kusum kundaria

Tragedy

3  

kusum kundaria

Tragedy

અગ્નિપરીક્ષા

અગ્નિપરીક્ષા

5 mins
773


આજે એમના દીકરાની પુણ્યતિથિ હતી. હા, જે દીકરાના સહારે પોતાનું આખું આયખું પૂરું કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. કેટકેટલાં દુ;ખ વેઠ્યાં હતા. પતિ હયાત હોવા છતા વૈધવ્ય વેઠ્યું હતું. એકજ આશાએ કે મારો દીકરો મોટો થઈને મારો સહારો બનશે. એ દીકરાનો સહારો ઈશ્વરે છીનવી લીધો હતો.


દીકરાની છબી આગળ તાજા ગુલાબનાં ફૂલ ચડાવ્યાં. નાનાં ભૂલકાઓને જમાડ્યાં. બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી. બધી વિધિ પૂરી કરી. સાંજ પડી ગઈ. રમાબહેન ફરી એકલાં પડ્યાં. તેમની આંખોના ખૂણા ભીના થયા. કેટલી યાદો, કેટલાં દુ;ખ હ્રદયમાં છુપાયેલાં હતાં. પરંતુ કોને કહે દિલની વ્યથા?


રમાબહેન ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. આજથી પચાસ વર્ષ પહેલાંના સમયમાં સરી પડ્યાં. વીસ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં હતાં. ત્યારે તો લગ્ન એટલે શું એ પણ ખબર ન હતી. મા-બાપ કહે તેમ કરવાનું. લગ્નનાં સ્વપ્ન તો બહુ મીઠા હોય છે. કલ્પનાઓ સ્વર્ગના સુખની હોય છે. દરેક યુવતી સોહામણા સ્વપ્નમાં રાચતી હોય છે.પરંતુ દરેકના નસીબમાં એ સુખ હોતું નથી.


રમાબહેનના લગ્ન પણ મા-બાપની પસંદગીના છોકરા સાથે થઈ ગયાં. થોડા દિવસોમાં ખબર પડીકે છોકરો અવ્વલ નંબરનો જુગારી છે. પંચાયત ઓફીસમાં ક્લાર્કની નોકરી કરતો હતો. પરંતુ પગાર બધો જુગારમાં વેડફાઈ જતો. રમાબહેન પતિને ટોકતા તો તેની સાથે ઝઘડો કરતો. ધીમે ધીમે પત્ની સાથે બોલવાનું બંધ કરી દીધું ઘરે પણ ભાગ્યેજ આવે. રમાબહેન ખૂબ દુ:ખી રહેતાં, પરંતુ કોઈને ફરિયાદ ન કરતાં. પતિને સુધારવા બનતા પ્રયત્નો કરી લીધા.પણ સફળતા ન મળી.


રમાબહેન પોતે પણ શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા.પગાર સાવ ઓછો તેમાં પૂરું કરતા. થોડા સમય બાદ રમાબહેને દીકરાને જન્મ આપ્યો. તેમને થયું હવે તેમના પતિ સુધરી જશે. પુત્રનો પ્રેમ તેને જવાબદારીનું ભાન કરાવશે. પરંતુ રમાબહેનની એ આશા ઠગારી નીવડી. જુગારનું વ્યસન તેની રગરગમાં પ્રસરી ગયું હતું .તેને દીકરા પ્રત્યે પણ કોઈ લાગણી ન હતી.


રમાબહેન હવે પોતાનો સમય દીકરાના ઉછેરમાં પસાર કરતા. સમય મળે ત્યારે થોડું સિવણ કામ પણ કરી લેતાં. તેમાં થોડી આવક થતી. દીકરાના ઉછેરમાં કોઈ કમી ન રહે તેનું પૂરતું ધ્યાન આપતા. મુશ્કેલી ખૂબ પડતી. કુટુંબના સભ્યો પણ પતિ તરફ હતા. આથી તે એકલાં પડી જતા. તેના દુ:ખને સમજનાર કોઈ ન હતું.


ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. દીકરો મોટો થવા લાગ્યો. તેને ભણાવ્યો. કોલેજ પૂરી કરાવી. બાદમાં તેને ધંધે ચડાવ્યો. દીકરાને પણ બાપનો પ્રેમ ક્યારેય ન મળ્યો. ક્યારેય ન પૂછ્યું કે, બેટા તું શું કરે છે? તારે કંઈ જરૂર હોય તો કહેજે. દીકરો સમજુ હતો. તે માનું દુ:ખ સમજતો હતો. મા ના ત્યાગને પણ જાણતો હતો. તે પોતાની માનું પૂરેપુરું ધ્યાન રાખતો,કામમાં મદદ પણ કરતો.


રમાબહેનને હવે દીકરાનાં લગ્ન કરવાની ચિંતા હતી. હવે પોતાનો પગાર પણ સારો હતો. દીકરો કમાવા લાગ્યો હતો. પરંતુ લગ્ન માટે આગળ ચાલીને સંબંધ કરાવે તેવું પોતાનું અંગત કોઈ ન હતું. પતિ તો જાણે તેનો હરીફ હોય તેમ તેના કામમાં વિઘ્ન નાખતો! તે કેમ હેરાન થાય તેવા પ્રયત્ન કરતો. દીકરાના સંબંધમાં પણ તે આડો પડતો. પોતાની નબળાઈ સ્વિકારવાને બદલે પત્નિને નીચી દેખાડવાના પ્રયત્ન કરતો. પરંતુ રમાબહેન ખુમારીથી જીવ્યા હતાં તેની જ સામે તેના ગામમાં જ નોકરી કરતાં. ઘર ચલાવતા. બેંકથી માંડીને તમામ વ્યવહાર સંભાળતાં.


પોતાની ઓળખાણ અને સંબંધોથી તેણે દીકરા માટે એક કન્યા ગોતી લીધી. ઘણા વિઘ્નો આવ્યાં,પરંતુ હિંમત હાર્યા વગર ધામધૂમથી દીકરાના લગ્ન કર્યા. ગામમાં સારા માણસો પણ હોય છે જે સત્યનો જરૂર સાથ આપે છે.


પરંતુ ઈશ્વરને જાણે રમાબહેનનું સુખ મંજૂર ન હતું. પોટલું ભરીને દુ:ખ આપ્યા હતા. જે અરમાનો સાથે દીકરાની વહુને લાવ્યા હતા તે ધીમે ધીમે કુટુંબની ચડામણી અને કંઈક લાલચથી સસરા બાજુ વળવા લાગી. ઘરમાં ઝઘડો કરતી, કંઈ કામ પણ ન કરતી. એમ કરતા બે-ત્રણ વર્ષ નીકળી ગયાં. દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો. રમાબહેન પૌત્રનું મુખ જોઈ હરખાઈ જતાં. પરંતુ વહુનો ઝઘડો વધવા લાગ્યો. પુત્રની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થવા લાગી. રમાબહેને કાળજું કઠણ કરીને દીકરાને જુદો થવા સમજાવ્યો. જે દીકરા વગર એક મિનિટ ન ચાલતું તેને પોતેજ અલગ કર્યો! આ જ તો મમતાની મહાનતા છે. દીકરો માતાના દુ:ખને સમજી શકતો, પણ વિવશ હતો.


સમય વીતવા લાગ્યો. રમાબહેને સમય સાથે સમાધાન કરી લીધું, જેવી ઈશ્વરની ઈચ્છા તેમ માની બધું સ્વિકારી લીધું. તેને થતું કદાચ મારા ગયા જન્મના કંઈક પાપ હશે.


પરંતુ રમાબહેનને ક્યાં ખબર હતી કે હજુ જીવનનો મોટો આઘાત જીરવવાનો બાકી હતો. ઈશ્વર કદાચ તેની કસોટી કરતા હતા. હા, સ્ત્રીએ હર યુગમાં અગ્નિપરીક્ષા આપવી પડે છે. સતયુગમાં પણ સીતામાતાને અગ્નિપરીક્ષા આપવી પડી હતી. તો આ તો કળિયુગ છે. રમાબહેનની અગ્નિપરીક્ષા: ઈશ્વરે તેના જુવાનજોધ દીકરાને એક્સિડંટમાં છીનવી લીધો. કાંટાળા છોડમાંય વસંત ઋતુમાં ફુલ ખીલે છે. પણ રમાબહેનના જીવનમાં પાનખર જ લખાયેલી હતી. ક્યારેય ખુશીના ફૂલ ન ખીલ્યા.


હવે રમાબહેન સાવ ભાંગી પડ્યાં હતાં. તેની તમામ હિંમત ખૂટી ગઈ. દીકરાના મ્રુત્યુ બાદ તે સૂનમૂન બની ગયા. કલ્પના કરતાય ધ્રુજી જવાય તેવી વાસ્તવિકતા હતી. રમાબહેને જિંદગીમાં દુ:ખ સિવાય કશું જ ન પામ્યાં.


મ્રુત દીકરા પાછળ તેમણે સપ્તાહ કરી. દીકરાના આત્માને સદગતિ માટ હિંમતભેર સપ્તાહનું તમામ આયોજન કર્યું. સગા-વહાલાને તેડાવ્યા અને કાર્ય પૂરું કર્યું. દીકરાની વહુ વિધવા થવા છતાંય સાસુ સાથે રહેવા તૈયાર ન હતી. પોતાના દીકરાને પણ દાદી સાથે બોલવા ન દેતી. રમાબહેન પૌત્રને રમાડવા અધીરા થતાં પરંતુ વહુ તેની સાથે બોલવા ન દેતી. ઝઘડો કરતી અને બધો ભાગ માંગી લીધો, બંને સ્ત્રીઓ હતી.પરંતુ કેટલો ફરક? એક ત્યાગની મૂર્તિ! બીજી સ્વાર્થનું પૂતળું.


હવે રમાબહેનનું મન ઊઠી ગયું. વહુને મકાન, જમીન વીમાના રુપિયા બધુંજ આપી દીધું. ગામમાંથી પણ તેનું મન ઊઠી ગયું. હવે રહે તો પણ કોના માટે? દીકરાની યાદને ભૂલવા પોતાનું ગામ બદલી નાખ્યું. નોકરીનું સ્થળ બદલ્યું.જ્યાં વર્ષોથી રહેતા હતા.એ બધું છોડી દીધું! હવે તેઓ એકલા જ રહે છે. પરંતુ સ્થળ બદલવાથી યાદોને થોડી છોડી શકાય છે? દિલમાં વ્યથા અને જખ્મ સાથે આજે એકલાં અટૂલા રહે છે.આજે ફરી દીકરાની યાદ તાજી થઈ. ઈશ્વરે તેમની ઝોળીમાં ન સમાય તેટલા દુ:ખો આપ્યાં. છતાય કંઈ ફરિયાદ નથી. સ્વમાન જાળવી રાખ્યું છે. પરંતુ તેમનું મૌન તેમની ખામોશી બધુ જ કહી જાય છે કે,


કેટલું કઠિન છે બારણે, એકલા ઊભા રહેવાનું,


હોઠ પર શબ્દ સળવળ્યા કરે ને, કશું જ નહીં કહેવાનું.!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy