વારસો
વારસો
"સરિતા આ તું સારું નથી કરી રહી. મારા દીકરાને મારાથી દૂર કરવું તને શું યોગ્ય લાગે છે ?"
જેલમાં સજા ભોગવી રહેલા હત્યાના આરોપી એવા મોહનના શબ્દો સાંભળ્યા, ન સાંભળ્યા કરી સરિતા પીઠ ફેરવી જેલની બહાર નીકળી ગઈ. સરિતા નહતી ઈચ્છતી કે એના પુત્ર સૂરજ પર એના પિતાનો પડછાયો પણ પડે. એણે સૂરજને એમ જ ઉછેર્યો જાણે એનો બાપ મૃત્યુ પામ્યો છે. સૂરજને પણ એણે એના પિતા વિશે કઈ જ કહ્યું ન હતું. વિધવાનો વેશ અપનાવી સરિતા આજીવન સૂરજને પિતાના પડછાયાથી બચાવતી રહી.
"હા, જજ સાહેબ આ દીકરીનું શીળ લૂંટનાર મારો દીકરો સૂરજ જ છે, હું એને થતી સજા આપવા આપને વિનંતી કરું છું."
કોર્ટની બહાર નીકળી સરિતા ફરી એ જ વર્ષો પહેલાના અડગ કદમ ભરતી, વિધિએ ખેલેલા વારસાના ખેલને માત આપતી ઘર તરફ એકલી નીકળી પડી.