અપેક્ષા
અપેક્ષા
હર વખત એસ.એસ.મહેતાનો એક સરખો જ જવાબ હોય, 'આપ બહુ રસપ્રદ વ્યક્તિ છો, પણ તમે મોડા થયા'. સુહાસ રોજ પોતાની ફ્રેન્ડ લિસ્ટમાંથી એસ.એસ.મહેતાને મળેલી કોમેન્ટ ચોક્કસ ટાઈમ લઈ ને વાંચે.
સુહાસ એક મલ્ટીનેશનલ કમ્પનીમાં બહુ ઊંચા હોદ્દા પર બહુ સારો પગાર લઈને પોતાની સમજને સાલસતાથી નોકરી કરતો યુવાન. આમ તો કોલેજકાળથી તેણે લવ મેરેજ કરવાનું નક્કી કરી લીધું હતું. પણ વડીલોની વાત ને કેમ જાણે તે ના પાડી શક્યો નહીં. સીમા બહુ સાદી ને સરળ કોલેજ ઘરે રહીને પુરી કરનાર મધ્યમ વર્ગની છોકરી. વડીલોને પસંદ આવી ગઈ. સુહાસે મુલાકાતની માંગણી કરી તો બધા કહે,'એમ કાંઈ થોડા કોઈ અજાણ્યા છોકરા સાથે પોતાની દીકરીને મળવા દે, ને એવું પૂછાય પણ થોડું ?' સીમા આમ તો ઘઉંવર્ણી પણ સુહાસ ને તેની આંખોની ચમક ને બંગાળી સાડી પહેરવાની ઢબ બહુ ગમી ગઈ.
સુહાસે વિચાર્યું કે પોતાના જેવો વિચાર વૈભવ કદાચ સીમામાં નહીં હોય પણ તેના ચહેરાની અકથ્ય વાણી તેને સ્પર્શી ગઈ. ઘડિયા લગ્ન લેવાયા. ને સુહાસ સીમા સાથે પોતાના વિચારોનો મેળ કરવા લાગી ગયો. સીમા બહુ સમજદાર ને સાલસ છોકરી વિચારો મળતા ન હોવા છતાં હમેશા સહમત થઈ જતી. સુહાસ કહેતો પણ ખરો કે તું પરાણે કેમ સ્વીકારે છે. સીમાનો એક જ જવાબ હોય 'પ્રેમ મા પરાણે ન હોય સુહાસ, હું હોંશેથી સ્વીકાર કરું છું.'
સીમા જાણતી હતી કે દલીલ કરીને તે સુહાસની પ્રિય બની શકશે પણ તેનો અહમ પણ એટલો જ ઘવાશે. એટલે જ તે સુહાસના દરેક વિચારને આવકારતી એ પણ વગર દલિલે. સુહાસ ને મનોમન પોતાના વિચારોને દલીલ કરીને પછી સમર્થન કરે એવા ભાવનાત્મક સાથીની ખોટ સાલતી.
એવું પાત્ર તેને સોશિયલ મીડિયા દ્વારા મળી ગયું હોય તેવું લાગ્યું. જે થોડી વિચારોની સ્વતંત્રતાની કમી સીમામાં હતી તે તેને અહીં પૂરી થતી લાગી.
એસ.એસ.મહેતા એ નામ એને પોતીકું લાગવા માંડ્યું. પ્રેમ તો તે સીમાને જ કરતો પણ આ મિત્ર પ્રત્યે પણ તેની લાગણી હતી. બંનેના વિચારોમાં બહુ મોટો ફર્ક હતો છતાં સુહાસને દલીલ કરવી બહુ ગમતી. ને આ મિત્ર બહુ સુંદર દલીલો કરી સુહાસને હરાવી પણ દેતી. સુહાસે નામ પૂછ્યું તો તેણે 'શ્રુતિ' કહ્યું. આ નામ સુહાસનું પ્રિય, તેણે એક વખત સીમાને કહ્યું પણ ખરું કે તારું નામ શ્રુતિ હોત તો.
પછી બંનેને એકબીજાનું વળગણ લાગ્યું. મેસેજ કર્યા વિના ચેન ન પડે. શ્રુતિ બહુ સુંદર રીતે પોતાના વિચારો રજૂ કરતી, રોજની ત્રીસથી ચાલીસ કોમેન્ટ તો હોય જ. કોઈ તો વળી કહી પણ નાખતું કે 'આપનું સાનિધ્ય બહુ મીઠું લાગે છે.' શ્રુતિ ફક્ત સ્માઈલી ફેસ સિવાય કશો જ જવાબ ન આપતી.
સુહાસ રોજ એસ.એસ. મહેતા ને મળેલી કોમેન્ટ વાંચે જ. કોઈ પૂછે કે આપણે મળી શકીએ ? ત્યારે તેનો એક જ જવાબ હોય 'તમે મોડા પડયા.'
સુહાસ સીમાની સરખામણી શ્રુતિ સાથે કરવા લાગ્યો, પણ સીમાનું ત્રાજવું તેને શ્રુતિની સરખામણીએ નમેલું લાગ્યું. સીમા આ બદલાવ જાણતી હોવા છતાં તેના વર્તનમાં કોઈ ફેરફાર ન હતો.
સુહાસ શ્રુતિને કહેતો પણ ખરો કે મને તારા વિચારો ખૂબ ગમે છે. ત્યારે શ્રુતિ લખતી કે, "વિચારો તો આપણને ઘણા ના ગમતા હોય પણ જરૂરી નથી એ વ્યક્તિ પણ તમને ગમે."
હવે તો સીમાની રીતસરની ઉપેક્ષા જ થવા લાગી પણ સીમા તો એકસરખી નદીની જેમ વહેતી જ રહી.
એક દિવસ સુહાસ પોતાની કોઈક જૂની ફાઈલો શોધતો'તો ત્યારે તેના હાથમાં ઘણા ન્યૂઝપેપરના કટિંગ્સ આવ્યા, જેમા બહુ સરસ લેખો પ્રકાશિત થયેલા હતાં. સીમાને બોલાવી ને કહે કે તને આવા સરસ લેખો વાંચવાનો શોખ ક્યારનો જાગ્યો. સીમા તેના હાથમાંથી રીતસર ઝપટ મારીને ઝૂંટવી ચાલી ગઈ. પ્રથમ વખત આવું વર્તન જોઈ સુહાસ ડઘાઈ ગયો. તેણે નક્કી કર્યું કે આ વર્તન પાછળનું રહસ્ય ઉકેલવું જ પડશે.
એક દિવસ સીમા ઘરમાં નહતી ત્યારે સુહાસે આખું ઘર ફેંદી નાખ્યું. પેલા કટિંગ્સ તેને ક્યાંય ન મળ્યા.
સુહાસના હાથમાં કેટલાક પત્રો લાગ્યા. જે એક નામાંકિત ન્યૂઝ પેપરના એડિટરના હતા, જેમાં તેણે ઓફર કરી હતી પોતાના પેપરમાં લખવાની અને એ પત્રો હતા એસ.એસ.મહેતાના નામના.... સીમા શ્રીકાંત મહેતા.
