોઈપણ વાહન ચાલક પસાર થાય એની સાથે મિત્રતા કરી મોતને ઘાટ ઉતારે છે એવી વાતો વહેતી થયેલી છે.


મને આ વાત બાળસહજ દિમાગે ઉપસાવેલી હોય એવું લાગ્યું. કદાચ પૂર્ણિમાનું ગૌરી વ્રતનું જાગરણના કારણે પણ એ બાળકીઓ ત્યાં રમતી હોઈ શકે, મેં વિચાર્યું. આ વાતનાં વિચારોએ આખો દિવસ મારા દિલોદિમાગ પર કબજો કરી રાખ્યો. મને આ વાતને અમુક અંશે ભૂલતા બેથી ત્રણ દિવસ થયા. 


એ વાતને પુરા ચૌદ દિવસ વીતી ગયા હતા. મારે આજે પણ કસ્ટમર્સ ફ્લોના કારણે શોરૂમ પર જ બાર વાગી ગયા હતા. હું શોરૂમ શોરૂમ વધાવી મારા નિત્યક્રમ મુજબ એજ રસ્તે ઘર તરફ જવા નીકળ્યો. આજે અંધારી રાત હતી. રોડ પરની એકસાઈડ રહેલ સ્ટ્રીટલાઈટનો પીળો પ્રકાશ રોડ પર અમુક અંશે અજવાળું કહી શકાય એવો પ્રકાશ ફેંકતો હતો. વળી એ જગ્યા આવતા મને કાકાની વાત યાદ આવી ગઈ. વિચારોમાં ખોવાવાના કારણે મારું એક્ટિવા એ જ સ્થળે ફરી સ્લીપ થયું. આ વખતે હું રોડની એક તરફ ફંગોળાયેલો હતો અને મારું એક્ટિવા રોડની વચ્ચોવચ પડેલ હતું. મારા માથું સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાયું અને એ જ કારણે માથામાંથી લોહીની ધાર વહી ગઈ. રોડ પર મને મારુ જ લોહી દેખાયું. હું પીડાથી તડપતા આમતેમ જોઈ રહ્યો હતો ત્યાં જ એ રાત્રીવાળા અંકલ આવ્યા અને મારા તરફ સ્માઈલ આપી.


મને પેલી બાળકીઓ પણ દૂર રમતી દેખાઈ. મેં અંકલને ધીમેથી પણ સીધું જ પૂછી લીધું.

"શું આ છોકરીઓ ભૂત છે??" 

મારી આ વાતથી કાકાના ચહેરાના ભાવ પણ ન બદલાયા અને એમણે મને પ્રેમથી માથે વાગ્યું હતું એનાથી થોડે દુર હાથ ફેરવતાં સ્માઈલ સાથે બોલ્યા.

"બેટા, એ વાત બિલકુલ 'અફવા' છે, મારો પણ તારી જેમ જ અકસ્માત થયો હતો ત્યારથી આ બાળકીઓ સાથે મિત્રતા થઈ

ગઈ છે."


એ અંકલે વાત પૂરી કરી ત્યાંજ એ બાળકીઓ મારા તરફ આવી અને એકસાથે બધી બાળકીઓ હાથ લાંબો કરી બોલી "વેલકમ ઈન અવર વર્લ્ડ ન્યુ ફ્રેન્ડ" અને એ બાળકીઓ એ મળીને મારા માથા પર પાટો બાંધ્યો. હું થોડા સમય પછી સ્વસ્થ થયો અને ઘર તરફ જવા નીકળ્યો. 


સોસાયટી ગેટ આગળ પહોંચતા જ સિક્યોરિટી ચાચાને જગાડવાના પ્રયાસો કર્યા પણ એ ચાચા ન જાગ્યા. મેં એક્ટિવા દરવાજા સાથે ગુસ્સામાં અથડાવ્યું તો એ મારા આશ્ચર્યની વચ્ચે દરવાજા સાથે ભટકાયા વગર બંધ દરવાજામાંથી પસાર થઈ ગયું હોય એવું મને લાગ્યું. મને માથા પર વાગ્યું એની અસર હશે બાકી દરવાજો ખુલ્લો જ હશે, એમ મેં માન્યું. ઘરે પહોંચતા મમ્મી મારી રાહે જાગતી હતી. દરવાજો ખુલો હતો. હું અંદર આવી સોફા પર બેઠો. મારા આવવાના પુરી દસ મિનિટ થઈ ગઈ હોવા છતાં ખબર નહીં મમ્મી કોની રાહ જોતી હતી. તે ચિંતામાં ફોન લઈને બાલ્કનીમાં જતી, ફોન લગાવતી અને પાછી રૂમમાં આવતી. વળી આ જ રિપીટ કરતી. એ કોદર કાકાને ફોન કરતી કશુંક પૂછતી અને વળી 'કોઈકને' ફોન લગાવતી.


હું મમ્મીની આ વર્તનથી હસતા હસતા સોફા પર જ સુઈ ગયો અને મનમાં જ બોલ્યો "એ છોકરીઓ તો દોસ્ત છે, ભૂતની વાત તો 'અફવા' જ છે."


Rate this content
Log in

Similar gujarati story from Horror