Hina dasa

Drama

4.5  

Hina dasa

Drama

ઉપરણ

ઉપરણ

4 mins
208


"હાલો, બાયું જલ્દી જલ્દી હાથ હલાવો આપણા કરમમાં કઈ આ શારદા શેઠાણી જેવા જલસા નથી. આપણે તો થિંગડા સીએ, થિંગડા.. એને ભગવાને ઉપરણ બનાવી તો શેઠના માથે પાઘડીની જેમ હોભે, આપણે તો આ મીઠામાં જ જિંદગી કાઢવાની...."

મીઠાના અગર પર કામ કરતી બાયુની આ તો રોજની વાતચીત હોય. વીરચંદ શેઠ આવીને બધાને ટકોર મારે કે થોડો જલ્દી હાથ હાંકો, ને એના ગયા પછી આ બાયુની જીભ હાલે, હાથને તો કાન નથી કે એણે આ ટકોર સાંભળી હોય, તો હાથની ગતિ એની એ જ રહે.

વીરચંદ શેઠ મીઠાના અગર પર નિમેલા પસાયતા. શેઠનો મોભો આમ તો રાજા જેવો. અગરિયા પર એકહથ્થુ શાસન જમાવેલું હતું. કહેવાતું કે બધા અગરમાંથી અડધા જ કંપનીના હતા, બીજા અડધા પર તો વીરચંદ શેઠનો કબજો હતો. શેઠ પણ શેઠ હતા. એમનો પડ્યો બોલ જીલાતો આખા વિસ્તારમાં. ને શેઠના પાઘ માથે છોગાની જેમ શોભતા શેઠાણી. શારદા શેઠાણી... શારદા જેવું જીવન જીવવા આસપાસની સ્ત્રીઓ રીતસરની માનતાઓ માનતી. દાગીનાથી લથબથ દેહ, અડધે માથે સુધી ઓઢેલો છેડો, ગર્વિષ્ઠ ચાલ, ને શેઠની અઢળક દરકાર. જોનારને ઈર્ષ્યા આવી જાય એ હદે શેઠ બધા સામે શેઠાણીને સાચવતા.

"હાઈમભરુ !"

શેઠ આટલું બોલે ત્યાં તો શેઠાણી યમ સામે ઊભા હોય તો એનેય રાહ જોવાનું કહી શેઠને પહેલા જવાબ આપે. શેઠાણી દોડતા દોડતા આવ્યા. શેઠ બોલ્યા,

"નજુ સારું જગનદાનને ન્યાથી માંગુ આવ્યું છે. નજુને કહી દેજો. આવતા વૈશાખમાં લગન છે. ને આણુય ભેગું વારી દેવાનું છે."

પથ્થર પર લકીર તણાઈ ગઈ. વૈશાખ પણ આવી ગયો ને નજુ પ્રભુતામાં પગલાં માંડતી સાસરે પણ વળી ગઈ. વર્ષોના વાણા વાઈ ગયા ફરી પાછો શેઠનો અવાજ સંભળાયો. 

"હાઈમભરુ !"

"શીલું સારું જગનદાનને ન્યાથી માંગુ આવ્યું છે, શિલુને હમજાવી દેજો. વૈશાખ આવે એટલે આણુ વારી દેવાનું છે."

શારદા આ વખતે બોલી, 

"કવ છું હાંભરો છો ! નજુ વખતે તો હું કઈ નતી બોયલી પણ શિલુની ઉંમર તો જોવો...."

શેઠે એક નજર નાંખી બસ. શારદા ઓરડાની બહાર જતી રહી. શીલું ઓરડા બહાર નીકળતી માનું મોઢું જોઈ બધું સમજી ગઈ. એ માના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. શારદા પણ એની સાથે રડી. પાસે ઉભેલી રમાબાઈ કચરો કાઢતા કાઢતા બોલી,

"શેઠાણી આ શિલુબેન કા આમ રોવે સે. તમારા ભાયગ તો ભગવાને સોનાની પેમથી લયખા. તમની એટલે તો સેઠ આમ માથાની પાગ બનાવીને રાખે સે. તમારો બોલ કોઈ દિ ઉથાપ્યો હોય એવુંં મી નથી જોયું. ગામની બાયું એટલે તો ક્યે કે તમી તો સેઠના ઉપરણ સો. નકર અસતરીની જાયતને તો ભગવાને દખ ખાવા જ મોયકલી. આ જોવોને મારી ગગીને. જમાય દખ દેતો'તો ઈવા હારુ તો બેજીહુ સે તોય આયા લાવી સુ. હુ કરવુંં તયી જમાઈ કાવડીયા હારુ મારે તો મી કીધું ભલી ઘેર રેતી..."

શેઠાણી બોલ્યા, "રમલી, સોકરીને આયા લાવી તો ઈનો બાપ કઈ ન બોયલો."

બાઈ બોલી, "બોયલો તો ને સેઠાણી, પણ મીય કઈ દીધું. પેટની જયણીને મારી નાખવા તો નઈ જ મોકલું તારે મા દીકરીને મારી નાખવી હોય તો મારી નાયખ. સેઠાણી અમી રિયા નાના વરણ તમારા જી આબરુદાર તો નઈ તોય ભગવાનનો ખો તો બધાયની હોય ને, બેક દાડો એનો બાપેય ખયખડો પસી ઈય માની ગ્યો..."

રાતના અંધકારમાં એકની એક વાત શેઠાણીના મનના ઘુમરાતી રહી. 'તમે તો રિયા શેઠના ઉપરણ.' શેઠાણીને લાગ્યું કે રમલી એને કોઈ મેણું મારીને ગઈ. નજુનો ચહેરો શારદાની સામે તરવરવા લાગ્યો. જગનદાનને ત્યાં વરાવી ત્યારે હેમ જેવી લાગતી નજુ પહેલા આણે આવી ત્યાં તો કથીર જેવી બની ગઈ હતી. શારદા પાસે કરગરવા લાગી હતી.

"મા ઈ માણસ નઈ રાક્ષસ સે. મારા કરતાં આટલી મોટી ઉંમર ને જરાય દયા નઈ.."

નજુએ પીઠ પર પડેલી સોડ પણ માને બતાવી હતી. પણ શેઠ પાસે શારદા કઈ બોલી શકે એમ ન હતી. એની પીઠ પર પણ સોડ કયા રૂઝાઈ હતી, કારણ પણ એટલું જ કે શેઠને કુળનો દિપક પોતે આપી શકી ન હતી. અત્યારે એ મા હતી એટલે એ કોઈને બતાવી શકે એમ ન હતી બસ. ઉપરણના હાલ થિંગડા જેવા જ હતા બસ બહારથી રફુ સારું બતાવવુંં પડે એમ હતું. નહિતર શેઠની આબરુ ટકી શકે એમ ન હતી. અંતે નજુનો જીવ ગયો ત્યારે શારદાને શાંતિ થઈ કે બાપડી છોકરી રોજ મરતી એના કરતા છોને એક વખતમાં જ છૂટી ગઈ.

પણ આ શાંતિ બહુ ટકી નહિ. શેઠે ફરી શિલુને જગનદાનને હારે આણુ વરાવવાનું નક્કી કર્યું. શિલુથી ત્રણગણી મોટી ઉંમર હતી એની. પણ હવે શું થાય શેઠ તો છોકરીને કાઢો કરવા જ માંગતા હતા. વળી ગામ આખામાં વાહવાહી પણ થઈ કે શેઠે માણસાઈ ન મૂકી, એક દીકરી મુઈ તો એને ઠેકાણે બીજીને વરાવી વેવાર સાઈચવો. 

વૈશાખ પણ આવી ગયો ને આણુ તેડવા કાલે સવારે આવવાના પણ હતા. દાન્તે જેમ પોતાની સફરમાં આહો શહેરના દરવાજે ઉભતી વેળાએ અનુભવતો હશે એવુંં જ કંઈક શારદા આ રાતમાં અનુભવી રહી. કાલની સવાર તો એના માટે ને એની દીકરી બંને માટે જહનમનું દ્વાર ખોલવાની હતી. મા દીકરી જ એકબીજાનો સહારો ને આધાર હતા. કાલથી તો બંને અલગ થવાના હતા ને એ પણ કોઈના તાબામાં જવાના હતા. એવુંં નર્ક જેની કોઈ સવાર ન હતી. 

શેઠ ઓરડામાં દાખલ થયા ને બોલ્યા,

"હાઈમભરુ ! આ ઉપરણની જરાક ચાંદીની નકશી નીકળી ગઈ છે, સાંધી દેજે તો. ને શિલુને બધું સમજાવી દેજે.." 

શેઠ ઉપરણનો ઘા કરી બહાર નીકળી ગયા. શારદા પોતાના માથે નાંખેલું ઉપરણ જોઈ રહી. પોતાને કઈક યાદ આવતા સફાળી બેઠી થઈ શીલું પાસે ગઈ. રમલીને રાતે ઉઠાડી. પોતાના દાગીના આપતા રમલીને કહે,

"રમલી, આ મારા દાગીના રાખ, તારા કપડાં આપ મને ને શીલુંને હવે અમારે આ ઉપરણ નથી થવુંં ભલે થિંગડા થઈ જીવવુંં પડે પણ અહીં તો નથી રહેવુંં. મારે મારી બીજી દીકરીનો જીવ નથી આપવો. મજૂરી કરી લઈશ પણ હવે બીજી શારદા ને નજુ મારે નથી જલમવા દેવી...."


Rate this content
Log in

Similar gujarati story from Drama