Lalit Parikh

Drama

3  

Lalit Parikh

Drama

અગાશીની પાળ પરથી

અગાશીની પાળ પરથી

4 mins
7.6K



જ્યારથી પોતાના જોડિયા ભાઈ કલ્પેશનું કવિતા સાથે સગપણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી અવારનવાર કવિતાની બહેન નિકિતાને જોવા-મળવાનું થતું રહેતું હોવાથી પલકેશના મનમાં એ બરાબર વસી ગઈ. વસી ગઈ એ તો ઠીક; પણ ભાઈના લગ્ન સાથે જ પોતાનું પણ નિકિતા સાથે ગોઠવાઈ જાય એ માટે તે સપના પણ જોતો થઇ ગયો અને પોતાની રીતે પ્રયત્ન પણ કરતો થઇ ગયો. ભાઈના ગોળધાણાની વિધિમાં ગોળધાણા સાથે પેંડા – કાજુકતલી વહેંચતી નિકિતાના હાથનો અનાયાસે નહિ, પ્રયત્નપૂર્વક કરેલો પહેલો સ્પર્શ તેને મુલાયમ લાગ્યો, મનોરમ પ્રતીત થયો અને તેને રોમાંચિત કરી મૂકનાર આનંદ, તેની હથેળીમાંથી હૈયા સુધી પ્રસરી ગયો. તેને નિકિતા કાજુકતલી જેવી જ તન્વંગી, ગોરી ગોરી અને તેની મધુર મુસ્કાન જેવી જ મીઠી મીઠી લાગી. ભાઈના હાથમાં નારિયેળ -રૂપિયો મૂકાતો જોઈ તે પોતાને પણ એ રૂપમાં તાદૃશ જોતો થઇ ગયો. શ્રીફળ વિધિ પછીના લાપસીના શુકન -ભોજનમાં તેને લાપસી પીરસતી નિકિતા લાપસી જેવી જ લાગવા માંડી. વોશબેસિનમાં ભાઈ અને પોતે હાથ ધોવા ઊભા હતા ત્યારે નેપકિન લઈને ઊભેલી નિકિતાને તેણે હિમત કરીને કહી જ દીધું; "તું મને બહુ એટલે બહુ જ ગમે છે. તું તારા બા- બાપુજીને કહે અને હું મારા બા- બાપુજીને કહું અને આપણું પણ સાથે સાથે લગ્ન ગોઠવાઈ જાય તો અધિકસ્ય અધિકમ જેવું થઇ જાય.” કૈંક શરમાઈને અને કૈંક નખરા સાથે નિકિતા બોલી: "મારે એક જ ઘરમાં સગી બહેન સાથે દેરાણીની જેમ નથી રહેવું. એક જ ઘરમાં મારા બા -બાપુજી પણ આપતા પહેલા સો વાર વિચાર કરે.”

હાજર જવાબ પલકેશ બોલ્યો: "તો ભલે ને એકસો એક વાર વિચાર કરે ! પણ આ સંબંધ તો થઈને જ રહેશે કારણ કે હું -……આઈ મીન, આઈ લવ યુ સો મચ”. નિકિતા નેપકિન આપી ભાગી ગઈ. તેની ચાલ તેને હરિણીની ચાલ જેવી લાગી.

પછી તો લગ્ન પહેલા એક વાર કલ્પેશના માતા પિતાએ દિવાળી પર કવિતાને હરખતેડુ કરી ઘરે બોલાવી તો તેની સાથે તેના માબાપે નિકિતાને પણ મોકલી એટલે પલકેશ તો રાજી રાજી થઇ ગયો. ફરી ફરી મોકો શોધી એ નિકિતા સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ મૂકતો રહ્યો. નિકિતા પણ માનિની જેમ માન -અભિમાન કરતી રહી. બોલી: "જીજૂને જેઠ બનાવવામાં અને દીદીને જેઠાણી બનાવવામાં મને કોઈ રસ નથી. અને હજી તો હું દીદી કરતા બે વર્ષ નાની છું. ગ્રેજ્યુએટ થયા પહેલા તો હું ન જ પરણું.”

પરંતુ પલકેશ તો જેમ જેમ નિકિતા ના ના કરતી ગઈ તેમ તેમ તેની સામે જ એકાંત મળતા જ ગાતો રહ્યો: "ના ના કરતે પ્યાર હમીં સે કર બૈઠે!” ભાઈ કલ્પેશ અને કવિતા મૂવી જોવા જાય તો કવિતા- નિકિતાને સાથે લઇ લે. તરત જ નવું ફેન્સી ટી શર્ટ અને જીન્સ પહેરી પલકેશ પણ ઝટપટ તૈયાર થઇ જ જાય. બોલે: "મારે પણ નિકિતાને કંપની તો આપવી જોઈએને?”

વારંવાર પ્રેમ -પ્રસ્તાવ મૂકનાર પલકેશ તરફ નિકિતા પણ અંતે આકર્ષાઈ જ. તેણે રમૂજ માં કહ્યું: "હું તો કોલેજીયન છું. અરેંજ્ડ મેરેજ મને મંજૂર નથી. મને કોઈ અવનવી રીતે પ્રપોઝ કરે તો હું વિચારું.” પછી તો એ બેઉ બહેનો ચાલી ગઈ અને લગ્ન તો છેક વસંત પંચમીના નક્કી થયા હોવાથી ફરી પાછી કવિતાને મકર સંક્રાંતિ પર પતંગોત્સવ માણવા કલ્પેશના માતાપિતાએ તેડાવી. નિકિતા તો સાથે હોય જ હોય. ફ્લેટ કોમ્લેક્સની ઊંચી, મોટી, વિશાળ અગાશી પર પતંગો અને માંઝાની ફિરકીઓ લઇ કલ્પેશ- પલકેશ કવિતા અને નિકિતા સાથે વહેલી સવારમાં જ ચા-નાસ્તો કરી પહોંચી ગયા. ધીમે ધીમે બીજા ફ્લેટ વાસીઓ પણ આવવા લાગ્યા. હવા જોઈએ એટલી અનુકૂળ ન હોવા છતાં ય સહુ કોઈ પતંગોને ઠુમકા મારી મારી ઉડાવવાના સફળ-નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા હતા. કલ્પેશની પતંગને કવિતા છોડાવી રહી હતી અને પલકેશની પતંગને નિકિતા છોડાવી રહી હતી.

પલકેશ બોલ્યો: "આજે તો તારા હાથે છોડાવેલી પતંગ પ્યારના આસમાનમાં દૂર દૂર સુધી ઉડાવવાનો છું. અને ત્યાંથી -ઉપર આકાશમાંથી તને પ્રપોઝ પણ કરવાનો છું.”

“પતંગ ઊડે તો ખરી પહેલા.” નિકિતાએ મજાક કરી.

“ના શું ઊડે? હું અગાશીની પાળ પર ચડી ઉડાવવાનો, તો ય ના ઊડે તો પાણીના ટાંકા પર ચડી ઉડાવવાનો. આ તો હવે ચેલેન્જ છે. જો પતંગ ના ઊડે અને તું જો આજે હા ન પાડે તો આ અગાશીની પાળ પરથી સીધો નીચે ગ્રાઉન્ડ પર જ જમ્પ મારવાનો છું." કહેતા પલકેશ અગાશીની પાળ પર ચડી ગયો અને બોલ્યો: "બોલ નિકિતા બોલ, હું તને આ અગાશીની પાળ પરથી પ્રપોઝ કરું છું અને જો તું ના પાડે તો સીધો નીચે ગ્રાઉન્ડ પર જમ્પ મારીને જ જંપીશ.”

“બહુ શેખી ના મારો. મજનૂ અને ફરહાદની જેમ અમર થઇ જવું છે?” હજી નિકિતા મજાકના જ ટોનમાં બોલી રહી હતી.

પણ પલકેશ તો આજે પ્રેમ- પ્રસ્તાવનો પતંગ ચગાવીને જ રહેવાનો દૃઢ નિશ્ચય કરી બેઠો હોય તેમ, અગાશીની પાળ પર ચડી ગયો અને નિકિતાની પતંગ આકાશમાં ચગી ગઈ, ઉડવાપણ લાગી અને પલાકેશ મોટા પ્રેમભર્યા સ્વરે બોલ્યો: "હવે પ્રપોઝ કરું છું તને નિકિતા. હા કહે તો કૂદીને તારી પાસે દોડી આવું અને ના પાડે તો સીધો ગ્રાઉન્ડ પર કૂદી જાઉં. બોલું છું દસ સુધી ……. એક ……બે …..ત્રણ …. ચાર……..પાંચ “

તરત જ દોડીને નિકિતા પલકેશ પાસે પહોંચી, તેનો હાથ પકડી તેને અગાશીની પાળ પરથી પોતા તરફ ખેંચીને તેને ભેટી પડી. પલકેશના હાથમાંથી દોર છૂટી ગયો અને પતંગ આકાશમાં દૂર-દૂર ઉડવા લાગી ગઈ.

નિકિતાની આ મૂંગી હા એ પલકેશના હૃદયાકાશમાં તેના પ્રેમ પતંગને એવો તો ચગાવી દીધો કે તેણે ભેટેલી નિકિતાને સહુ કોઈની સાડીબાર રાખ્યા વગર તેને ચુંબનની ભેટ આપી દીધી.

પછી તો એ કહેવાની જરૂર ખરી કે વસંત પંચમીના શુભ મુહુર્તે બેઉ ભાઈઓ અને બેઉ બહેનો સાથે જ પરણી ગયા?


Rate this content
Log in

Similar gujarati story from Drama