Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

અનુપમાની અનુકંપા

અનુપમાની અનુકંપા

5 mins
361


આમ તો આંશિક લૉકડાઉન છે એટલે સિનેમા ઘરો બંધ છે, એટલે મનોરંજનનું એક માત્ર માધ્યમ એટલે. ટીવી. બહાર જઈ ના શકો એટલે ટીવીની સામે ગોઠવાઈ ને જે આવે તે જોઈ લેવું પડે. તદુપરાંત ટીવી ધારાવાહિક આપણા રોજિંદા જીવનમાં કોઈક વાર કેવો ખતરનાક ભાગ ભજવે છે તેનું હાસ્યાસ્પદ વર્ણન કરતાં મારી જાત ને રોકી નથી શકતો.

છેલ્લા ઘણા સમયથી સ્ટાર પ્લસ ઉપર 'અનુપમા' નામની એક અતિ લોકપ્રિય ધારાવાહિક ચાલી રહી છે. ધારાવાહિકમા ખૂબ જ ઉતાર ચડાવ બાદ હવે એવું દર્શાવાઈ રહ્યું છે કે અનુપમા નામક પાત્ર તેના પતિ, એટલે કે વનરાજ શાહ સાથે છૂટાછેડા લઈ રહી છે અને કુટુંબના બાકીના સભ્યો અને વનરાજ શાહ પોતે પણ અનુપમા ને તેનો નિર્ણય બદલવા માટે સમજાવી રહ્યા છે, પરંતુ અનુપમા છે કે તેના નિર્ણય ઉપર અડગ છે. ખૂબ જ હૃદયદ્રાવક દૃશ્ય ટીવી ઉપર ચાલી રહ્યું છે. . અને અચાનક વિધિની વિચિત્રતા તો જુઓ. મારા (કાળ)મુખમાથી શબ્દો સરી પડ્યા. 'આ ખોટું થઈ રહ્યું છે, બહુ જિદ્દી છે અનુપમા. . વધારે પડતું ખેંચે છે, ઠીક છે. ભૂલ દરેકથી થાય અને વનરાજ માફી તો માગી રહ્યો છે'. ઘડી ના છઠ્ઠા ભાગ મા હું 'વનરાજ' થઈ ગયો અને મારા શ્રીમતીજી જાણે કે સ્વયમ 'અનુપમા'. . 'અનુપમા જે કરે છે તે બરાબર જ છે. આવા નાલાયકો સાથે તો આવું જ થવું જોઈએ'. શ્રીમતીજી એ રણશિંગુ ફૂંક્યું. પણ આજે મારા મા પણ ઘણા વર્ષે હિંમતનો સંચાર થયો હતો. (રસી ના પહેલા ડોઝ લીધા પછી નો આ ગોરધન હતો). 'માણસ માત્ર ભૂલ ને પાત્ર. વનરાજને પસ્તાવો તો થઈ રહ્યો છે ને, પછી આટલું લાંબુ ના ખેંચવું જોઈએ'. ગોરધન એ સામો ટેટો ફોડ્યો. હવે આ બધામા ટીવી ઉપર તો ધારાવાહિક ના દૃશ્યો ચાલી જ રહ્યા હતા. અને ટીવીની સમક્ષ બીજી એક ધારાવાહિકનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. . 'લાંબુ ના ખેંચવું જોઈએ એટલે ? તમે કહેવા શું માગો છો ? આઠ આઠ વર્ષથી પેલો વનરાજ પેલી ભૂરી બિલાડી (કાવ્યા નું બીજું નામ) સાથે રાસલીલા રમતો હતો ત્યારે તમે ક્યાં હતા ?'. ગોરધનની આંખો આઘાતની મારી ફાટી ગઈ. 'હેં, હું ક્યાં હતો ? આમાં મારો શું વાંક ?'. આવા સવાલો એ મારા મસ્તિષ્ક ઉપર આક્રમણ કર્યું. માંડ માંડ મગજ ઉપર કાબૂ રાખી ને ગોરધન ઉવાચ. 'અરે... મારો કહેવાનો મતલબ કે જે થઈ ગયું તે થઈ ગયું, હવે આગળનું વિચારવું જોઈએ... પોતાની જિદ્દ માટે આખા કુટુંબનો ભોગ શું કામ લેવાનો ?'. . બાર વર્ષે (આમ તો ૨૫ વર્ષે) બાવો બોલ્યો... પણ બોલ્યો તો શું બોલ્યો ?. . આંખના ડોળા આંખમાંથી ખરી પડે એટલી મોટી આંખો કાઢી મારા શ્રીમતીજી એ. હું રીતસર નો બી ગયો (આમ તો રોજ બીવાનો વારો મારો જ આવે છે). 'સમજી ગઈ. એટલે તમે પુરુષ લોકો છાનગપતીયા કરો અને સ્ત્રી કોઈ વિરોધ કરે એટલે એ જિદ્દી. પુરુષ કાનુડાની માફક વાંસળી વગાડતો ફરે અને સ્ત્રી કોઈ વિરોધ કરે તો એ શુરપર્ણખા. તમારા પણ વનરાજ જેવા જ વિચારો છે'. શ્રીમતીજીએ રફેલ યુદ્ધ વિમાનમાંથી મિસાઈલનો મારો ચલાવ્યો... ગોરધનને તો હજી પાછલી પણ કળ નહોતી વળી ત્યાં આ બીજો ઘાતક વાર. પરંતુ ગોરધન આજે લડી લેવાના મૂડમાં હતો... જેમ તેમ કરી ને થોડો ઠરીઠામ થયો, અને. 'તો આમા વનરાજ કરે પણ શું બિચારો ? વનરાજનું વ્યક્તિત્વ જો અને અનુપમા ને જો. ઇંગ્લિશ બોલતાં પણ બરાબર નથી આવડતું. આખો દિવસ મસાલાની ગંધ આવે તો આમા બાપડો વનરાજ જાય ક્યાં ? અને તેમ છતાં તેને પસ્તાવો છે, માફી માગી રહ્યો છે તો પછી જતું કરી દેવું જોઈએ, મારી દૃષ્ટિ એ વનરાજનો વાંક નથી'. ગોરધને ફટાકડાની પિસ્તોલથી ગોળીબાર કર્યો. હવે હું વાચકોને જણાવી દઉં કે ટીવી ઉપર 'અનુપમા' ધારાવાહિકનો એપિસોડ પૂરો થઈ ચૂક્યો હતો, પરંતુ વનરાજ અને અનુપમા ટીવીમાંથી બહાર નીકળી ને અમારા શયનખંડમા આવી ચૂક્યા હતા. . સાક્ષાત રણ ચંડિકા સ્વરૂપ ધારણ કરી લીધું શ્રીમતીજીએ 'તમે... તમે કહેવા શું માગો છો ? એટલે હું જે તમારા બધા માટે રસોઈ કરું છું, ઘરનું કામકાજ કરું છું એટલે હું ગામડિયણ, અને તમે ફૂલફટાક થઈ ને ભૂરી બિલાડીઓ સાથે મિયાંઉ મિયાંઉ કરો. તમારા જેવા ને તો નરકમા પણ જગ્યા ના મળવી જોઈએ, ગમે તેટલું કરો પણ અમારી કિંમત એક નોકરાણી તરીકેની જ. કાલથી તમને જે જમવાનું બનાવી આપે તેની પાસે જ જજો, હવે મારી કોઈ જવાબદારી નહીં. તમારી કોઈ સગલી હોય ત્યાંજ જાઓ'. શ્રીમતીજી એ શાબ્દિક ફારગતી આપી દીધી મને. ડોળા ચકળવકળ થવા માંડ્યા મારા... બન્ને પગ કોઈક અજાણ્યું નૃત્ય કરતા હોય તેમ થનગનાટ કરવા લાગ્યા, હાથની આંગળીઓ એકબીજાથી વિરુદ્ધ દિશાઓમા વળવા લાગી, હોઠ સૂકાઈ ગયા જાણે કે વર્ષોથી પાણી નું ટીપું પણ ના પીધું હોય. આખો પ્રસંગ મારી સમજની બહાર હતો (આમ પણ એકેય પ્રસંગ મારી સમજમા હોતો જ નથી) અજાણતા જ હું એક ઘોર અપરાધી હોઉં એવો ભાસ થવા લાગ્યો. સત્યાનાશ જાય કાળમુખા વનરાજનું... એવા ભયાનક વિચારો મારા મસ્તિષ્ક ઉપર ભરડો લેવા લાગ્યા. જે ગુનો કર્યો જ નહોતો તેનો પસ્તાવો કરવા લાગ્યો (પસ્તાવો ગુનો ના કર્યાનો હતો કે શું એ સમજવાની માનસિક પરિસ્થિતિ રહી નહોતી). બાળક જ્યારે પહેલવહેલું અક્ષરજ્ઞાન લે અને પછી મહેનતથી જે બોલે એવી જ રીતે ગોરધન મહામહેનતે બોલ્યો. 'અરે શું તું પણ ? આ તો એક ધારાવાહિક છે, ખરા છીએ આપણે પણ ? અને તું તો ખરેખર અનુપમા જેવી જ છો... ' હજી તો મારું વાક્ય પૂરું થાય તે પહેલાં સરહદ પારથી એક ઓર દારૂગોળો. 'એટલે તમે વનરાજ જેવા. એમ જ કહેવા માંગો છો ને ?'. હું ફરી પાછો મારી જ સરહદમાં ઊભો ઊભો ઘવાયો. 'અરે ના ના, મારા કહેવાનો મતલબ એ કે તું છે તો આ ઘર છે, હું છું, આ બાળકો છે... તું જ સર્વસ્વ છે'. શક્ય એટલો જીભ ઉપર ગોળ લગાવી ને ગોરધન એ યુદ્ધ વિરામની ઘોષણા કરી. વાક્ચાતુર્યથી શ્રીમતીજી ઠંડા પડ્યા હોય એવું લાગ્યું... ગોરધન ઊભો થઈને બાથરૂમના અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ ને કાન પકડ્યા અને પ્રણ લીધું કે આજ પછી 'અનુપમા' તો શું પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ધારાવાહિક જોતી વખતે હસવું પણ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy