Lalit Parikh

Drama Tragedy

3  

Lalit Parikh

Drama Tragedy

અધિકસ્ય અધિકમ…

અધિકસ્ય અધિકમ…

3 mins
7.5K


અધિક માસ બરાબર ત્રણ વર્ષે આવ્યો અને પુરુષોત્તમને પોતાની સ્વર્ગસ્થ પત્ની પ્રતિભા યાદ આવી. યાદ આવી તેનો મતલબ એવો નહિ કે તેને અધિક માસમાં જ યાદ આવી. યાદ તો પ્રતિભાની તેને દર રોજ, રાત દિન, દર કલાકે, દર મિનિટે, દર ક્ષણે સતત આવતી જ રહ્યા કરી; પરંતુ આજે અધિક માસ શરૂ થતા, એ યાદ વિશેષ સંદર્ભમાં, તીવ્રતમ રૂપે આવી, અધિકસ્ય અધિકમ સ્વરૂપે આવી. બરાબર ત્રણ વર્ષ પહેલા અતિ અતિ પ્રિય એવી પત્ની પ્રતિભાની સાથે જ સાથે, હોંસે હોંસે, પૂરેપૂરા અતિ સમર્પિત ભાવથી- પ્રેમભાવથી, પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ જ પુરુષોત્તમ માસ -અધિક માસ, ઉમંગભેર, ઉત્સાહપૂર્વક કરેલો અને છેલ્લે ઉજવેલો પણ ખરો, એ યાદ જ આજે પત્ની પ્રતિભાની સ્નેહ-સ્મૃતિમાં પૂરે પૂરી નિષ્ઠા સાથે પ્રારંભ કરવાની તીવ્રતમ ઇચ્છા તેનામાં જગાડવા લાગી રહી હતી.

એ છેલ્લે કરેલ અધિક માસ પૂરો થતા જ હવેલીએ દર્શન કરીને જયારે પાછા આવી રહ્યા હતા ત્યારે કોઈ નવસિખિયા કિશોરે બાઈકની ટક્કર મારી પ્રતિભાને પહેલા હોસ્પિટલ અને પછી પરલોકે પહોંચાડી દીધેલી, એ યાદ પણ ભૂલી ભૂલાય તેમ ન હતી. બ્રેઈન ઇન્જ્યરીના કારણે તેના બચવાના ચાન્સ તો નામનાય ન હતા; પણ તો ય ડૂબતો જેમ તણખલું પકડે તેમ પુરુષોત્તમ ન્યુરો -સર્જનને બ્રેઈન ઓપરેશન કરવા માટે આજીજી કરતો રહ્યો અને પ્રતિભાની પથરાયેલી ખુલ્લી આંખો સામે આશાભેર જોતો રહ્યો. પરંતુ ન્યુરોસર્જને માથું હલાવી જયારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: "હવે તો ઈશ્વર પણ તેને બચાવી શકે તેમ નથી. તમે હા પાડો ત્યારે તેની બધી જ સપોર્ટ સિસ્ટમ કાઢી નાખી તેને શાંતિથી પરલોકવાસી થવા દઈએ. નિ:સંતાન એવા પુરુષોત્તમે પ્રતિભાની પથરાયેલી આંખો સામે જોઈ સ્વીકૃતિ આપી દીધી અને સાથે જ તેના દેહદાનની પણ જાહેરાત કરી દીધી. તે નિષ્ઠાવાન શિક્ષક હતો અને જાણતો હતો કે દેહદાન કરતા કોઈ મોટું દાન હોતું જ નથી. તેણે ક્યારેક એક કવિતા પણ લખેલી કે, પૂછ્યું પ્રભુને “પુણ્ય શું? અમને જરા સમજાવશો?” ઉત્તર મળ્યો ‘માબાપની સેવા જ મોટું પુણ્ય છે.” પૂછ્યું વળી કે ‘દાનમાં શ્રેષ્ઠ એવું દાન શું ?”

ઉત્તર મળ્યો કે “દેહદાન જ શ્રેષ્ઠતમ છે દાન એ

ડિમ ડિમ ઘોષ સાથે સહુ કોઈને સમજાવજો.”

તેને ત્યારે યાદ પણ આવ્યું કે આજીવન માતાપિતાની સેવા કર્યા બાદ તેઓ જયારે ધામમાં ગયેલા ત્યારે પણ તેણે તેમનું દેહદાન જ કરેલું. પોતાના માટે પણ લિવિંગ વિલ બનાવી, તેણે પત્ની પ્રતિભાનું દેહદાન જાહેર કરી, અધિક માસનું અધિકાસ્ય અધિકમ એવું પુણ્ય કમાઈ લીધું.

પત્નીના અવાર નવાર, ક્યારેક ગંમતમાં તો ક્યારેક પૂરેપૂરી ગંભીરતાપૂર્વક, “મારા પછી કોઈની સાથે લગ્ન કરી સંતાનવાન અવશ્ય થાજો. આ મારી એક માત્ર અંતિમ ઈચ્છા છે” ત્યારે એ મજાકમાં તેમ જ ગંભીરતાપૂર્વક એ ઉત્તરમાં કહેતો: "મારું કર્મ જ- મારું અધ્યાપન કર્મ જ- મારું સંતાન છે અને મારા સઘળા વિદ્યાર્થીઓ મારા સંતાનો છે. માટે આવી વાહિયાત વાત કરી મને દુ:ખી ના કર, મને ઉતારી નાં પાડ.” આવી આવી અનેકાનેક એકથી એક વિશેષ પ્રિય એવી વિષદ પણ તો ય મધુરાધિમધુર સ્મૃતિઓની લહેરાતી- ઉછળતી રંગોમાં ડૂબતા-તરતા, પુરુષોત્તમેં પ્રતિભાને યાદ કરી અધિક માસ કરવાનું શરૂ કર્યું અને અધિકસ્ય અધિકમ એવી પ્રતિભાને અતિ પ્રિય એવી અને પોતાને પણ ખૂબ ભાવતી એવી દ્રાક્ષનો મનપૂર્વક, સંકલ્પપૂર્વક, પૂરેપૂરી નિષ્ઠા સાથે ત્યાગ કર્યો.

“દ્રાક્ષ તો ખાટી પણ નીકળે.” એવો વિચાર કોણ જાણે કેમ તેના અંતર્મનમાં, પત્નીના પોતાના માટેના પુનર્લગ્નના પ્રસ્તાવને યાદ કરી, પોતમેળે ચકરાવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama