Hina dasa

Thriller

4.5  

Hina dasa

Thriller

મારી અદ્ભૂત સફર

મારી અદ્ભૂત સફર

25 mins
375


#TravelDiaries

એક અનોખા સફરની શુંભ શરૂઆત. અનોખું એટલા માટે કે મેં ક્યારેય ધારણા ન હતી કરી કે અપેક્ષા પણ નહીં કે આવી ને આટલી દૂર સફર ખેડીશ. મન એકદમ શાંત ને શૂન્યમનસ્ક બધી ચિંતા, ટેન્સન, આનંદ બધું મૂકીને ભૌતિકતા માણવાની અનોખી સફર. આમ તો હાથમાં યુરો આવ્યા ત્યાં જ અનોખી ફિલિંગ થવા લાગી. આનંદ તો મને ભરપૂર હોય જ છે. આજે પણ છે. સાથે થોડો રોમાંચ ભળી ગયો. અજાણ્યા સફરની શરૂઆત ને અનગીનત વિચારોને ખંખેરી હું નીકળી પડી છું ગિરનારની સ્વર્ગ ભૂમિથી દુનિયાની સ્વર્ગભુમી સ્વિત્ઝર્લેન્ડની યાત્રા મા.... 

વાહ શું અદભુત અમદાવાદ એરપોર્ટથી શરૂ થતી અમારી યાત્રા. ઈતિહાડની ફલાઈટ ને સુંદર એવી હવાઈ પરીઓ જોઈને ખરેખર ફિલ થાય કે સ્વર્ગ હશે તો કંઈક આવું જ નહીં હોય શું? અપ્સરાઓ ને, શું એમની નમ્રતા માન થઈ આવે એવી. 

હવામાં ઊડવાનું બાળપણમાં વિચાર્યું હતું પણ આ રીતે ઊડીશ એવી આશા ન હતી. તારીખ : 12/9/2018 05:05ની ફલાઈટ ને હું ઊડી આકાશમાં 6:30એ બહાર જોયું તો શુંં નીરભ્ર ગગન. પરમાત્મા અહીં જ સૂરજની લાલિમામાં છવાયેલા જોયા મેં. 

દુબઈની સરજમીન પર 7 વાગ્યે પગ મૂક્યો, વાહ શું દેશ છે, આપણાથી એકદમ અલગ. રહેણી કરણી, પ્રથા, વિચારો, વાણી બધામાં અલગ. રણમાં ઊભું કરેલું સ્વર્ગ એટલે દુબઈ એટલે ટેક્નોલોજીને સાહસનો અદ્ભૂત સમન્વય. 

આજકલ પાવ જમી પર નહીં પડતે મેરે, બોલો દેખા હૈ તમને મુઝે ઊડતે હુએ, હા આજે તો વાદળોની વચ્ચે ઊડું છું....રૂ ના પર્વતો જોઈ લો....

રોમની ધરતી પર પ્રયાણ, રામ રોમ રોમ મેં બસે હૈ એ રોમ નહીં હો, આ તો ઈટલી નું રોમ. 

વેટિકન સીટી

---

મેં જોયેલો પહેલો પરદેશ. 

વેટિકન ચર્ચ રોમમાં આવેલું છે. પણ એની એક અલગ દેશ તરીકે માન્યતા અપાઈ છે. યુરોપિયન દેશોનું સૌથી મોટું કેથોલિક ચર્ચ વેટિકનમાં આવેલું છે. પૉપ અહીંના મુખ્યા ગણાય. અહીંની વસ્તી 1000ની છે.   

અહીંનું ચર્ચ 120 વર્ષે તૈયાર થયું છે. રોજના 25,000 લોકો અહીં મુલાકાત લે છે. માઈકલ એન્જેલોએ આ સીટી વસાવેલું. વેટિકન સીટી દુનિયાનો સૌથી નાનો દેશ. ચર્ચમાં મોઝેક એટલે કે નાના સ્ટોન દ્વારા કોતરકામ કરેલું છે. તમને દૂરથી કોઈ ચિત્ર જ લાગે કે જેમાં રંગો પુરેલા હોય પણ નજીક જઈને જોઈએ ત્યારે ખરી સુંદરતા જ્ઞાત થાય. શું સુંદર નકશીકામ. એક એક ચિત્ર એકદમ દિલથી બનાવેલું છે. 

માઈકલ એન્જેલો ક્યારેય પોતાની કૃતિ પર સહી ન કરતા. અહીં એમની એક કૃતિ પર પોતાની સહી કરેલી છે. How amazing! તેમની આ "પીયેટા"નામની કલાકૃતિમાં એમણે પોતાનો જીવ રેડી દીધો છે.માં મેરીની ગોદમાં ઈશું સુતા છે. એમને સુળી પરથી ઉતારવામાં આવ્યા છે. ને માના ચહેરા પર દ્રાવકતા છવાયેલી છે. પથ્થર નહીં જાણે માનવ જ જોઈ લો. શું કલાકૃતિ છે.

 ઘૂંટણીયાભેર પ્રાર્થના કરતા લોકો તમને અહીં મળી જ જાય. ગમે એટલી આધુનિકતા હોય પણ અહીંની નીરવ શાંતિ તમને આ લોકોની મનમાં રહેલી શ્રધા પ્રત્યે માન અપાવી જ દે. આ એક પ્રકારનો યોગ જ તો છે. ના કોઈ શબ્દો ના કોઈ માંગણી બસ પ્રભુ ઈશું સામે ઘૂંટણીયાભેર થઈ જાઓ એટલે એ તમારી બધી જ જવાબદારીઓ લઈ લે. 

દીવાલની એક બાજુ ઈટલી ને બીજી બાજુ વેટિકન. કેટલી રોમાંચક પળો તમે દીવાલની એક બાજુ એક દેશમાં હોવ ને બીજી બાજુ બીજા દેશમાં હોવ.

 વેટિકન સીટીની હવે ખબર પડી કે બધા એને ધ ગ્રેટ કેમ કહે છે. એવડો આખો દેશ જેને પોતાના નીતિ, નિયમો બધું અલગ.

એક ખાસિયત અહીંના ગાર્ડની. જે ચર્ચના ગાર્ડનો ડ્રેસ છે એ માઈકલ એન્જેલોએ ડિઝાઈન કરેલો છે. જે વર્ષોથી હજી પણ એ જ ચાલતો આવે છે. એકદમ 15મી સદીની ફિલિંગ આવે એવો. ને ગાર્ડની શું પ્રતિબધ્ધતાનાક નું ટેરવું પણ ન હલે. પ્રથમ નજરે જોતા કોઈ મૂર્તિ હોય એવું જ લાગે.

બેલ ટાવરની બારીમાંથી પૉપ પોતાનું ભાષણ આપે ને ક્રિસમસ વખતે અહીં 10 લાખ લોકો એકઠા થાય. પૉપ ત્યાંના રાજા ગણાય છે, ખ્રિસ્તી લોકો માને છે કે પૉપ ઈશુંના દૂત છે એટલે એ કોઈનું પ્રતિનિધિત્વ ન સ્વીકારે માટે વેટિકનને અલગ દેશ જાહેર કર્યો. એકદમ અલગ દેશ ને અદભુત પણ....

ઈટાલી

ઈટાલી ગ્રીક નામ પરથી આવ્યું છે. ઈટાલો એટલે ગાયનું વાછરડું એવો અર્થ થાય. દક્ષિણી આદિવાસીઓ બળદને પોતાનું પ્રતીક માનતા આથી આવું નામ આવ્યું.

યુરોપનું સૌથી મોટું દેવળ ઈટાલીના વેટિકનમાં આવેલું છે. દુનિયાના સૌથી નાના દેશ મેરિનો, વેટિકન ઈટાલી નો જ એક ભાગ છે. સૌથી વધુ પ્રવાસીમાં ચોથો દેશ ઈટાલી છે. વસ્તી જેટલા જ ટુરિસ્ટ એટલે 40 લાખ લોકો ઈટાલીની મુલાકાત લે છે.

વિશ્વનો સૌથી ઓછો જન્મ દર ઈટાલીમાં છે. ઈટાલીમાં 15 ભાષા બોલાય છે. 2007ના રિપોર્ટ મુજબ ઈટલી રિચ અને રહેવા માટે બેસ્ટ છે. પીઝા અને પાસ્તા અહીંનું મુખ્ય ખાણું છે. સંગીતમાં પણ ઈટાલી આગળ છે.

વાયોલિન, પ્યાનો અહીંની શોધ છે. આ સિવાય બેરોમીટર, ટેલિફોન પણ ઈટાલીમાં શોધાયા હતાંં. ઈટાલીમાં લોકો સૌથી વધુ બિલાડીઓ પાળે છે અહીં બિલાડીને મારે તો દંડ થાય છે. 3 લાખ બિલાડીઓ અહીં વસે છે.

સૌ પહેલો ફિલ્મ ફેસ્ટિવલ ઈટાલીના વેનીસમાં યોજાયો હતો. ખ્રિસ્તીનું સૌથી મોટું ચર્ચ સેન્ટ બેઝલિકા અહીં આવેલું છે. સૌથી વધુ બ્લેક મની યુરોપ માં ઈટાલીમાં છે. ફેશન ડિઝાઈનર અહીં વધુ એટલે એમની બ્રાન્ડ બહુ કોસ્ટલી પણ હોય છે. સ્પોર્ટ્સ કાર વધુ ઈટાલીમાં બને છે જેમ કે લીંબોરઝીની, ફરારી વગેરે.

એન્જેલો, રાફેલ, ગેલેલીઓ આ દેશની દેન છે દુનિયાને. આલ્પ્સની ગિરિમાળાઓ ઈટલીમાં આવેલી છે. પ્રાચીન સઁસ્કૃતિ, સાહિત્ય, સ્થાપત્યનો સુભગ સમન્વય એટલે ઈટાલી. 

રોમ શહેર

---

મેં જોયેલો બીજા નંબરનો દેશ એટલે ઈટલી. એનું શહેર રોમ. ટાઈબર રિવર પર આ રોમ સીટી વસેલું છે. આ રિવરને 24 બ્રિજ..રોમ ઈટલીનું કેપિટલ છે. ચર્ચનું શહેર એટલે રોમ શું નિટ એન્ડ ક્લીન શહેર છે. ને લોકો પણ નિયમ પાળવાવાળા.

રામ ખરેખર આવી ચોખ્ખી જગ્યામાં જ વસે. કોઈ જાતનો છોછ નહીં ને બધા એકદમ ફોરવર્ડ કપડાથી અને વિચારોથી પણ..

કોલોસિયમ

---

અહીં ઈતિહાસને સાચવવાની હોડ જામી છે. એવી જ એક ઈતિહાસ સાચવીને બેઠેલી ઈમારત એટલે કોલોસિયમ. આ પ્રાચીન અખાડા જેવી ઈમારત છે. એની કલાકારી તો બેનમૂન છે. પણ ઈતિહાસ પણ એટલો જ રોમાંચક રહ્યો છે. એ સમયે તેમાં 50,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા હતી. કેવી વિશાળ દ્રષ્ટિ. દુનિયાનું સૌથી પ્રાચીન ખેલનું મેદાન આ છે.

રોમ માટે કહેવાય છે કે રોમ એક દિવસમાં નથી વસ્યું. એટલે કે આવું સુંદર સીટી વસાવવા વરસો લાગી ગયા. મહાન કાર્યો કરવા માટે સમય જોઈએ. 

ટ્રેવી ફાઉન્ટન

---

રોમનું બીજું એક કલાત્મક સ્થળ એટલે આ માનવનિર્મિત ફુવારો. કહેવાય છે કે અહીં કોઈ સિક્કો નાખે તો એની મનોકામના પૂર્ણ થાય છે ને એ વ્યક્તિ પછી રોમ આવે છે. કેવું નહીં ! હવે સાચું ખોટું તો ઈશુંં જાણે પણ લોકો સિક્કા નાખતા નજરે પડતા હતાંં. 

ફ્લોરેન્સ શહેેર

----

એવું જ એક બીજું શહેર એટલે ફ્લોરેન્સ. આમ તો શહેરની અંદર તો ન હતાંં ગયા પણ દૂરથી જ તેની ભવ્યતા જોઈ શકાતી હતી. માઈકલ એન્જેલો અહીં જ વસતા એટલે કઈ નાનું સુનું શહેર તો ન જ હોય. આવા મહાન સર્જકને વાતાવરણ પૂરું પાડનાર શહેરની ભવ્યતાની કલ્પના જ કરી શકાય. હાલ આધુનિકતા આવી ગઈ હશે તો પણ ઈટાલી એનો ઈતિહાસ સાચવવા માટે જાણીતું છે. એટલે ઐતિહાસિક સાનિધ્ય મળી જ રહે અહીં. ફ્લોરેન્સ ને અહીંની ભાષામાં ફીરેંઝે કહે છે. રોમનોએ આ શહેર વસાવેલું.

રોમન રાજ્યનું નામ ફ્લોરએન્ટીના નામ હતું. પહેલો ગોલ્ડ કોઈન અહીં બન્યો હતો. જૂનો વારસો જાળવી રાખતી સઁસ્કૃતિ સાચવી રહયા છે આ બધા શહેરો.

પિત્સા શહેર

----

ઈટાલીનું અન્ય એક શહેર એટલે પીસા..સાત અજાયબીમાંથી એક. પિસાનો ઢળતો મીનારો. પિત્સા આરનો રિવરના કિનારે વસેલું શહેર છે. ગેલેલીઓ પિત્ઝામાં થઈ ગયા. પિત્સાના ટાવરનો ઉપયોગ આકાશદર્શન માટે કરતા. તેમણે ગુરુત્વાકર્ષણના નિયમનો પ્રયોગ આ ટાવર પરથી જ કરેલો. બેલ ટાવરનો ઉપયોગ ન હોય પણ પિત્ઝાનો ટાવર ખાસ છે. આ ટાવરને સ્ક્વેર ઓફ મિરિકલ કહેવામાં આવે છે. 

પીસાનો ટાવર બનાવવાની શરૂઆત 1174માં થઈ તેના ત્રણ માળ બન્યા ત્યાં જ સોફ્ટ જમીનને કારણે એ ઢળી ગયો. એટલે નિર્માણ કામ બંધ કરી દેવામાં આવ્યું. ફરી 70 વર્ષ પછી ફરી પાંચ માળ બનાવ્યા. તેમાં સાત બેલ લગાવેલા છે, 55 મીટર ઉંચો આ ટાવર છે.

 મુસોલીનો એ ટાવરને સીધો કરવા વિચાર્યું. 200 ટન સિમેન્ટ, લિકવિડ નાઈટ્રોજન નાંખ્યો. પારો નાંખ્યો. છતાં કઈ ફર્ક ન પડ્યો. લોખંડના તાર વડે વિરુદ્ધ દિશામાં બાંધ્યો ને થોડો જ ખસ્યો.

 

દર વર્ષે આ ટાવર થોડો થોડો ઢળે છે. વિશ્વની સાત અજાયબીમાંથી એક પિત્ઝાનો ઢળતો મિનારો. ખરેખર એ ઢળતો છે એટલે જ અજાયબી બન્યો છે. આટલી વિશાળ બિલ્ડીંગ દર વર્ષે ઢળે ને એને આબાદ રાખવા લોકો પ્રયત્ન કરે એ અજાયબી જ કહેવાય ને. 

વેનીસ

---

ઈટાલીની એક સીટી..

ત્રીજો દિવસ વેનિસની સફર તરફ હતો, 

દો લફઝો કી હૈ દિલ કી કહાની ક્યાં હૈ મુહબત કયા હૈ જવાની.....ના હું કઈ સીંગર નથી બની ગઈ પણ વેનીસ આવો ને આ ગીત ન ગણગણો તો ધૂળ પડી. આ ગીત વેનીસમાં જ ફિલ્મવાયું હતું. 

વેનીસ સીટી ઓફ રોમાન્સ. સુંદર શહેર ને સુંદર વાતાવરણ. વેનીસ એક આયર્લેન્ડ છે. ત્યાં જવા માટે જળમાર્ગનો સહારો લેવો પડે. ત્યાંની ગન્ડોલા રાઈડ બહુ પ્રખ્યાત. મેં તો ફક્ત ગીતમાં જ જોયેલી. બેસીને બહુ આંનદ થયો. સામે જ એક ચોક છે જ્યાં રણવીર દીપિકાનું ખુદા જાને....ગીત ફિલ્મવાયું હતું.

ગન્ડોલા રાઈડ હકાવનારના ડ્રેસ એક સરખા ને એ એની ભાષામાં ગીત પણ ગાતા હોય. એકદમ સરસ. દરિયામાં વસેલું ગામ ગલીઓમાં દરિયો કેવું લાગે નહીં. બધા બોટમાંથી થઈને જ જાય. કેટલું સુંદર કલ્ચર. તમારી ગલીઓમાં પાણી હોય તો કેવું લાગે. અહીં તો સદીઓથી આ જ રીતભાત. જૂની ઢબના મકાનો ને સાંકળી ગલીઓ વચ્ચેથી તમારી રાઈડ પસાર થાય આખું શહેર મૌન. અંદર જઈએ એટલે ચલાવનારના ગીત કે વાતો સિવાય કાંઈ ન સંભળાઈ. સમજાય તો કશુંં નહીં તો પણ રોમાંચક લાગે. પુલ ની નીચેથી નાવ પસાર થાય એવા તો કેટલાય પુલ છે વેનીસમાં તમને લાગે કે બે નાવ ભટકાઈ જશે પણ બાહોશ નાવિકો ટચ પણ ન થવા દે. 

આપણે તો આવી અનોખી દુનિયાથી કેટલા અજાણ છીએ. એવા દેશો જ્યા બસ ભૌતિકતા જ છે એવો મને ભ્રમ હતો, પણ ના અહીં શિસ્ત પણ છે, ઈમાનદારી પણ છે, કાબેલ ને કામ કરનાર માણસો પણ છે.

 વેનિસની જર્નીમાં લો ઓફ મર્ચન્ટનો કેસ લડાયો હતો એ કોર્ટ જોઈ. ક્યાંક વાંચેલો હતો આ કેસ.

એક વ્યક્તિ કોઈ પાસેથી ઉધાર લે છે સામેવાળી વ્યક્તિ શરત રાખે છે કે જો એ ચૂકવી ન શકે તો એના શરીરનું બધું માંસ કાઢી લેવામાં આવશે, ને બને પણ છે એવું જ કે એ વ્યક્તિ શરત જીતી જાય છે. કોર્ટ પણ મંજૂરીની મુહર લગાવવા તૈયાર થઈ જાય છે, ત્યારે એ માણસની પત્ની કેસ લડે છે કે જો માંસ કાઢતી વેળાએ લોહીનું એક પણ ટીપું પડશે તો સામેવાળી વ્યક્તિ ને સજા થશે. ને આ રીતે તે એક પત્ની કેસ જીતી જાય છે. 

નિઃશાષાની બારી. કેદીને લઈને જાય ત્યારે છેલ્લી વખત આ બારીએથી બહારની દુનિયા જોઈને નિઃશાષો નાખે છે ને અફસોસ કરે છે કે મેં આ શુંં કર્યું. 

વેનીસ 160 જેટલા નાના નાના દ્વિપોથી બનેલું છે. એક દ્વીપથી બીજા દ્વીપ પર નાવ દ્વાર જ જઈ શકાય.

બુરાનો

---

ઈટલીનું એક ઓર કલાત્મક શહેર એટલે બુરાનો. કાચની બનાવટો માટે આ શહેર પ્રખ્યાત છે. વેનીસથી આ આયર્લેન્ડ પર હોડી દ્વારા આવી શકાય છે. અહીં કારીગરો હાથે કાચની બનાવટો બનાવે છે. કાચની ફેકટરીમાં સુંદર રીતે કારીગરો દસ મિનિટમાં નમૂના બનાવે. બધા અલગ અલગ. આવા તો કેટલા કારીગરો અહીં કામ કરે છે. હાથે મોજા પણ ન પહેરે. નહીંતર પીગળી જાય,ભઠ્ઠીમાં એમનમ કામ કરે. અમે લાઈવ બનાવતા એમની કારીગરી જોઈ. બહુ નાનકડું શહેર દરિયા કિનારે વસેલું પણ અદભુત કલાત્મક શહેર. દરેક કારીગરોના નમૂના અલગ અલગ હોય. એન્જેલોના દેશમાં આવી કારીગરી કઈ નવાઈની વાત નથી. પણ મારા માટે તો આ અનુભવ બહુ સરસ રહ્યો. 

મુરક્કો

---

ઈટાલીની એક સીટી... આ બધા નાના નાના આયર્લેન્ડ છે જે દરિયાની વચ્ચે વસેલા છે. મુરકકોમાં હાથ વણાટની વસ્તુઓ જોવા મળી. જે ખાલી મહિલાઓ જ બનાવે. કારણ કે પુરુષો તો માછીમારી માટે જાય. દાદી દીકરી ને દીકરી એની દીકરીને એમ વારસામાં આ કળા શીખવે કોઈ પણ જાતના મશીન વગર હાથે જ નમૂના બનાવે ને વેપાર પણ એ જ કરે. બધે જ મહિલાઓ દેખાય તમને ને નવી પેઢી પણ એમાં જોડાઈ જાય. વર્ષોથી આ કળા આમ જ શીખવાતી આવી છે. કોઈ પણ પ્રકારના શિક્ષણ વિના જ. કેટલું મહાન ને ઉમદા કાર્ય પોતાની સંસ્કૃતિ સાચવવાનું.

નીરવ શાંતિ ને મૌનમાં ગણગણાટ કરતી પ્રકૃતિ, પરમાત્મા એ તો પ્રકૃતિ નો અધિકાર છે, નહીં કે આપણી સંસ્કૃતિનો, ડૂબતો સૂરજ, ઉગતો ચાંદ, વરસતો બરફ ને આતુર ઉભેલા વૃક્ષો આ બધા પરમના પગલાંના નિશાન નથી શું?? તાલાવેલી ગમે ત્યાં હોય તે બધે અહેસાસમાં હોય છે. મને ઘણી વખત થતું કે વિદેશમાં પરમતત્વની વ્યાખ્યા જ નથી, કે અહીંના લોકોને આવો કોઈ અહેસાસ થતો હશે કે નહીં પણ અહીં આવ્યા જોયા પછી થયું કે આટલી નીરવ શાંતિને સુંદરતામાં એનો જ વાસ એ પણ અનુભવતા જ હશે. સત્યમ, શિવમ, સુંદરમ, એટલે આ જ તો છે. આ પ્રકૃતિને ગુરુ ધારણ કરીએ તો બીજું કંઈ શીખવાની જરૂર જ ક્યાં છે. રસ્તાઓ જોઈને આવો જ કંઈક અહેસાસ થાય.

મને આપણી સંસ્કૃતિ પ્રત્યે બહુ માન હતું, એ પણ એટલી હદે કે બીજી સંસ્કૃતી મને એની પાસે નાની લાગતી આજે જોયા પછી થયું કે બીજી સંસ્કૃતિ પણ જરાય કમ નથી. લોકોની સમજદારી તો આપણા કરતા પણ વધુ છે. પોતાના દેશ પ્રત્યે કેટલી ઈમાનદારી. ખરેખર એક વખત બીજી સઁસ્કૃતિ ને જાણવાનો માણવાનો અનુભવ કરવો જોઈએ. તમારા વિચારોમાં વિશાળતા આવશે....

શું સઁસ્કૃતિ. આનંદ આવી ગયો, જોઈને, મળીને, માણીને, નિયમબદ્ધ ને સમયસર બધું જ. હવે સમજાયું આ યુરોપમાં આટલા સારા સર્જનાત્મક લોકો કેમ થઈ ગયા. વાતાવરણ જ એવું છે કે તમને લખવા, ચિત્રો દોરવા વાતાવરણ મળી રહે. આટલી શીતળતા ને જીવંતતા તો ક્યાંય નથી જોઈ. આહલાદક, અદભુત, એ તો બહુ નાના શબ્દો છે.

વેનીસ એટલે કે ઈટલી છોડી ને સવારી ચાલી ઓસ્ટ્રીયા તરફ..

ઑસ્ટ્રીયા

---

અદભુત દેશ ને અદભુત લોકો. ઓસ્ટ્રીયા ને ઓસ્ટ્રીચ પણ કહેવાય છે. અહીં ઓસ્ટ્રીચ પક્ષી જોવા મળે છે માટે. આ દેશ ની વસ્તી 81 લાખ જેટલી હશે. જન્મદર બહુ ઓછો છે. અહીંની ભાષા જર્મન છે ઓસ્ટ્રીયા લેધર વુડસ માટે જાણીતું છે. ઓસ્ટ્રીયાનું કેપિટલ વિયેના છે.

અહીં 80% રોમન કેથલિક લોકો વસે છે. ઓસ્ટ્રીયા લેન્ડ ઓફ મ્યુઝિક પણ કહેવામાં આવે છે. હિટલર અહીંનો હતો. અહીં 99% શિક્ષણ છે. સિગમન ફ્રોઈડ મનોવૈજ્ઞાનિક અહીંના હતાંં. 

આપણે કંઈ કલાસ વન ઓફિસરની પરીક્ષા નથી આપવી કે આ જનરલ નોલેજ લખું છું પણ જે દેશમાં તમે ફરો છો એને જાણવા, માણવા માટે થોડુંક જનરલ નોલેજ પણ જરૂરી છે. તો જ તેની ભવ્યતા સમજાય. 

સોરોસ્કી સીટી

---

ક્રિસ્ટલ વર્લ્ડ. સોરોસ્કી બ્રાન્ડ ક્રિસ્ટલ...ઓસ્ટ્રીયામાં સોરોસ્કીની ક્રિસ્ટલ દુનિયાની મુલાકાત લીધી. સોરોસ્કી પોતાના ક્રિસ્ટલ માટે જાણીતી બ્રાન્ડ છે. અદભુત ક્રિસ્ટલ ને હીરાઓ બનાવે છે અહીં.

આપણે જેમ ગૌમુખી છે એમ અહીં ઘાસમુખી છે તેમાંથી પાણી નીકળે છે ને તેની નીચે છે અદભુત કાચની દુનિયા. કેટલું મોટું મ્યુઝિયમ છે જેમાં ક્રિસ્ટલની દીવાલ, 3 લાખ કેરટનો એક ડાયમંડ, બીજું તો ઘણું બધું. ને ડાયમંડ જ્વેલરીની તો વાત ન પૂછો, બેનમૂન ડિઝાઈન, મનને રોકી રાખી મજબૂત દિલે મેં શો રૂમમાંથી વિદાય લીધી, બાકી તો ગુજ્જુભાઈના ખિસ્સા ખાલીખમ થઈ જાય એમ હતાંં.

રાત્રી રોકાણ ઈન્સ્પૃક સિટીમાં હતું. બ્રાન્ડેડ શહેર. અવનવી કેટલીય બ્રાન્ડો જોવા મળશે તમને અહીં. ઈન્સ્પૃક જૂનું સીટી છે.500 વર્ષ જૂનું છે. ચોકમાં ગોલ્ડન રુફ છે. જે સોનાનો બનેલો છે. જોકે આપણા ગોલ્ડન ટેમ્પલ પાસે તો બહુ નાનું ગણાય આ રુફ. પણ દરેક જગ્યાની પોતાની અહેમિયત હોય છે.

 શહેર રાત્રે ઓર રોનકદાર બની જાય છે. ઓસ્ટ્રીયાની સફર પણ બહુ સરસ રહી. એક અકલ્પ્ય ને સુંદર વારસો ધરાવનાર દેશ. જેને આધુનિકતા બખૂબી અપનાવી છે.

 લાગશે કે અહીં તો બહુ વિસ્તૃત વર્ણન ન થયું પણ દુનિયાનું સ્વર્ગ ગણાતું સ્વિત્ઝર્લેન્ડ જોવાની તાલાવેલી જ એવી છે કે થોડી ઉતાવળ કરી વર્ણનમાં. હવે સવારી દુનિયાના સ્વર્ગ તરફ જવાની છે એટલે બહુ રોમાંચક સફર માટે મનને તૈયાર કરું છું.

સ્વિત્ઝર્લેન્ડ પૃથ્વી પરનું સ્વર્ગ. કાફલો એ તરફ પ્રયાણ કરે છે, મનમાં અનેક કલ્પનાઓ ને વિચારો લઈને અમે બધા ચાલી નીકળ્યા ઇન સર્ચ ઓફ હેવન..

સ્વિત્ઝર્લેન્ડ

---

અમે મોટાભાગની મુસાફરી બસ દ્વારા જ કરી અહીંના થોડા નિયમો જણાવી દઉં ત્યાં સુધીમાં સ્વિત્ઝર્લેન્ડ આવી જાય. અહીં દર ચાર કલાક પછી બસને અડધો કલાક સ્ટોપ કરવાનો. બસમાં ટેકો મીટર હોય જેમા વાહનનો ટાઈમ, સ્પીડ, સેવ થાય. દરેક ચાલક ના પોઈન્ટ તેની પાસે ના કાર્ડમાં સેવ થાય. જો કોઈ પણ જાતની મિસ્ટેક કરે તો જ્યારે ચેકીંગ થાય ત્યારે કાર્ડમાં સેવ ડેટા જોઈ શકાય જેના આધારે પોઈન્ટ ઘટે એટલે ચાલકને સસ્પેન્સ કરી નાખવામાં આવે. શું નિયમ.

તમે અહીં નવ કલાક જ બસ ચલાવી શકે. 12 દિવસ પછી એક દિવસની રજા મળે. બસમાં વાઈબ્રેશનની વ્યવસ્થા હોય તમારી બસ થોડી પણ રોડ થી નીચે જાય એટલે વાઈબ્રેશન થાય એટલે ચાલક સચેત બની જાય. પેટ્રોલ પમ્પ પર માણસ નહીં કાર્ડ નાખીને પેટ્રોલ પુરવાનું, ટોલ નાકા પણ મશીન સંચાલિત કાર્ડથી જ બધો વહીવટ કરવાનો. જો નિયમ તોડો તો દંડ જ એવડો હોય કે એના કરતા તો ન તોડ્યો હોત તો એવું થાય. 

અહીં કોઈ બીજા જન્મની વ્યાખ્યા પણ નથી તે છતાં લોકો ઈમાનદારીથી કર્મ કરે છે. આપણે તો એવી બીકે કરીએ કે આગલા જન્મમા ફળ મળશે અહીં તો એવું કંઈ છે જ નહીં તો પણ લોકો ઈમાનદારીથી કામ કરે છે. 

આપણો તો જીવવાનો રસક્સ છુંટી જાય ખબર પડે કે તમે જે કર્મ કરો છો એનું કોઈ ફળ ક્યાંય નથી મળવાનું, આપણા કરતા આ લોકો ઈમાનદાર ને કેટલા કામના રહિત એમને તો બસ કામ કરવું ને એનું મહેનતાણું મેળવવાનું. એ જેમતેમ પણ કરી શકે કારણ કે એ તો પૂર્વ જન્મમાં માનતા જ નથી તો પણ પૂરતી દાનતથી કરે છે.

 સફર સ્વિત્ઝર્લેન્ડ તરફ જેમ આગળ વધે છે તેમ સ્વર્ગીય અહેસાસ થવા લાગ્યો છે. પહાડોનો દેશ. વાહ શું અહીંનું વાતાવરણ.

વાતાવરણ કલા પર બહુ ઊંડી અસર પાડે છે. યુરોપની સઁસ્કૃતિ આટલી ફળીફૂલી છે એનું એક કારણ અહીંનું સ્વચ્છ, શાંત વાતાવરણ પણ છે. સર્જકોને અહીં પૂરતો અવકાશ મળી રહે છે ખીલતી ચાંદની, ઉગતો સૂર્ય, સાધના માં ડૂબેલા વૃક્ષો, હળવો વરસતો સફેદ ચાંદની જેવો બરફ, આહલાદક શીતળતા...ઓહોહો મન પ્રફુલ્લિત થઈ ગયું.

સ્વિત્ઝર્લેન્ડ વિશે થોડું જાણીએ...સ્વિસની વસ્તી 72 લાખ ની છે, બર્ન તેનું કેપિટલ છે. અહીંની ભાષા ફ્રેન્ચ, જર્મન, ઈટાલી, ત્રણેય બોલાય છે. ચોકલેટ, ટુરિઝમ, વૉચ મેકિંગ, મિલ્ક અહીંના મુખ્ય વ્યવસાયો છે. સ્વિસ ન્યુટ્રય દેશ છે, એટલે કે કોઈ પણ ઈન્ટરનેશનલ સમિતિનો સભ્ય નથી નાટો વગેરે નું પણ નહીં. સ્વીસને 26 કેન્ટોન, એટલે કે રાજ્યો છે. અહીં લોકોની 25 લાખ પર હેડ ઈન્કમ છે. સૌથી વધુ પર હેડ ઈન્કમ ધરાવતો દેશ સ્વિસ છે.

સ્વીસનો ફ્લેગ ચોરસ છે જે અહીં મિલિટરી ટ્રેનિંગ દરેક માટે ફરજીયાત છે. દરેક પુરુષોએ વર્ષમાં 3 વિક ટ્રેનિંગ લેવા જવાનું. દરેકને વેપન આપેલા જ હોય જ્યારે જરૂર પડે ત્યારે બધા યુદ્ધ માટે રેડી થઈ શકે. 3500ની જ મિલિટરી છે પણ બધા શીખેલા હોય એટલે પળવારમાં 16 લાખ ઉભા થઈ શકે.

અહીં હોટેલ બધામાં બંકર બનાવવું ફરિજિયાત છે. જેથી સંકટ વખતે તેમાં જઈ શકાય કારણ કે સ્વિસ ની બધી બાજુ દુશ્મન દેશો જ છે. સ્વિસ મા 1484 લેક ને 140 ગ્લેશિયર છે. અહીં દરેક માઉન્ટન પર જવા માટે અલગ અલગ વ્યવસ્થા, ક્યાંક ટ્રેન, તો ક્યાંક રોપવે. હેવન ઓફ ચોકલેટ ઈઝ સ્વિસ... અહીંની ચોકલેટ બહુ વખણાય.

અહીં બહુ સરળતાથી કોઈને સ્થાયીત્વ એટલે કે સીટીઝન મળતું નથી પણ ચાર્લી ચેપ્લિન ને અહીંની સરકારે આ માન આપ્યું હતું, પોતાના જીવનના છેલ્લા દિવસો એમણે અહીં ગાળ્યા હતાંં.

સ્વિત્ઝર્લેન્ડની હસીન વાદીઓમાં આવી ગયા ને પહેલું સીટી છે, ઝયુરિચ...

ઝયુરિચ

---

ઝયુરિચ સ્વીઝનું આર્થિક હેડક્વાર્ટર છે, અહીં પગપાળા બાનોત્રાસે રોડ પરથી બે ચર્ચ જોયા. ખૂબ જ સુંદર શહેર ને હંમેશની જેમ જ સાંસ્કૃતિક પણ. પહેલા ગોલ્ડ ટ્રેડિંગ માટેનું મુખ્ય મથક ઝયુરિચ રહેતું જોકે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે નથી રહ્યું. આઈન્સ્ટાઈન ઝયુરિચ ની યુનિવર્સિટીમાં ભણેલા. તે યુનિવર્સિટી નું દૂરથી દર્શન કર્યું.

સ્વિસમાં 1500 લેક છે. એરિયા મુજબ લેક ના નામ રાખવામાં આવે છે. 1030 જેટલા ફુવારા છે. એમાંની જ એક લેક એટલે ઝયુરિક લેક...આ લેક પરથી યુરોપનો સૌથી મોટો ફોલ જોઈ શકાય છે રાઈન ફોલ્સ...

આ ફોલમાં બરફનું પાણી પણ ભળે છે એટલે એ સતત ચાલુ જ રહે છે, સુકાતો નથી. રહાઈન ફોલ્સ પર આટલા કલબલાટ વચ્ચે પણ જળ પ્રપાતનો અવાજ સાંભળી શકાય છે. પાણી પણ એકદમ ચોખ્ખું, નાની નાની માછલીઓ તમે એમાં વહેતી જોઈ શકો છો. કેટલી સુંદર કુદરતની કરામત. 

માઉન્ટ ટીટલીસ

---

એડલબર્ગમાં રાત રોકાઈને અમે ઉપડયા શિખરો સર કરવા એટલે કે માઉન્ટ ટીટલીસ...સમુદ્ર ની સપાટીથી 4000 મીટરની ઉંચાઈએ આવેલું માઉન્ટન. માણસ ધારે તો શુંં ન કરી શકે, પ્રકૃતિ ને ટેક્નોલોજીની જુગલબંધી જોવી હોય તો અહીં મળી જશે. ઉપર જવા માટે કેબલ કાર મા જવાનું ને બુદ્ધિ કામ ન કરે એવી વ્યવસ્થા. આપણે આ ટેકનોલોજી આવતા તો સદીઓ આવી જશે. 

ટીટલીસ સુંદરતા તો બેનમૂન છે જોકે આપણું મનાલી પણ પણ કઈ કમ નથી તે છતાં ઉંચાઈ એ અહીં ની ખાસિયત છે. ને જવાની વ્યવસ્થા એટલે કે રોપ વે પણ ખૂબ જ સુંદર. તમે હવામાં લટકતા હોવ ને નીચેથી ગાયના ગળામા બાંધેલા ઘંટનો અવાજ સંભળાતો હોય શી અદભુત નઝારો. જાણે એમ જ લટકતું રહેવાનું મન થઈ જાય. પણ એ તો શક્ય જ નથી અમે પહોંચ્યા બરફની ચાદર ઓઢીને હમણાં જ ઉભા થયેલા આલ્પ્સ ના શિખરો પર. શું સફેદી ઓઢી હતી. ને બરફથી રમવાની મજા તો કઈ ઓર જ છે. હાથ ધ્રુજતા હોય તો પણ મનને રોકી ન શકાય. ત્યાં ઝુલતા પુલ પર ક્લીફ વૉક કરવાની પણ મજા ઓર છે. પણ ધ્રુજતા ધ્રુજતા જ થાય હો. ચારે બાજુ ને નીચે જુઓ તો પણ બરફ ને એકદમ ઠંડો પવન.

માઉન્ટન ઉપરથી જ તમને આઈસ ફ્લેયર પર આખો પર્વત બતાવે, આઈસ ફ્લેયર પર બેસવાનો પણ એક અનેરો આંનદ છે. તમારા પગ હવામાં લટકતા હોય. મસ્ત ફિલિંગ આવે થોડી ભયપ્રદ પણ ખરી કે હેમખેમ પાછા પહોંચી જઈએ..જો કે પહોંચી જવાના જ હોઈએ પણ મન રહયુ ને શંકાશીલ...ફરી કેબલ કાર દ્વારા જ નીચે ઉતર્યા. ફરી પાછા એ જ રોમાંચ, ને ટેકનોલોજી પર તો વારી જઈએ એવી વ્યવસ્થાના અહોભાવ સાથે બસ સુધી આવ્યા.

ત્યાંથી ચાલ્યા એક લાયન મોન્યુમેન્ટ નિહાળવા.

લ્યુશન

---

લ્યુશન સીટીમાં એક લાયન મોન્યુમેન્ટ છે. લ્યુશન 60000 ની વસ્તી ધરાવતું શહેર છે. મોંક એટલે પાદરીએ આ શહેર વસાવેલું. સ્વિસ નું સૌથી સુંદર શહેર આ છે. લેક લ્યુશન પર આવેલું છે, શહેર પરથી જ લેકનું નામ પડ્યું છે. અહીં 7 અલગ અલગ લેક મળે છે.  

લાયન મોન્યુમેન્ટ. ફ્રેન્ચ રેવોલ્યુશન માં બધાને અહીં ગિલોટ એટલે કે ફાંસી આપી હતી. એ સમયે સ્વિસ સરકારે 760 સોલ્જરને લડવા મોકલેલા.એ બધા જ શહીદ થઈ ગયા. તેની યાદમાં એક લાઈમ સ્ટોન પર 6 મીટર ઉંચો લાયન મોન્યુમેન્ટ બનાવેલો છે, સિંહના પેટમાં એક ભાલો છે, છતાં એની ખુમારી ઓછી થઈ નથી, મોન્યુમેન્ટ જોઈને એ 760 સૈનિકોની ખુમારી પર માંન થઈ જાય.

અહીં જ આગળ બીએમડબ્લ્યુ કારની ફેકટરી પણ છે. 

ટીટલીસ પછીનું બીજું શહેર એટલે, ઝુમફ્રો 

ઝૂમફ્રો

---

ઝુમફ્રો એટલે યંગ લેડી.આ શિખર 3246 મીટર સમુદ્રની સપાટીથી ઊચો. ટ્રેન દ્વારા અહીં જવાની વ્યવસ્થા છે. તમારે બે ટ્રેન બદલવી પડે. આ ટ્રેન 125 વર્ષ જૂની છે, પણ વેલ મેઈન્ટેઈન એક ખરોચ પણ નહીં, કેટલી જાળવણી! ટ્રેનમાં તમે આસપાસનો નજારો જોઈ શકો. ને તમારી જાતને ભાગ્યશાળી માનતા રહો કે આવો નઝારો જોવાનો મોકો તમને મળ્યો. બરફની વાદીઓ ને વચ્ચે ડોકિયું કરી જતો સૂર્ય, અકલ્પનિય ને રમણીય દ્રશ્ય. બે કલાકની ટ્રેનની મુસાફરીમાં તમે ખરેખર સ્વર્ગીય અનુભવ કરી શકો, બધું ભૂલીને બસ પ્રકૃતિને માણી શકો.

ઝુમફ્રોમાં પહોંચ્યા ત્યારે ખાલી ફ્રીઝરમાં બરફ જોવા ટેવાયેલા અમે બધા ગદગદિત થઈ ગયા. ઝુમફ્રોચમા લગભગ સાત અલગ અલગ જગ્યાએ અકલ્પનિય દ્રશ્યજગત નિહાળવાનું છે.

 ટ્રેન વચ્ચે પાંચ મિનિટ બ્લુઈશમાં થોભે છે જ્યાં તમે બરફની ચાદર એક કાચની વિન્ડો માંથી જોઈ શકો છો. તમને અહેસાસ કરાવવા કે ટ્રેન ની વ્યવસ્થા કઈ રીતે ઊભી થઈ હશે અહીં, બધે સફેદી જ સફેદી. હજુ તો આગળ વધવાનું બાકી છે એવું પણ લાગે કે આગે આગે દેખીએ હોતા હૈ ક્યાં ? પહેલું છે ટોપ ઓફ ધ યુરોપ..ખરેખર મને તો દુનિયાનું છપરું હોય એવું લાગ્યું. 

એટલે કે સ્પીનિક ટેરેશ કે જયાંથી તમે બીજા દેશોની સરહદો જોઈ શકો છો. પણ બધું હોય બરફથી ઢંકાયેલું એટલે સરહદોનો ભેદ પાડવો શક્ય ન પણ બને. ને આમ પણ કુદરત ક્યાં આ ભેદ પડે જ છે એ તો બધી માનવ મનની પેદાશ છે ને! પણ ખરેખર ટોપ ઓફ ધ યુરોપ એટલે સ્વર્ગનું દ્વાર જ જોઈ લો જ્યા ફક્ત શ્વેત રંગ જ જોવા મળે. હા ત્યાં તમે કૃષ્ણ કાગડા જોઈ શકશો જે તમારા હાથમાંથી ખાવાનું પણ આરોગે. 

બીજા નંબર પર આવે છે આલ્પાઈન સેન્સેશનલ, ઝુમફ્રૉમા બનેલી રેલ લાઈનના ફોટો તમને અહીં જોવા મળશે જેમ જેમ આગળ વધતા જશો એમ ઠંડીનો અહેસાસ થવા લાગશે ને પછી આવશે આઈસ પેલેસ

વાહ આઈસમાંથી બનાવેલા અદ્ભૂત નમૂનાઓ. જેમાં ઈગલ, બેર, અને પેગ્વીન..ને બીજા પણ ઘણા બધા નમૂનાઓ. 

બાદ છે ઝુન્ગફ્રોચ પેનેરોમાં જેમાં 360 ડીગ્રીમાં ઊભી તમે સ્ક્રીન પર hd. માં બધા દ્રશ્યો જોઈ શકો છો, ઝુન્ગફ્રોચ ના ગ્લેશિયર ના. 

પછી છે લિન્ટ ની ચોકલેટ બનાવવાની રીતનું પ્રદર્શન ને મસ્ત મીઠી ચોકલેટ શોપ. ત્યાર બાદ એક ફોટો શોપ જ્યા ટ્રેડિશનલ કપડાં પહેરીને ફોટા પડાવી શકાય. સ્કી માટે ની સગવડતા, તમે બરફમાં ખુલે આમ રમી શકો. 

એક દિવસ તો ઓછો પડી જાય એવું છે ઝૂંફ્રોચ. મજબૂરી માં અમારે પાછું ફરવું પડે એમ જ હતું તો ટ્રેન પકડી અમે પાછા નીચે તરફ પ્રયાણ કર્યું.

મેં અહીં મારા પર્સનલ અનુભવો બહુ નથી લખ્યા પણ આ તો લખવો જ છે. અહીં સમયપાલન કેવું હોય એ જોઈ લો ટ્રેન સમયસર ચાલુ થઈ ગઈ ને મારા પતિદેવ રહી ગયા પાછળ. જોકે વિશ્વાસ તો ગીતામાં પર હંમેશા જ રહ્યો છે પણ તોય ડર હોય કે ચિંતા, પણ થોડી મુંઝવણ તો થઈ, પણ મહત્વ દૂર ગયા પછી જ સમજાય એ પણ સાચું છે. એમનું ખોવાવું યાદગાર બની ગયું કારણ કે મળી ગયા ન મળયા હોય તો શુંં થતું એવું વિચારવું જ નથી. કારણ કે પોઝિટિવિટી તો ઠસોઠસ ભરેલી છે. 

દીદીએલજે ફિલ્મ નું શૂટિંગ અહીં થયું હતું. મારે માટે છેલ્લો સીન ઉલટો બન્યો. હું બસમાં ઊભી હોઉં ને એ દોડીને આવે... બટ ઈટ્સ ડિફરન્ટ એક્સપિરિયન્સ..આઈ ડોન્ટ નો ઇટ્સ ગુડ ઓર બેડ.

ત્યાર બાદ અમે એક પાર્કમાં ગયા જ્યાં ડીડીએલજે નું શૂટિંગ થયું હતું, એ પાર્કમાં યશ ચોપરાનું એક પૂતળું રાખવામાં આવ્યું છે. જે આપણા માટે ગર્વની વાત ગણાય ભારતીય ફિલ્મોમાં પરદેશોમાંથી વધુ સ્વિત્ઝર્લેન્ડની દ્રશ્યો આવતા હશે.

એ પાછળની ટ્રેન માં આવી ગયા ને અમે નીકળ્યા અમારા તત્કાલના આસિયાના તરફ.

સવારે સ્વિત્ઝર્લેન્ડ છોડીને ચાલ્યા કાવ્યાત્મક શહેર તરફ એટલે કે પેરિસની વાટ પકડી.

સ્વિત્ઝર્લેન્ડની વાત આવે ને કાળા નાણા ની વાત ન આવે એ કેમ ચાલે. સ્વીઝ બેન્ક માં આખી દુનિયાના નાણાં રખાય છે. અહીં કેવાયસી ની જરૂર નથી તમે કોઈ પણ પ્રકારની ઓળખ વગર પૈસા મૂકી શકો. દુનિયાના દેશો ના પ્રેશર પછી હવે અહીં લોકરમાં પૈસા મુકવા લાગ્યા એ પણ સ્વિસ કરન્સીમાં કન્વર્ટ કરીને. સ્વિસ ને એટલે જ બ્લેક હેવન પણ કહેવામાં આવે છે. વર્લ્ડ વોર માં સ્વિસ પર કોઈ પણ દેશે હુમલો ન હતો કર્યો કારણ કે દુનિયાભરના કાળા નાણાં અહીં જમા હતાંં એટલે કોઈ દેશ વિચારી જ ન શકતો સ્વિસ પર હુમલો કરવાનું.

અહીં ગાયને માતા નથી કહેતા એટલે જ આટલી સાચવે છે. આપણે સંબંધો સાચવવામાં જ માન આપવાનું ભૂલી જઈએ છીએ. તમને રસ્તામાં ક્યાંય ગાય કે બીજા કોઈ પ્રાણીઓ જોવા ન મળે, દૂધના ઉત્પાદનમાં પણ સ્વિસ ઘણો આગળ છે. અહીં સફરજન ના ઝાડ જાણે લચી ગયા. ક્યારેક તો બગડી જાય. અહીં કોઈ ગામમાંથી પસાર થતા તમે હોર્ન ન મારી શકો એટલે જ તો અવાજ નું પ્રદુષણ પણ નહીંવત ને હવાનું પણ અને પાણી પણ એકદમ શુદ્ધ ફિલ્ટર્ડ કર્યા વગર જ તમે પી શકો. 

અહીંની ટનલ તો લાજવાબ શું અદભુત પ્રયત્નો ને હિંમત. પર્વતોને ખોદીને બનાવેલા રસ્તાઓ ને લાઈટથી ઝગમગ થતા હોય. 

યુરોપ માં કેરેવાન નું ચલણ વધુ એટલે કે હાલતું ચાલતું ઘર. જેમાં જીવન જરૂરિયાત ની બધી સગવડતા હોય ને કેરેવાન ના પાર્કિંગ પણ અલગ હોય. આપણે જેમ વન ભોજન કરીએ તેમ કેરેવાન ના પાર્કિંગ પણ જોવા મજેદાર હોય કાફલો જામેલો હોય. બધા પોતાની રીતે માણતા હોય છે. 

અહીં સાઈકલનું ચલણ પણ વધુ સાઈકલ માટે પાથ પણ અલગ હોય છે પાર્કિંગ પણ હોય છે. લોકો પોતાના પ્રાઈવેટ વાહનમાં સાઈકલ લઈને પીકનીક જાય ને વાહન પાર્ક કરીને સાઈકલ દ્વારા બધે ઘૂમે છે. અહીં મહેનત કરનાર લોકો તમને મળી જ જશે.

આગળ એક બીજું સીટી આવ્યું બાઝલ કે જયાં ત્રણ દેશો મળે છે. જર્મની ને ફ્રાન્સ ને સ્વિસ. આ સ્વીઝ નું બીજા નં. નું સીટી છે. ત્યાં ત્રણ દેશો સાથે મળે છે. એક જ શહેરમાં ત્રણ દેશો વાહ!

જેમ આગળ વધતા જઈએ છીએ તેમ કઈક નવું નવું જોવા જાણવા મળે છે, આપણા એક શહેર જેવડા કે મોહલ્લા જેવડા દેશો વિચારીને જ હસવું આવું જાય આપણી અમદાવાદની પોળો એના કરતા તો મોટી હોય. એવો જ એક દેશ રસ્તામાં આવ્યો લિંચીષ્ટિન... બહુ નાનો દેશ, જે 1866માં સ્વતંત્ર થયો. 

અહીં હજુ પણ રાજાશાહી ચાલુ છે, ઈકોનોમેકલી સ્વિત્ઝર્લેન્ડ સાથે જોડાયેલો એક રિચ દેશ છે. એક સર્વે વખતે અહીં 111 લોકો બેકાર હતાંં. વાઈન, પોસ્ટલ સ્ટેમ્પ અહીં શોધાયા હતાંં. અહીં કોઈ પણ જાતનો ટેક્સ નથી. દાત ના ચોખટા 4 માંથી એક દેશ એટલે કે લિંચીષ્ટન માં બનાવે છે અહીં 400 જણા ની મિલિટરી. સંકટ વખતે સ્વીઝ સૈન્ય પૂરું પાડે છે,તેનું કેપિટલ વાડુંસ છે જે સૌથી નાની કેપિટલ સીટી ગણાય છે. વાડુંસ 5020 લોકોનું ગામડું છે. વાડુંસ માં પ્રિન્સ રહે છે. બેન્કિંગ સેકટર અહીં બહુ ફૂલ્યું ફાલ્યું છે.

ફ્રાન્સ

-----

અમે ફ્રાન્સમાં પ્રવેશી ચુક્યા છીએ. અહીંનું એક શહેર વચ્ચે આવ્યું, મોનેકો.....

અહીંની અલગ પ્રિન્સિપાલિટી છે. અહીં બધા જ અબજોપતિઓ રહે છે, 2 સ્ક્વેર કિમિ. વિસ્તારમાં શહેર વસેલું છે. બધાની પોતાની, યાચ હોય છે. આ શહેરમાં રાજાશાહી છે.

ફ્રાન્સની વાત કરીએ તો, 60 લાખ લોકો આ દેશમાં વિકલાંગ છે, અહીં મોટા ભાગના બિલ્ડીંગો ગોથીક આર્કિટેક્ચર માં બનેલા છે. સેફટી બોક્સ ની શોધ, દુનિયાનો પહેલો ડિપાર્ટમેન્ટલ સ્ટોર અહીં જ ખુલ્યો હતો. અહીંની વસ્તી 6 કરોડની છે મોટેભાગે રોમન કેથોલિકો વસે છે.

સમર ઓલિમ્પિક ગેમ 5 વખત ને વિન્ટર 3 વખત ખેલાઈ છે. ફિફા 2 ટાઈમ ઓર્ગેનાઈશ કર્યું છે. સૌથી વધુ નોબેલ સાહિત્ય માં ફ્રાન્સ ને વધુ મળ્યા, સૌથી વધુ દવા ફ્રાન્સ માં લેવામાં આવે છે. ફ્રાન્સ ત્રણ મહાસગરોથી ઘેરાયેલો છે.

અહીં રાજનીતિક રીતે ઘણી ઉથલ પુથલ થયેલી જોવા મળે છે. વિશ્વયુદ્ધમાં પણ ફ્રાંસે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

નેપોલિયનની મહત્વાકાંક્ષાને લીધે આ દેશે ઘણું સહન કર્યું છે ને ઘણું મેળવ્યું પણ છે. 

સઁસ્કૃતિની ધરોહર આ દેશે બહુ સાચવી છે. અહીંનું કેપિટલ પેરિસ છે. અમે પેરિસ માં પ્રવેશ કર્યો ત્યાં જ એફિલ ટાવર દેખાયો. લોહ નો પર્વત ને માણસનું સાહસનું પ્રતીક એટલે એફિલ ટાવર.

પેરિસ

-----

એફિલ ટાવર..

મોનાલીસા નું પેઈન્ટિંગ..લુર મ્યુઝિયમ..17 કિમી આર્ટિકલો લઈ આવીને અહીં રાખ્યા છે. 

સોનઝ એલિઝ એવન્યુ. 12 રસ્તા મળે છે ને કોઈ ઈન્સ્યોરન્સ પણ નથી મળતો બાર એવન્યુ..પેરિસ નું હૃદય એટલે એફિલ ટાવર

વહેતુ કાવ્ય એટલે પેરિસ

સાહિત્યિક શહેર એટલે પેરિસ.

ગાતું ઝરણું એટલે પેરિસ,

સદીઓને સાચવતું શહેર એટલે પેરિસ,

ઈમારતોનું ઝૂમખું એટલે પેરિસ,

નદીકાંઠા નું સૌંદર્ય એટલે પેરિસ, 

અંધકારમાં ઓર ઉજાસ ફેલાવતું શહેર એટલે પેરિસ,

રાત્રીનો ઝગમગાટ એટલે પેરિસ, 

મોનાલીસા નું ગૂઢ હાસ્ય એટલે પેરિસ,

એફિલ જેવી ઉત્તમ ઉચ્ચતા એટલે પેરિસ, 

ડાયનાને માથે શોભતા તાજ જેવું પેરિસ.

નશીલું ને જુમતું શહેર એટલે પેરિસ,

નેપોલિયન નું ગર્વ એટલે પેરિસ,

સાહિત્યની સમરાગ્નિ એટલે પેરિસ,

કતારબદ્ધ મહેલોને સાચવતું શહેર એટલે પેરિસ,

જગત આખાની કલા સાચવતું લુવ્ર મ્યુઝિયમ એટલે પેરિસ.

કાવ્યોનું ગેયતત્વ એટલે પેરિસ,

સૌંદર્ય નું પણ સૌંદર્ય એટલે પેરિસ,

એન્જેલોએ દોરેલું જીવંત ચિત્ર એટલે પેરિસ...

પેરિસ સીન નદીના કિનારે વસેલું શહેર છે. ફેશન આઈકોન ને ઝગમગાટવાળું શહેર ગણાય છે. નેપોલિયન ના ભત્રીજા એ આ શહેર વસાવ્યું છે. આ શહેરને બનતા 17 વરસ લાગ્યા. અને બનાવનાર હતાંં હૌસમેન નામના એન્જીનીયર. જેમણે નિયમબદ્ધ ને એક સરખું શહેર બનાવ્યું. ગલીઓથી માંડીને બાલ્કનીઓ પણ એકસરખી જ. તમને અહીં વસી જવાનું મન થઈ જાય એવું શહેર. 

તમે ગમે ત્યાં જાઓ બધે જ સૌંદર્યત્મકતા જોઈ જ શકશો.

અમે લીધેલા જેટલાક દાર્શનિક સ્થળો વિશે કહું તો પ્રથમ હતું.

આર્ક ઓફ ટ્રાયમ્ફ

------------

વિશ્વયુદ્ધ માં માર્યા ગયેલા શહીદો ની અહીં કબર છે. ને ઉપર આપણા લાલ દરવાજા જેવો ગેટ છે. આ ગેટ શહેર ની વચ્ચોવચ છે. અહીં 12 રસ્તા ભેગા થાય છે એટલે અકસ્માતનો ભય વધુ રહે છે. અહીં અકસ્માત થાય તો કોઈ પ્રકારનો વીમો પણ મળતો નથી. છે ને અદભુત તમે વાહનોનો મેળો જોઈ લો ખબર જ ન પડે કયું વાહન ક્યાંથી આવે છે ને ક્યાં જશે. ગેટ પર સુંદર કલાકૃતિઓ કંડારેલી છે. નયનરમ્ય દ્રશ્ય ને ટ્રાફિકથી ખીચોખીચ વિસ્તાર જોઈ લો.

પછી અમે ગયા પેરિસની સાન સમાં આઈફિલ ટાવર ને જોવા જાણવા ને માણવા..

એફિલ ટાવર.

---------

ફ્રાન્સની ક્રાંતિના ઉત્સવ વખતે આ ટાવરનું નિર્માણ કરાયું હતું. એ વખતે એવું નક્કી થયું હતું કે ઉત્સવ બાદ આ ટાવર તોડી પાડવો. આ ટાવર બનાવનાર કંપની ના મુખ્ય એન્જીનીયરના નામ પરથી ટાવરને નામ અપાયું.

એફિલ ટાવર 1000 ફૂટ ઊંચો છે. 1600 જેયલા પગથિયાં ને લિફ્ટ ની પણ સુવિધા છે. તેને ત્રણ માળ છે. બીજા ને ત્રીજા માળથી તમે પેરિસનું વિહંગાવલોકન કરી શકો છો. જ્યારે એને તોડવાનો સમય આવ્યો ત્યારે એ બધાને એટલો પ્રિય બની ગયો હતો કે તોડવાનો નિર્ણય મોકૂફ રાખવો પડ્યો.

વર્ષના 60 લાખ લોકો અહીં આવે છે. રાત્રે દર કલાકે પાંચ મિનિટ માટે રોશનીથી ઝગમગે છે. ને અદભુત સૌંદર્ય વિખેરે છે. અદભુત માનવ કલાકારી. ઉપરથી જાજરમાન પેરિસ શહેર જોઈને રોમાંચક અનુભવ થયો, સુંદર શીતળ પવન ને કલાત્મક શહેર નો સમન્વય અહીંથી માણી શકાય છે.

લુવ્ર મ્યુઝિયમ.

----------

આ શહેરનું બીજું આકર્ષણ છે આ મ્યુઝિયમ કે જયા વિન્સી નું ચર્ચાત્મક પેન્ટિંગ મોનાલીસા રાખવામાં આવ્યું છે. જો કે અમને એને જોવાનો લાભ ન મળ્યો પણ બહારથી મ્યુઝિયમ ખૂબ સુંદર હતું એટલે એની અંદરની ભવ્યતાની કલ્પના કરી શકાતી હતી. 17 કિમિ લાંબા આ મ્યુઝિયમમાં દેશ દુનિયાની ઘણી કૃતિઓ રાખવામાં આવી છે. તમે એક કૃતિ સામે 4 સેકન્ડ ઉભા રહો તો પણ બધી કૃતિ જોતા તમને 9 મહિના લાગે એ પરથી એની વિશાળતા જાણી શકાય છે. વિશ્વમાં સૌથી વધુ જોવાતું મ્યુઝિયમ આ છે.

અમે જહાજમાં બેસીને શહેર ને નિહાળ્યું જેમાં અનેક ઈમારતો ને કલાકૃતિઓ હતી. જેવી કે, સેન્ટ ચેપલ ચર્ચ, નોટ્રે ડેમ દે પેરિસ, વગેરે તો અનેક ને નદી પર બનાવેલા બ્રિજ પણ કલા સંગ્રહી ને બેઠેલા છે. દાર્શનિક કારીગરી જોઈ મન ખુશ થઈ જાય.

આ સિવાય પેરિસ માં મેડેલીન ચર્ચ, કોન્કોર્ડ ફાઉન્ટન, ને આગળ એક મોટો પિલર છે જે નેપોલિયને બનાવેલો છે. જે દેશો એને જીત્યા હોય એના શસ્ત્રો જપ્ત કરી લેતો એ બધા પીગળીને આ પિલર બનાવેલો છે, ઓપેરા હાઉસ પણ એટલું જ સુંદર. બહાર એના ચોક પર તમને કપલ ડાન્સ કરતા લોકો જોવાનો મોકો મળી જાય.

એવા તો કેટલાય સ્થળો છે અહીં સમય ઓછો પડે પણ સ્થળો નહીં. અદભુત, અવર્ણીય, અવિશ્વસનીય શહેર..

અમારું યુરોપનું છેલ્લું ડેસ્ટિનેશન એટલે ડિઝનીલેન્ડ.

ડિઝનીલેન્ડ

--------

અદભુત રાઈડો, કાર્ટૂન કેરેક્ટરો, સુંદર ઉભા કરેલા મહેલો, ખૂબ જ સુંદર તમને ફરી બાળપણ યાદ આવી જાય. મારા ફેવરિટ કાર્ટૂન કેરેક્ટરોની દુનિયા મેં નિહાળી, જાને સ્વપ્ન હકીકત બનીને સામે આવ્યું હોય એવું લાગે. આખી કાલ્પનિક દુનિયા વાસ્તવિક બનાવી દીધી. તમને બાળક બનવાની ઈચ્છા થઈ આવે.

હું એક સ્ટાર વોર ની રાઈડમાં બેઠી. બેસતા તો બેસાઈ ગયું પણ પછી દયાભાભી ની જેમ થયું કે હે મા! માતાજી આ વહેલી પુરી થાય તો બે દીવા માંડીશ. હાશ પુરી તો થઈ ને હું હેમ ખેમ હતી.

યુરોપિયન પ્રજા બહુ સાહસી હોય છે. ડર જેવી વસ્તુ તેમનામાં ઓછી હોય. આપણે લાગણીશીલ રહયા એટલે ડર વધુ લાગે.

ડિઝનીલેન્ડ ને દિલમાં વસાવી અમે એટપોર્ટ તરફ બસ હંકાવી.

ગ્રુપની વાત કરું તો બધા બહુ સરસ ને લાગણીશીલ હતાંં. એમાંય ગુજરાતીઓ હોય પછી તો વાત જ શી? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.... ખરેખર ગ્રૂપમાં ક્યારેય એવું નથી લાગ્યું કે ગુજરાત સાથે નથી.

એક જ સફરના બધા હમસાથી બની ગયા,

અજનબી બધા હવે સંબંધી બની ગયા,

વડીલો બધા યંગ બાય હાર્ટ બની ગયા,

બચ્ચા બધા સર્જીકલ સ્ટ્રાઈક બની ગયા,

વેટિકન જોઈ ઘડીભર ધાર્મિક બની ગયા,

બરફાચ્છાદિત સ્વિસ જોઈ ઘડીક રોમેન્ટિક બની ગયા,

સમય સાથે ઘડીયાળ મેળવી યુરોપિયન બની ગયા,

વિદાયની વાત આવી તો પાકા ભારતીય બની ગયા..

મારી આ સફર બહુ સુંદર, અદભુત, રોમાંચક રહી. બીજા દેશને માણવાનો, જાણવાનો મોકો મળ્યો એ મારા અહોભાગ્ય. હું સરખામણી કરવા નથી માંગતી કે અહીં શું સારું કે ખરાબ છે ને ત્યાં શું સારું હતું. બસ એ યાદોને દિલ ના કચકડામાં સંગ્રહી રાખવા માગું છું. મને ઘણું શીખવા, સમજવા, ઓળખવા મળ્યું જે હું જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરીશ. પોતાની ધરતી પર આવીને શ્વાસ લીધો ત્યારે ખાસ અનુભવ થયો કારણ કે અનુભવોનું ભાથું સાથે લઈને આવી હતી. દુનિયાનો છેડો ઘર એ પણ પૂર્ણ સત્ય છે જે તમે છોડો પછી સમજાય.

પરમાત્માનો ખૂબ ખૂબ આભાર તેમને મને આવો અનુભવ આપ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller