Vijay Shah

Tragedy Drama

3.3  

Vijay Shah

Tragedy Drama

અઘોરીના ચીપીયા

અઘોરીના ચીપીયા

3 mins
13.9K


મારાથી કેમ કહેવાય બાપાને કે તમે આ ખોટું કર્યુ છે? તમે તો બાપા એટલે બધું જ વ્યવસ્થિત જ કરોને? પણ ક્યારેક મને એવું લાગતું કે હું દીકરો તેથી તમે મને કેળવવા કઠોર પરીક્ષા કરો અને નાનકીને તમે છાવર્યા જ કરો.. તમારી લાડલીને તેથી તેની ભુલ સામે તમે આંખા આડાકાન કરો અને મારી ઉપર કડક ચોકી પહેરો…ખાલી ચોખા અને ઘઉં વરસના ભરીને તમે કહી શકો કે હું તને રોટલા ખવડાવું છું.. પણ બાકી આખા ઘરનું શાક ભાજી ફળ ઘી દુધ અને સીધુ સામાન તેલ ઘી લાવીને મારાથી એવું થોડું કહેવાય કે હું ઘર ચલાવું છું…?

મારી સમજ હતી કે હું તદુપરાંત હજાર રુપિયા વાપરવાના આપતો.. મુઉ ઘી ઢળ્યું તો ખીચડીમાં…આ મા બાપે પેટે પાટા બાંધીને આપણને મોટા કર્યા છે હવે તેમનો હાશ કરી શાંતિથી જીવવાનો સમય છે વધુ તો શું?..પણ બાપા હાશ તમને નહીં નાનકી અને તેના સાસરિયાતોને થતી હતી…જાણે કે શું કરીને તેનું ઘર ભરી દેવા તમે વારે તહેવારે નીત નવા નિયમો અને વાસણ પોષણ ભરી ભરી અન્ન ધન અને મન ઠાલવતા.. અને મારે માટે તો ક્યાં કશુંય બાકી રહેતું.

કેરી ગાળો, દિવાળી, રાખી, નવરાત્રી અને શુંનું શુંય…વળી એક તો ધંધો નરમ ગરમ પણ જો હજાર રુપિયા પહેલા અઠવાડીયે ના આપ્યા તો “સાવ ઢ છે રુપિયા કમાઇ જાણવા અગત્યનું નથી તેનો વહીવટ પણ કરતા આવડવો જોઇએ”ના મેણા ટોણા ચાલુ થઇ જાય. પણ મારાથી કેમ કહેવાય કે બાપા બીઝ્નેસમાં મળે ત્યારે ફીસ્ટ અને ના મળે ત્યારે ફાકા હોય.. નોકરીની જેમ બાંધ્યો પગાર કે બેઠું પેન્શન જેને મળે તે લોકો જ નિયમીત જીવન જીવી શકે. વળી વટ વહેવારમાં તમારા બંને સ્વરુપો મેં તો જોયા છે. જેની સાથે ના ફાવે તેને તું કોણ અને હું કોણ નો વહેવાર.. જેમકે મારા સાસરીયા સાથે તમારો ચહેરો હંમેશા કડક અને તંગ.. કેમ કે તેમણે તો કંકુ અને કન્યા પધરાવેલી.. જ્યારે દીકરીને તમે તો ખાટલેથી પાટલે રાખો..અને વહેવારો પણ ભારે કરો કેમકે એ બધું તો મારે પૈસે થાય અને પેન્શનોની તો એફ ડી થાય પણ મારાથી તમને ક્યાં કશું કહેવાય?

હું મુઓ ભોળો અને સમજું કે હવે એ બધું ક્યાં સાથે લઇ જવાના છે? એ નહીં હોય ત્યારે તો બધુ મારું જ છે ને? અને અન્યાયોથી કચડાતી મારી સવિને પણ સમજાવું કે બાપાને આપણાથી થોડું કહેવાય કે તેઓ ખોટું કરે છે? બાપાની તો લાકડી કે કડવા વેણ આપણા માટે તો પેલા અઘોરીના ચીપીયા..જેમ વધુ મારે તેમ આપણો વિકાસ થાય.. ને લો જૂઓ અમારો વિકાસ થયો. બાપા ગયા ત્યારે વીલમાં લખતા ગયા કે બેઉ ભાઇ બહેનનું અડધું અડધું …તો આ પચ્ચીસ વર્ષ સુધી રોજ ખાધું પીધું અને પરોણાગત માણી તે કોની? એવું કંઇ મારાથી પુછાય?

બાના ગયા પછી બાપા માંદા પડ્યા ત્યારે ઘરમાં નોકરો ચાકરો ગોઠવાયા અને હરામ છે નાનકીએ કોઇ સેવા કરી હોય..ઠાલા હુકમો ચલાવ્યા અને ભાઇ તું તો બેઠો વિદેશે અને બાપાને અમારે ગોડવવાના? જોવાના?

અરે બેના, તમે જ મને કાઢી મુક્યો હતો સાગમટે અને હવે મને ભુંડો કરો છો? પણ એમ મારાથી કેમ કહેવાય? એ બાપા પણ સમજી ગયા હતા કે નાનકી કંઇ શરીર હલાવીને કામ ન કરે..જેવું સવિતા કરતી.. પણ હવે તો ભેંસના શીંગડા ભેંસને ભારે.

મને બહુ રડવું આવે કે બાપાના ઝાડા પેશાબ ભંગડી સાફ કરે ત્યારે તેમની આંખેથી નીતરતા આંસુડે ટપકતી વ્યથા અને હાય જોઇને.. પણ હવે તો સવિ અને હું બંને વિદેશે દુભાયેલા… મૌન. તમાશા જોઇએ અને કકળીએ બાપા અહીં આવી જાવ..પણ તમારી થાકેલી અને હારેલી આંખો બોલે કે હવે છેલ્લે ટાણે ક્યાં વિદેશે મૂળીયા નાખીયે.. કેડે બેડે હવે અહીંજ જીવવું રહ્યુ..અને ભોગવવું રહ્યું..

નાનકીએ આમ તો બધુ ખાલી કરી જ નાખેલું હતું અને વીલમાં લખ્યા મુજબ અડધો ભાગ લેવા આવી ત્યારે મારે ઘણું કહેવું હતું..મારી આંખો બધું કહી તો ગઇ પણ બાપા જ્યારે લખીને ગયા હતા ત્યારે મારાથી કેમ કહેવાય કે આ બધું જ ખોટું થયું છે.. અઘોરીના ચીપીયા વાગ્યા છે અને હજી લોહી નીતરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy