Hina dasa

Drama Inspirational

4.3  

Hina dasa

Drama Inspirational

પરાઈ પીડ જાણનાર

પરાઈ પીડ જાણનાર

12 mins
708


"મિસ પ્રત્યુષા કાલે જ તમારે જોઈન થવાનું છે. સવારે દસ વાગ્યે રિપોર્ટિંગ કરવાનું છે. પહોંચી જજો હેડ ઓફિસે, ત્યાંથી તમને બીજી સૂચના મળશે. તમને લેટર પણ મળી ગયો હશે."

હજુ તો પ્રત્યુષા આંખો ચોળતી ચોળતી ઊભી થઈ ત્યાં તો કૉલ આવ્યો. એ બહુ ખુશ થતી થતી મા પાસે ગઈ. 

"મા કાલે મારે રિપોર્ટિંગ કરવાનું છે. આ બાપુ પણ અત્યારમાં ક્યાં જતા રહ્યા. ખબર છે કે એમના વગર હું ચા નહીં પીઉ તો પણ સવાર સવાર માં અદ્રશ્ય થઈ જાય છે."

"આ રયો મારી સોનબાઈ હું કયે જાવાનો તારા વગર હે બસા."

ઘરના મોટા વરંડા માં પોતાનું ટ્રેકટર મૂકતો શામજી બોલતો હતો. ગામડા ગામના મોટા દસ બાય દસ ના ખડકી દીધેલા રૂમો ને એનાથી ચાર ગણું ફળિયું. ફળિયા વચ્ચે નારીયેલી ને જામફળી ના ઝાડ બીજા કોઈ ઝાડ જોવા ન મળે. કારણ શામજીની લાડકી સોનબાઈને આ બે વધુ ભાવે એટલે શામજી જતનથી દર વર્ષે એક ઝાડ વાવે. કોઈ પૂછે કે આટલા ઝાડ તો છે હવે કેટલાક વાવવા તો કહે,

"મારી સોનબાઈ ને બોવ ભાવે ઓણસાલ જામફળ તો ઉલી જાહે તો મારી સોનબાઈ શું ખાય ? એટલે આ બીજી વાવી દવ એટલે એમાં જામફળ આવવા મંડે તો એવડી ઈ ખાઈ હકે."

શામજી આવ્યો એટલે સોનબાઈની માએ ચા મૂકી બને બાપદીકરી સાથે જ ચા પીવે. પ્રત્યુષા ઊઠે નહીં તો શામજી ચા વિનાનો જ કામે નીકળી જાય ને ફરી એના ઊઠવાના સમયે પાછો આવે. બને બાપદીકરી સાથે ચા ન પીવે તો ચેન ન પડે. 

આજે બેઠા એટલે પ્રત્યુષા એ વાત કરી,

'બાપુ મારે આજે જ સાંજે નીકળવું પડશે. કાલે સવારે રિપોર્ટિંગ કરવાનું છે.'

શામજી ને ચા ન ભાવિ પણ તોય પી ગયો. પ્રત્યુષા એની આંખો પામી ગઈ. એ નખરાળી છોકરી બોલી,

"મા સામાન બધો અનપેક કરી દે જે, મારે નથી જવું ક્યાંયે હું અહી જ રહીશ. બાપુ પાસે જ."

શામજી ચમકીને જાગ્યો હોય એમ વિચારમાંથી બહાર આવ્યો ને બોલ્યો,

"ના, બેટા ના. અય શુ દાટયું છે ગામડામાં, આ મેં તો ઢોર ભેગા રઈને ઢોર જેવી જંદગી ગુજારી,તારેય એવું કરવું સ ? "

પ્રત્યુષા બોલી તો આંખમાં આ ઝળહળીયા કેમ આવ્યા. 

તો કહે, 'ઈ તો વસારુંસ કે હવે પાસી ચા કેદી પીવા જળહે, તારા વના તો હું ચા પીતો નથ ને એટલે.'

"પણ બાપુ હું પણ ક્યાં પીઉ છું તમારા વગર, ખબર આટલા વર્ષ મા મેં ક્યારેય ચા નહીં પીધી હોય હોસ્ટેલ મા. ચા પીવ ને તમે યાદ આવો."

બાપ દીકરી ચાની ચૂસકી માણતા માણતા ઓતપ્રોત થઈ ગયા કે સમયનું ભાન જ ન રહ્યું. મા બોલાવવા ન આવી હોત તો હજી પણ કેટલો સમય જતો રહેત.

ચાલ બેટા તારે શુ લઈ જવાનું છે એ કહી દે એટલે હું પેક કરી દઉં. પછી સાંજે વહેલી નીકળી જજે અંધારા મા જવું નહીં. પ્રત્યુષા બોલી, 

" મારી બીકણ મા તું એક પોલીસ ઈન્સ્પેકટર ને કહે છે કે અંધારા માં ન જવાય એમ ! મારે તો અંધારામાં જ જવું પડશે કામ કરવા ત્યારે તું સાથે આવીશ."

અત્યાર સુધી નરમ ઘેંસ જેવો ભાસતો શામજી એકદમ મક્કમ બનીને બોલ્યો,

"હાવ હાસુ મારી સોનબાઈ, આ તારા મા સે ને થોડા બીકણ તો સે જ હો. પણ તારે એવું નથ થાવાનું હો. તું તો મારી લખમીબાઈ સે લખમીબાઈ. એટલા હારુ જ તને ભણાવી, કે કોઈના બાપથિય નઈ બીવાનું. ને હવે તો તું મારી ઈનીસ્પેક્ટર દીકરી થઈ ગઈ, ઈ કોઈથીય ન બીવે."

મા આંખોમા એક કોઈ જુએ નહીં એવી અગમ્ય ગમગીની લઈને અંદર સામાન પેક કરવા જતી રહી. 

પ્રત્યુષા નાનપણથી જ હોસ્ટેલ મા રહી. ભણવામાં બહુ હોંશિયાર એટલે શામજીએ મન મક્કમ કરીને પણ પોતાનાથી દૂર મોકલવાનો નિર્ણય કર્યો. કારણ કે ગામડામાં તો આગળ ભણી શકે એમ હતું નહીં તો તેને શહેર ની હોસ્ટેલ મા મુકવાનું જ વિચાર્યું. પોતે જાતે બધું જોઈ કરી આવ્યો ને દીકરીને, પોતાના કાળજાને પોતાનાથી દૂર મૂકી આવ્યો. દર પંદર દિવસે એ શહેર જાય પ્રત્યુષા ની હોસ્ટેલ સામે એકાદ કલાક બેસે ને પાછો આવી જાય. આવીને જમે નહીં એટલે પ્રત્યુષા ની મા ને ખબર પડી જાય કે શહેર થઈને આવ્યા છે. એ પણ બહુ આગ્રહ ન કરે, કારણ કે એ જાણતી હતી કે એની વાતની કોઈ અસર થવાની નથી. 

આમ ને આમ વર્ષો વીતતા ગયા ને પ્રત્યુષા શિખરો સર કરતી ગઈ. પરીક્ષાઓ પાસ કરતી ગઈ ને ઈન્સ્પેકટર બની ગઈ. આજે જ એને હાજર થવાનું હતું. 

શામજી એને ક્યારેય મુકવા ન જતો એકલીને જ બધે મોકલતો. શિખામણ આપે કે , 

'જો દીકરા બીવાનું નઈ. પણ સાવધાની રાખવાની ને કઈ જરૂર પડે તો એક ફોન કરવાનો મને, આ ધારીયું ઈવા હારુ જ રાયખુંસ."

ને એમ કહી દીકરીને એકલી જવા હિંમત આપે. હા પણ પ્રત્યુષા જાય પછી શામજી એની પાછળ ચોરીછુપીથી જાય હેમખેમ પહોંચી જાય પછી પાછો આવી જાય. ગમે એમ તોય બાપનો જીવ ને...

પ્રત્યુષા પણ હવે ઘડાઈ ગઈ. કોઈથીય ડરે નહીં. જવાબ આપી દે બધાને ને જરૂર પડે તો એકાદ તમાચો પણ ચોડી દે. 

પ્રત્યુષા હાજર થઈ ગઈ ને ઘરે ફોન પણ કરી દીધો કે આજથી જ નોકરી પર લાગી જવાનું છે. અહીં જ કવાર્ટર રહેવા મળ્યા છે. શામજી ને ત્યારે નિરાંત વળી ને શાંતિથી જમવાનું ભાવ્યું. 

આમને આમ સમય વીતતો ચાલ્યો પ્રત્યુષા રજાઓમાં આવે ને મન ભરીને બાપુ ને સોનબાઈ એકબીજાનો સાથ માણે. યુવાનવયે પહોંચેલી દીકરીમાં આવેલું પરિવર્તન જમાનાની ધૂળ ચાખીને આધેડ થયેલો શામજી પામી ગયો.

આ વખતે પ્રત્યુષા લાંબી રજા પર આવે ત્યારે વાત કરીશ એમ શામજીએ વિચાર્યું. લાંબી રજાઓ લઈને એની સોનબાઈ આવી. શામજી એને ખેતરે સાથે લઈ ગયો ને વાત ઉચ્ચારી,

"હે સોનબાઈ, હવે તો તને નોકરિયું મળી ગઈ સે, આ ગામમાં બધા પુસ્યે રાખે કે હવે લગન કએ કરવા તારા, ને હૂંય કઈ દવ કે મારી સોનબાઈ હામી ભરે તયે. તી કોઈ સોકરો સે ન્યા તારા જેવો નોકરીવારો તો મને કેજે હું જોઈ લવ. જો તને ગમતો હોય કોઈ તો એય કઈ દે એટલે સીધો ન્યા જ જાવ માગું લઈને."

પ્રત્યુષા તો પોતાના અભણ બાપુ ને જોઈ જ રહી. એ આટલી આધુનિકતા દાખવસે એની કલ્પના પણ ન હતી પ્રત્યુષા ને. પ્રત્યુષા થોડી શરમાઈ પણ કઈ બોલી નહીં. આગળ નીકળી ગઈ. 

ઘરે આવીને બધા જમવા બેઠા ત્યારે શામજીએ ફરી વાત ઉચ્ચારી. હવે પ્રત્યુષા બોલી કે એની સાથે જ નોકરી કરતો એક યુવાન એને ગમે છે. પ્રેમ છે એવું નહીં પણ પોતાને યોગ્ય લાગ્યો ને સરખી જોબ છે તો વિચારો મળતા આવે છે બસ એટલું જ. 

શામજીને ચિંતામાં નાખીને પ્રત્યુષા તો ફરી શહેરમાં જતી રહી પણ શામજી ને ક્યાંય ચેન ન પડે...

રોજ પ્રત્યુષા નો ફોન આવે શામજી પૂછવા ધારે પણ કઈ પૂછી ન શકે. એ દિવસ હિંમત કરીને પૂછી નાખ્યું કે કોણ છોકરો છે, ક્યાંનો છે ને કેવો છે ને બધું. પ્રત્યુષા એ કહ્યું કે હું રજા મા આવીશ ત્યારે વાત કરીશ. 

આ વખતે પ્રત્યુષા ઘરે આવી ને સાથે એના બીજા બે મિત્રો આવ્યા, સાક્ષી ને સમર. 

કોને ખબર હતી કે આ આશાવાદી પગલાઓ સમર લઈને આવ્યા હશે કે સંધિ. શામજી તો બહુ ખુશ ખુશ થઈ ગયો. પ્રત્યુષા ને છેક જાપે તેડવા ગયો, એ પણ ટ્રેકટર લઈને. ગામના પાદરમાંથી છેક ઘર સુધી એ સમરને માપતો રહ્યો. ને ગામ આખું તો ઊંડા વિચારોના દરિયામાં ગરકાવ.

શામજી વર્ષોથી ગામમાં થોડો અદેખો બની ગયો હતો, પ્રત્યુષા ના જન્મ વખતથી, ને આજે તો ઢળવું હતું ને ગામને ઢાળ મળી ગયો. ને વાતો આ લીસા ઢાળ પર વહાવવાની લોકો મજા લેવા લાગ્યા. એકાદ કુટુંબી એ તો કહી પણ નાખ્યું કે આ શામજી તો ઘેલો થઈ ગયો છે. આ છોડી જ્યારથી આવી છે ને શામજી ત્યારથી શામજી મટી ગયો છે. 

ગામડા ગામમા લોકો બહુ સીધાસાદા હોય મનથી અને વ્યવહારથી પણ. એને શહેર ની જેમ એવું નહીં કે કોઈની લાઈફમા આપણે શું દખલ દેવી. અહીં તો બધા બધાના જીવનમાં ડોકિયું કરે ને હા તકલીફ હોય તો સધિયારો પણ આપે ને ન ગમતું હોય તો નિંદા પણ બધા ભેગા મળીને કરે. મૃત્યુ વખતે સાચું ખોટું હાકો પાડીને બધા રડી પણ લે ને પ્રસંગે સાથે મળીને હસી પણ લે. અહીં બહુ પક્ષાપક્ષી નહીં થોડા ભેગા થઈને કહે કે આ ખરાબ એટલે નિર્ણય થઈ ગયો બધા માની જ લે. હા એકલદોકલ નીકળે વિરોધી પણ એમને કોઈ ગાંઠે નહીં.

શામજી આમ થોડો સધ્ધર થઈ ગયો હતો એટલે ગામમાં ને કુટુંબીઓમાં થોડો અદીઠો તો હતો જ. પણ દિલનો નેક બંદો એટલે મોઢે કોઈ કઈ કહી ન શકે. 

પ્રત્યુષાની સાથે એનો મિત્ર ને એ પણ છોકરો હોય એટલે બધાને થોડું અજુગતું લાગ્યું. પણ શામજીને કંઈ કહી તો ન શકે. ગામની ઈર્ષા ચીરતો શામજી ગામ વચ્ચેથી પસાર થઈ ઘરે આવ્યો. 

સાક્ષી ને સમર તો આંખો ફાડીને જોઈ જ રહયા. આવું વાતાવરણ એના માટે તો સાવ નવું. ને સમર તો માતાપિતાનું એકમાત્ર સંતાન ને એ પણ હાઈસોસાયટી ધરાવતા એટલે આ સાદાઈ ને વાતાવરણ એને બહુ આશ્ચર્યચકિત કરી ગયું. 

ઘરમાં પ્રવેશતા પ્રત્યુષાની માઁ આવકારવા આવી. સમર ની આંખોમાં એને કઈક અલગ જ ભાવ દેખાયો આવા વાતાવરણ માટે. એક ડગલું એ પાછળ હટી ગઈ. પણ પછી શામજી સાથે આંખો મળતા ઉમળકાભેર બધાને આવકાર્યા. 

શામજી તો ગામડા ગામનું માણસ ને મહેમાન તો એના માટે ગોળ ના ગાડા. આ બતાવે ને પેલું બતાવે. વાછરડા પાસે લઈ જાય ને ખેતરે લઈ જાય, જબરદસ્તી કરી ને જમાડે. બહાર ખાટલો નાખી આકાશદર્શન કરાવે. સવારે વહેલો ઉઠાડી નદીકાંઠે લઈ જાય. જાણે ગામ એનું સ્વર્ગ ન હોય ને મહેમાન દેવદૂત. 

સમરે આવી આગતાસ્વાગતા ક્યારેય માણી ન હતી. પણ સાંભળેલી ને માની લીધેલી વાતો એટલી દ્રઢ હોય કે માણસો બીજી દિશામાં વિચાર કરવાનું બંધ કરી દે છે. સમર બધું માણે પણ નાકનું ટેરવું થોડું ચડી પણ જાય. જો કે અણગમો ક્યારેય વર્તાવા ન દે પણ માં ની નજરથી કઈ છૂપું રહી શકે ? 

ત્રણેક દિવસ રોકાઈને મિત્રો તો ગયા. પ્રત્યુષા હજુ રોકાઈ ખાસ તો મા ને બાપુ સાથે વાત કરવા. સાંજે વારુ પતાવીને બધા બેઠા, બધામાં પાછા ત્રણ જ જણ હોય ને વળી. 

પ્રત્યુષાએ વાત છેડી, કેવો લાગ્યો સમર તમને ?

શામજી કહે,

"આમ તો સોરો મને તો ભલો લાયગો, પસી વધારે તો તું ઓરખતી હોય સોનબાઈ...."

ને મમ્મી તમને ?

ને માં બોલી, "બેટા થોડો સમય પસાર કર એની સાથે, ઓળખ પછી આગળ જોઈએ."

પ્રત્યુષા સમજી ગઈ કે માની સ્પષ્ટ ના નહતી, પણ હા પણ ન હતી.

પ્રત્યુષા ફરી ફરજ પર જવા નીકળી, એટલે મા એ સલાહ આપી કે થોડી ધીરજથી કામ લેજે હો બેટા, આવેશમાં આવી ખોટા નિર્ણયો ન લઈ બેસાય.

પ્રત્યુષા સમજી ગઈ કે મા કઈ તરફ ઈશારો કરે છે. શામજીએ લાડકોડથી ભલે ઉછેરી હોય પણ સમજદાર પણ એટલી જ બનાવી હતી દીકરીને. આ વખતે સમરે સીધો લગ્નનો પ્રસ્તાવ મુક્યો, ને પ્રત્યુષા હા પડવાનું વિચારવાની હતી પણ થયું કે મા ની વાત માની થોડી ધીરજ ધરી લઉ. સમરે કહ્યું કે તારા મમ્મી પપ્પા અમારા ઘરે આવે કારણ કે એના માતાપિતાને ત્યાં ગામડામાં આવવું નહીં ફાવે. પ્રત્યુષા ને આમાં કઈ ખોટું ન લાગ્યું. 

પ્રત્યુષાએ ઘરે જઈને વાત કરી. શામજીને જે સોનબાઈ કહે એ કબૂલ. એને તો તરત જ હા પાડી દીધી, ભલે સમર થોડો હાઈફાઈ હતો પણ પ્રત્યુષા ને યોગ્ય તો હતો જ. એણે ત્યાં જવાની શરત પણ માની લીધી.

અત્યાર સુધી શાંત રહેલી માં હવે બોલી કે એવું થોડું હોય કે દીકરીવાળા સામેથી વાત કરવા જાય. એમને કહે અહીં આવવું પડશે બાકી આ સંબંધ નહીં બંધાય. પ્રત્યુષાએ સમરને વાત કરી પણ એણે પણ જિદ પકડી કે મારા મમ્મી પપ્પા અહીં આવીને કદાચ હા ન પાડે તો ? મારે એ જોખમ ખેડવું નથી માટે કહું છું. 

ને જે ભય હતો એ જ થયું ઘરમાં શીતયુદ્ધ શરૂ થયું. મા દીકરી વચ્ચે. પ્રત્યુષાને પણ નવાઈ લાગી કે મા આવી ખોટી જિદ કેમ કરે છે. વર્ષોથી મનમાં ઊભાં થતા પ્રશ્નો ને હવે વાચા મળી. 

પ્રત્યુષાએ કહ્યું કે,

"મા તને નથી લાગતું કે તું ખોટી જિદ કરે છે. અત્યાર સુધી મેં તને એક પણ પ્રશ્ન ક્યારેય નથી કર્યો કે તું ને બાપુ કેમ અજાણ્યાની જેમ વર્તો છો, કેમ મારે કોઈ મામા કે નાના નથી, કેમ હું ક્યારેય મામાના ઘરે નથી ગઈ, તું આટલી ભણેલી ને અભણ બાપુને કેમ પસંદ કર્યા. તું આધુનિક હોવા છતાં અહીં ગામડામાં કેમ રહે છે. કેમ બાપુ તને આટલું માન આપે છે જાણે તું એમનાથી બહુ ઊંચી ન હોય!! માં આજ સુધી મેં ક્યારેય આવા પ્રશ્નો તને નથી કર્યા પણ આજે તો પૂછવું જ છે જો તારા લગ્ન તું આધુનિક હોવા છતાં બાપુ સાથે થયા તો તને મારા લગ્ન મા થોડી બાંધછોડ કરવામાં વાંધો શુ છે. બાપુ તો જો કેવા અભણ....."

ને એક સણસણતો તમાચો પ્રત્યુષાના ગાલ પર લાગી ગયો. 

પ્રત્યુષા તમાચાથી ન હતી ડઘાઈ એનાથી વધુ માના વર્તનથી ડઘાઈ ગઈ હતી. આ અચાનક માને શુ થયું એ વિચારોએ એ વેદના અનુભવી રહી. 

મા અત્યાર સુધી ક્યારેય પ્રકાશમાં આવી ન હતી, ન પ્રત્યુષાના ઉછેર મા કે ન તો શામજીના ઘરમાં. શામજીને જેમ કરવું હોય એમ કરવા દેતી હતી. ક્યારેય કોઈ પ્રશ્ન નહીં, ક્યારેય કોઈ જવાબ નહીં, માથાકૂટ નહીં, માંગણી નહીં, અપેક્ષા નહીં, જાણે એ ઘરમાં છે જ નહીં એવું વર્તન હતું એનું.

એ રાતે એક જ ગાલ પર તમાચો પડ્યો હતો પણ ઘાવ ત્રણ દિલ પર થયો હતો. ને એ ત્રણ દિલ એ રાતે ચોધાર આંસુએ રડયા હતા. પણ હવે મૌન તોડવાનો સમય આવી ગયો હતો. પ્રત્યુષાની મા સવારે વહેલી ઊઠી સરસ મજાની ચા બનાવી ને બંને બાપુ દીકરીની રાહ જોવા લાગી. ને એ સમજદાર દીકરી કઈ બન્યું જ નથી એમ કિલકીલાટ કરતી આવી પણ ગઈ. શામજી પણ કઈ ખબર જ નથી એવું વર્તન કરતો સોનબાઈની સાથે વાતોએ વળગ્યો. 

માએ કહ્યું કે બેટા એક વાત મારે તને કરવાની છે. તને સમર બહુ ગમે છે ? પ્રત્યુષા કહે કે હા માં ગમે તો છે જ પણ મને લાગ્યું કે તને ન ગમ્યો. માં બોલી બેટા મને સમર ગમ્યો પણ એનો આપણા ગામડાના વાતાવરણ ને જોવાનો દ્રષ્ટિકોણ ન ગમ્યો. એની આંખો મા તારા બાપુ માટેની સુગ મને ન ગમી. એટલે આ સંબંધ આગળ ન વધે એમાં જ તારી ભલાઈ છે.

શામજી કહે, સોનબાઈના મા મારી દીકરીને એ ગમે એટલે બધુંય આવી ગ્યું. કઈ નઈ હું નઈ ગમું તો એને ઘેર ઓસા જાહુ. પણ મારી દીકરી નું મન ભળી ગ્યું સે ઈ સોરા હારે તો તમને વાંધો હુ સે.

પ્રત્યુષાને પણ ગમતી વાત હતી એટલે ગમી તો ખરી જ એની આંખ માં એક આશાની ચમક આવી ગઈ. ને બોલી, કે માં બાપુ ને વાંધો નથી તો તને શું વાંધો છે. માની જાને તું પણ...

હવે વર્ષો ના બાંધેલા બંધ છોડવાનો સમય આવી ગયો છે એમ માં ને લાગ્યું ને એ બોલી,

બેટા, મને વાંધો તો ઘણો છે ને શુ છે એ સાંભળ. તારા બાપુની જે આંખોમાં કદર ન હોયને તે જગ્યા મારા માટે નર્ક સમાન છે ને એનું કારણ તું જાણે છે શું છે. કારણ કે તને પારકી ને આ ગામડાના સીદા સાદા માણસે પોતાની કરીને જીવાડી છે.

પ્રત્યુષા તો કંઈ સમજતી ન હતી. શામજી બોલ્યો હવે 

રેવા દયો ઈ વાત મારી સોનબાઈને દુઃખી કરોમાં....

પણ આજે તો આખી રાત જાગીને મા એ નીર્ધાર કર્યો હતો. દીકરીને સત્ય હકીકતથી વાકેફ કરવી જ છે. તો બેટા સાંભળ,

તું કહેતી હતી ને કે બાપુ અભણ ને તું ભણેલી કેમ પણ બેટા તારો બાપ તો બહુ ભણેલો ને હોશિયાર માણસ હતો. એટલો હોંશિયાર કે એને તારા જન્મ પહેલાં જ ખબર પડી ગઈ હતી કે તું એક દીકરી છે. ને એ ભણેલા માણસે તને મારી નાખવાની પૂરતી તૈયારી પણ કરી નાખી હતી. હું તને બચાવવા ગમે એમ કરીને ત્યાંથી ભાગી છૂટી ને મારા ઘરે ગઈ. પણ ત્યાં પણ મને જગ્યા ન મળી. એ લોકોને પણ પોતાની આબરૂ બહુ વ્હાલી હતી. છેલ્લે મેં નક્કી કર્યું કે આ જીવની સાથે મારે પણ મોતને વ્હાલું કરવું. જેને કોઈ ન સંઘરે એને મૃત્યુ તો સંઘરે જ છે. ને એક રાતે અંધારા મા હું અજાણ્યા કૂવામાં કૂદી પડવા નીકળી પડી. હજી તો આગળ વધુ ત્યાં મને અવાજ સંભળાયો, 

તમતમારે મરવું હોય તો સૂટ સે, પણ ઈમાં આ બીજા જીવનો હુ વાંક સે એટલું કે'તા જાવ.

એ બીજું કોઈ નહીં આ તારા બાપુ હતા. એમની અનુભવી આંખો બધું પામી ગઈ હતી. ભલે એ કલિયુગ હતો પણ એ પળ હું સતયુગમા હોય એવો મને ભાસ થયો હતો. એની આંખોમાં મને જે ખાનદાની દેખાઈ એ મને કોઈની આંખોમાં નહતી દેખાઈ. એમને પરાઈ પીડાને પોતાની સમજી. મને ખુબ સમજાવી કે આજથી આ દીકરી મારી બસ પણ એને મારો મા. ને હું પણ એમની વૈષ્ણવજનની છબી જોઈ પીગળી. એ રાત ને આજની ઘડી આ તારા બાપુની આંખોમાં જરાય ખાનદાની ઓછી થઈ હોય તો હું જીભ કરડીને મરી જઉં. હવે તને સમજાયું હશે કે કેમ અમે અજાણ્યાં બનીને રહીએ છીએ. કેમ કે તને જીવાડવા ખાતર જ અમે સાથે રહીએ છીએ. એ તારા બાપુ ખરા પણ મારા તો ભગવાન છે બેટા. અણીશુદ્ધ ગામડાનો માણસ. જેણે આપણા માટે તેના આખા કુટુંબ, કબીલા, ગામ, સમાજ બધા સામે બાથ ભીડી. આપણી ઢાલ બનીને આ માણસ ઊભાં રહ્યાં. 

હવે તું કહે જોયે જો કોઈની આંખોમાં આમના માટે કદર ન હોય ને સુગ હોય તો એ વ્યક્તિ સાથે તારે પરણવું જોઈએ કે નહીં ?

પ્રત્યુષા તો કોઈ જવાબ આપવા સક્ષમ જ ન હતી. પણ એની આંખોએ જવાબ આપી દીધો હતો. શામજીની પરવરરીશ હોય તો કૃતઘ્ન તો હોય જ નહીં ને. એ કહે કે ના માં મારે સમર શું કોઈ સાથે નથી પરણવું. હું હંમેશા બાપુ પાસે જ રહીશ એમની લાડકી સોનબાઈ બનીને...

ને શામજી તો બસ આવક બનીને જોતો જ હતો. ત્યાં બહાર કોઈના ફોનની રિંગ વાગી, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે....

પ્રત્યુષા એ શબ્દોને નજરે જોતી હતી શામજી ના રૂપમાં..!


Rate this content
Log in

Similar gujarati story from Drama