અખંડ ભારત
અખંડ ભારત
સલીમ અને જયપાલ બંને ખાસ મિત્રો નાનપણથી સાથે રહી મોટા થયેલા. ગમે તે ઉત્સવ હોય કે પ્રસંગ બંનેના ઘરના મળીને ઉજવતા ક્યારેય હિન્દુ- મુસ્લિમનો ભેદ એમના વચ્ચે જોવા ન મળે.
જયપાલ હાલ શહેરનો પોલીસ કમિશ્નર બની ગયેલો અને સલીમ ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતો. ટીવીમાં આવેલા સમાચારથી શહેરના લોકો ખૂબ જ ભયભીત હતા કે "શહેરના દસ વિવિધ વિસ્તારોમાં બૉમ્બ મૂકવામાં આવેલા છે દરેક લોકો સાવચેત રહે."
ખૂબ જહેમત બાદ પોલીસ સફળ થઈ, બધા બૉમ્બ શોધી ડીફ્યુઝ કરી નખાયા હતાં. આરોપી જે હતાં તેમાંથી છ લોકો પકડાઈ ગયા અને તેમને મળવાં જયપાલ પહોંચ્યો તો દૂરથી જ આરોપીને જોઈ પગ થંભી ગયાં જાણે કે આઘાત લાગ્યો હોય.
"તું..? શું કામ તે આ બધું કર્યું..?" કહી આરોપીને બે તમાચા જડી દીધા.
"પૈસા જે મારા ઘરનાનું જીવન સુધારી દેશે અને બીજું કે આ નેક કામ કરી મારાં અલ્લાહનું નામ હું રોશન કરીશ, તમારા અખંડ ભારતનું સપનું ક્યારેય પૂરું નહીં થાય." આરોપીએ જવાબ આપ્યો અને સાથે કંઈક ગોળી હતી તે ખાઈ લીધી.
શહેરમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયાં. જયપાલ પોતાની ખુરસી પર બેસી વિચારતો હતો કે,"હું ખુશ થાઉં કે દુઃખી? પોતાના લોકોને મારીને અલ્લાહને રાજી કરવા એ કેવું કામ ?" આંખનું આંસુ ગાલ પર આવતાં કોઈને ખબર વગર લૂછી પછી કામ પર લાગી જાય છે.
