અધૂરો ઘડો છલકાય ઘણો
અધૂરો ઘડો છલકાય ઘણો
નગરવધૂની પદવી મળતાં જ સૌદર્યવાન કમલાક્ષી હવે રોફમાં આભમાં વિહરતી હોય તેમ બીજી નર્તકીઓને પણ તુચ્છ ગણવા લાગી. તેને પ્રધાનપુત્રની મહેરબાનીથી આ પદવી મળી હતી એ ભૂલી ગઈ.
રાજમહેલમાં પ્રવેશતી વખતે શાંત સુશીલ નર્તકી સુનયનાનું અપમાન કરતાં બોલી,.
"જોયું તારાં નૃત્યમાં હવે કોઈને બહુ રસ નથી હવે તો પ્રધાનપુત્ર રણવીર પણ મારા ઈશારા પર જ નાચશે. "
"માન જો મારા રૂપનાં, નખરા છે મારાં હજાર
ભલભલાને ભરાવુ પાણી, એવી રૂપવંતી નાર"
સુનયનાએ સ્મિતભરી નજરે ઝૂકીને પ્રણામ કર્યાં.
મહેલમાં ભીતર જતાં જ સેનાપતિનો અવાજ સંભળાયો.
"રણવીર તેં કમલાક્ષીને તેની લાયકાત કરતાં વઘુ માથે ચડાવી છે. આજ સ્વમાની નર્તકી સુલેખાનું અપમાન કરતાં મેં જોઈ "
રણવીર બોલ્યો,.. "સેનાપતિજી બસ થોડા દિવસ તેનાં નખરાં સહન કરો તેનું કામ પૂરું થતાં તેની તરત જ હકાલપટ્ટી કરીશું. સુલેખા તો સાચે જ રાજનું ગૌરવ છે અને સદાય તેનાં સ્વભાવથી તેનાં પર સહુને માન રહેશે. "
સાંભળીને જમીન પર આવેલી કમલાક્ષીએ પાછી વળીને જોતાં પાછળ આવીને ઉભેલ સુલેખાએ મધુર સ્મિત સાથે તેણે ફરી પ્રણામ કર્યાં. ત્યારે કમલાક્ષીને પોતાની જાત પ્રત્યે નફરત થઈ અને પોતે કેવી અભિમાનથી છલકાતી હતી તેનું ભાન થયું. તે મનમાં જ પોતાની જાત વિશે બોલી, "અધૂરો ઘડો છલકાય ઘણો."
સાચા સંસ્કારોનું મૂલ્ય હવે સમજાયુ કે પદ ઊચું મળે તો વિનમ્રતાથી ગ્રહણ કરવું. "અધૂરો ઘડો છલકાય ઘણો"
કમલાક્ષીએ પણ ઝૂકીને નર્તકીને પ્રણામ કર્યાં. નગરવધૂના જીવનમાં પરિવર્તન આવી ગયું.