અલૌકિક પરી
અલૌકિક પરી


કૃષ્ણવેણીને આજે પણ એ દિવસ યાદ છે જયારે એને પહેલીવાર પોતાની હવામાં ઉડવાની શક્તિનો પરિચય થયો હતો. કૃષ્ણવેણી અગાસી ઉપર આઇપોડમાં સંગીત સાંભળતી હતી અને એવામાં જ અચાનકથી એનો પગ સ્લીપ થયો અને એ અગાસીની બીજી બાજુ પડી જતી હતી પરંતુ આ શું ? તે નીચે પડી નથી ગઈ પરંતુ હવામાં સ્થિર થઇ ગઈ અને પછી ઉડીને ફરીથી અગાસી ઉપર આવી ગઈ. પહેલા તો એને પોતાના ઉપર વિશ્વાસ જ ન બેઠો. ૬ માળની બિલ્ડીંગ ઉપર થી કોઈ નીચે પડે તો ક્યાં તો હાડકા ભાંગી જાય અને ક્યાં તો એના રામ રમી જાય. પણ કૃષ્ણવેણી તો ઉડી ને પછી અગાસીમાં આવી ગઈ. હવે એને પ્રશ્ન થતો હતો કે પોતે ખરેખર ઉડી ને આવી હતી કે કોઈ શક્તિ એ તેને મૂકી ? કૃષ્ણવેણીને આ સવાલ થવો પણ વ્યાજબી જ હતો.
કૃષ્ણવેણી માતા પિતાનું એકમાત્ર સંતાન હતી. એના પિતા એક સફળ બિઝનેસમેન અને મમ્મી ગૃહિણી હતા. એ બંનેનું ૩ વર્ષ પહેલા જ કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હતું. એ પછી કૃષ્ણવેણી પોતાના ૬ માળના ઘરમાં એકલી જ રહેતી હતી. પોતે વનસ્પતિશાસ્ત્રમાં માસ્ટર કરી અને પી.એચ. ડી. કરી પોતાના પિતાનો બિઝનેસ સાંભળતી હતી. સાથે સાથે પોતાના રિસર્ચ સેન્ટરમાં અસાધ્ય રોગોના નિવારણ માટે વનસ્પતિઓ ઉપર સંશોધન પણ કરતી હતી. એના પિતા એના માટે એટલી સંપત્તિ છોડી ગયા હતા કે કૃષ્ણવેણી અને આવનારી પેઢીને પણ પૈસાની તકલીફ ના થાય. એટલે કૃષ્ણવેણીએ બિઝનેસના નફાથી ગરીબોને પૈસા મળી રહે એવું રોજગાર કેન્દ્ર ચાલુ કર્યું હતું અને પછી થોડી મૂડી પોતાની પાસે રાખી બાકીનો બિઝનેસ વેચીને એવા તો કેટલા ટ્રસ્ટ અને કેન્દ્રો ચાલુ કર્યા હતા.
કૃષ્ણવેણી નાનપણથી જ પોતાની ઉમરના બાળકો કરતા વધારે પરિપક્વ હતી. એ બધાથી કંઈક અલગ જ તરી આવતી. કૃષ્ણવેણી ૭ વર્ષની ઉમર થી જ ધ્યાન કરતી હતી. ધ્યાન કરવાથી એની છઠ્ઠી ઇન્દ્રિય એકદમ સતેજ થઇ ગઈ હતી. ભવિષ્યમાં બનનારી ઘટનાઓ સ્વપ્ન દ્વારા જોઈ શકતી હતી. પોતાના માતા પિતાના મૃત્યુનો પણ એને ભાસ થયો હતો પણ એ ઘટનાનો સમય જાણતી ન હતી. બનનારી ઘટનાનો ચોક્કસ સમય અને કાળ જાણી શકતી ન હતી કે એને રોકી શકતી ન હતી.
હજુ એક મહિના પેહલા જ એને એની ઉડી શકવાની શક્તિનો પરિચય થયો હતો. એને પોતાને પણ આશ્રર્ય થતું હતું પણ એ સમજી ગઈ હતી કે આ બધું ધ્યાનના કારણે થયું છે. જેમ આપણા ઋષિમુનિઓ ધ્યાન દ્વારા અલૌકિક શક્તિઓ મેળવતા હતા એવી જ રીતે કૃષ્ણવેણીને પણ ઘણી બધી અકલ્પનિય શક્તિઓ મળી હતી. પરંતુ જેવી રીતે પ્રભુ શ્રી રામને મળ્યા પછી જ હનુમાનજીને પોતાની શક્તિઓનો પરિચય થયો આવી રીતે જ ધ્યાનના કારણે એના અર્ધજાગ્રત મનની અંદર ઘણી એવી છુપી શક્તિઓ જાગૃત થઇ હતી. આજે એ પોતે ઉડી શકતી, ઉડાડી પણ શકતી, ભવિષ્યની ઘટના ઓ જોઈ શકતી અને થોડા સમય માટે સમયચક્રને પણ રોકી શકતી હતી.
આ બધી શક્તિઓનો પરિચય થયા બાદ એને આખું વિશ્વ બદલવાના સ્વપ્ન આવવા લાગ્યા. પરંતુ બદલાવની શરૂઆત નાના નાના કર્યોથી જ થાય એટલે એને શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાયા લોકોની મદદ કરવાનું શરુ કર્યું. પોતે કાળને રોકી શકતી હોવાથી ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સને પણ ઉડાડીને હોસ્પિટલમાં પહોંચાડી દેતી. સામાન્ય લોકોને ખ્યાલ પણ ના આવે આવી શક્તિઓનો એનું ખાસ ધ્યાન રાખતી.
એક દિવસ કૃષ્ણવેણીને વિચાર આવ્યો કે મારા જેવી શક્તિઓ ધરાવતા બીજા પણ લોકો હશે આ દુનિયામાં. પણ હું એ લોકોનો સંપર્ક કેવી રીતે કરીશ ? ત્યારે જ એની અંતરાત્માનો અવાજ સંભળાયો "ધ્યાન". હા, ધ્યાનથી જ હું માહિતી મેળવી શકીશ. પછી તો એણે ધ્યાનથી જેમ મોબાઈલના નેટવર્ક જોડાય એમ પોતાના જેવી શક્તિઓ ધરાવતા લોકો સાથે સંપર્ક જોડયો. જે બધા કોઈને કોઈ પરોપકારી કાર્યો સાથે જોડાયેલા હતા.
કૃષ્ણવેણીને વિચાર આવ્યો કે હું મારી આ શક્તિઓ અને મારા રિસર્ચને જોડીને એવું એક ઉપચાર કેન્દ્ર સ્થાપું કે જેમાં અસાધ્ય રોગોનું નિવારણ થઇ શકે. ભારતના વેદો, પુરાણોમાં એવી ઘણી બધી જડીબુટી ઓનો ઉલ્લેખ છે જે ઘણા અસાધ્ય રોગોને નિવારે છે. પરંતુ સામાન્ય માનવી એ વનસ્પતિઓને ઓળખી નથી શકતો, ઘણી જગ્યાઓ કે જ્યાં એ પહોંચી નથી શકતો. કૃષ્ણવેણી એ પોતાના સાથીઓને આ વિચાર જણાવ્યો અને દુનિયાના બધા ખૂણેથી અસાધ્ય રોગોની માહિતી મેળવવાનું જણાવ્યું. ધ્યાનથી એને વનસ્પતિઓ, જડીબુટીઓનો ખ્યાલ આવી જતો અને પછી ઉડવાની શક્તિથી એ બધી વસ્તુઓ એકઠી કરી રિસર્ચ કરતી અને દવાઓ બનાવતી. એ દવાઓની ચમત્કારિક અસરોથી ઘણા લોકોના અસાધ્ય રોગો મટાડયા. પોતાના સાથીઓ કે જેઓ પણ અકલ્પનિય શક્તિ ધરાવતા હતા એમને અનેક રોગોની ઔષધિઓ મોકલી આપી. કૃષ્ણવેણી પોતે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ જોઈ શક્તિ હોવાથી આવનારી બીમારીઓની પણ ઔષધિઓ બનાવી પોતાના રિસર્ચ સેન્ટરમાં યોગ્ય પરિબળો સાથે વ્યવસ્થિત રીતે સંગ્રહી હતી. પોતાની રોજનીશીમાં પણ એણે બધી માહિતીઓનો ઉલ્લેખ કર્યો હતો.
ઘણા વર્ષો સુધી કૃષ્ણવેણી લોકોને મદદ કરતી રહી. પરંતુ એક દિવસ જયારે કૃષ્ણવેણી ધ્યાન કરી રહી હતી ત્યારે એ જ અવસ્થામાં એનું હૃદય બંધ પડી ગયું અને એ મૃત્યુ પામી. એણે પોતાના મૃત્યુનો આભાસ થઇ ગયો હતો, એ કાળને પણ રોકી શકતી હતી અને પોતાના મૃત્યુ ને ટાળી શકતી હતી. પરંતુ તે એમ ન કરી શકી. જયારે એને પોતાની ઉડવાની શક્તિનો પરિચય થયો એ જ દિવસે ધ્યાનમાં બેઠી હતી ત્યારે કોઈ અદ્રશ્ય શક્તિએ એને કહ્યું હતું કે એની પાસે ફક્ત ઉડવાની જ નહિ પણ બીજી પણ શક્તિઓ છે જે યોગ્ય સમયે જાગૃત થશે. પરંતુ આ શક્તિઓ વિષે સામાન્ય માનવીને ખબર ન પડવી જોઈએ અને આ શક્તિઓનો ઉપયોગ એ પોતાના અંગત સ્વાર્થ માટે નહિ કરી શકે. જો એવું કરશે તો એ જ સમયે એની બધી જ શક્તિ નાશ પામશે. કુદરતે તેણે પસંદ કરી છે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે. એટલે એણે પોતાની શક્તિઓનો મહત્તમ ઉપયોગ મનુષ્યને મદદરૂપ થવા માટે કરવાનો છે.
કૃષ્ણવેણીનો વધુ જીવવાનો મોહ ફક્ત જરૂરિયાતમંદ લોકોને વધુમાં વધુ મદદ કરી શકે એ માટે જ હતો. અલૌકિક શાતિઓ ધરાવતી આ અલૌકિક પરી આજે નથી પરંતુ જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે એની વ્યવસ્થા કરતી ગઈ છે.