અદ્રશ્ય પીંજરું
અદ્રશ્ય પીંજરું
આજે નીલમે બારી બહાર ડોકિયું કર્યું, તો તેને લાગ્યું કોઈ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. હિરોઈન કોઈ ગીત પર નૃત્ય કરી રહી હતી. તે ભૂતકાળમાં સરી પડી. તે એક સારી નૃત્યાંગના હતી. તે બધા જ પ્રકારના નૃત્યો કરી શકતી હતી. નૃત્યના ક્લાસ ચલાવતી હતી. તેનું શહેરમાં ખૂબ ઊંચું નામ હતું. રંગે રૂપે સ્વરૂપવાન હતી. સાથે સારું ગાઈ શકતી હતી. નૃત્ય કરતી તો તેનો અંગ મરોડ એવો હતો કે, લોકો અચંબામાં પડી જતાં. એક સમય માં તેના નામ ના સિક્કાઓ પડતા. પણ તેના પિતાની ઈચ્છાથી, તેમના ઉધોગપતિ મિત્રના એકના એક પુત્ર સાથે, ધામધૂમથી લગ્ન કરી દેવામાં આવે છે.
નવ્યેશ સંકુચિત માનસ ધરાવતો હતો. તેને નૃત્ય જરાય પસંદ નહોતું. નીલમ જ્યારે નૃત્ય સ્પર્ધામાં ભાગ લેવાની વાત કરે, ત્યારે હંમેશા ગુસ્સે થતો. નીલમનું ઘર તો રાજ મહેલ જેવું હતું. નોકર, ચાકર, જીમ, સ્વિમિંગ પુલ અદ્યતન સાધનોથી સજ્જ હતું. કોઈ વાતની કમી નહોતી. પણ એ તો એના ઘરે, પિંજરે પુરાયેલા પોપટ જેવી હતી, તેની પાંખો કાપી ને, સોનાના પિંજર કૈદ કરી, આઝાદી છીનવી લીધી હતી. પગમાં જવાબદારીની બેડીઓ લગાવી દીધી હતી.
ઊડવાનું તો ઠીક, ચાલવા માટે પણ સમર્થ નથી.
એ આકાશમાં ઊડવા જેટલું સામર્થ્ય ધરાવે છે. પણ જવાબદારીના પિંજરામાંથી કેમ કરી ઊડી શકે ?
એક બાજુ પોતાની કેરિય, પોતાનો વિકાસનું આકાશ પણ બીજી તરફ, કુટુંબ પ્રત્યેની લાગણી તેની જવાબદારીનું પિંજરું. પિંજરું તોડે તો, કુટુંબની પ્રગતિ રોકાઈ. દો રાહ પર આવી ને ઊભી આજ ની નારી. શું પસંદ કરવું ? પિંજરું કે ખુલું આકાશ ?
