mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૨૯)

આત્મસાત  (ભાગ : ૨૯)

6 mins
280


મહાનગરીની બિલ્ડિંગના સૌથી ઉપરના માળ ઉપરના કાચથી ઘેરાયેલા ફ્લેટ પરનો હીંચકો હળવો હળવો ઝૂલી રહ્યો હતો. એ હીંચકા પરથી જાણે આખું શહેર દ્રશ્યમાન થઇ રહ્યું હતું. ઊંચી ઊંચી ઇમારતો એકબીજા જોડે એવી અડકીને ઉભી હતી કે જાણે એ બધી ઈમારતોને કોઈએ વિશિષ્ટ મિશન સોંપ્યું હોય. ' જો જો ભૂલથી પણ તમારી વચ્ચે પ્રકૃતિને વિકસવાનો કોઈ અવસર હાથ લાગે નહીં.' પોતાને સોંપાયેલા એ મિશનને કર્તવ્યનિષ્ઠ રીતે નિભાવતી એ દરેક ઇમારત ટટ્ટાર એકબીજાને અડકતી એ રીતે ઉભી હતી કે એમની વચ્ચેથી ન સૂર્ય જન્મી શકે, ન આથમી શકે. પંખીઓ પણ જ્યાં પોતાની કોઈ કદર ન હોય, પોતાના માટે આવકાર ન હોય એવી ચુસ્ત જાળીઓ, કાચની કેબીન કે લોખંડના સખત સળિયાઓ ધરાવતી બાલ્કનીવાળી ઇમારતોથી સ્વાભિમાન સાચવી ત્યાં સહેજે ન ફરકવાને જ પ્રાધાન્ય આપી રહ્યા હતા. જ્યાં નજર ફરે ત્યાં વાહનવ્યવહારના અગણિત માધ્યમો એ માધ્યમોને સમાવી લેવા ખૂટી પડતા માર્ગો અને પુલ પરથી એકબીજાને ધમકાવતા, ધ્રૂજાવતા હોર્નના કાન ફાટી પડે એવા શોર જોડે પસાર થઇ રહ્યા હતા.

એક મહિનાના શાંતિમય વિરામ બાદ આ બધી અફરાતફરીથી ફરી ટેવાઈ જતા થોડા દિવસો ચોક્કસ લાગવાના હતા. એ અફરાતફરીને બિલ્ડિંગના ટોચના ફ્લેટ પરથી દ્રોણ કેમેરા માફક નિહાળી રહેલું મારું શરીર હીંચકા પર બેઠું ઝૂલી રહ્યું હતું. હાથમાં અનન્યાએ હેતથી થમાવેલો મારી પ્રિય બ્લૅક કોફીનો મગ હતો. જેમાંથી નીકળી રહેલી વરાળ ચહેરા ઉપર ભેજ એકઠું કરી રહી હતી. એ ભેજ મારા ચશ્માની અંદર તરફના કાચ પર પ્રવેશ કરી મારી દ્રષ્ટિ પર ઝાંખપ ફેલાવે એ પહેલા મેં બીજા હાથ વડે ચશ્મા ચહેરા પરથી ઉતારી હિંચકા પર એક તરફ ગોઠવી દીધા. ગરમ કોફીની ચુસ્કીથી શરીરમાં ઉષ્માનું સર્જન થયું. અહીં મનાલી જેવી ઠંડક તો ન જ હતી. પરંતુ શિયાળાના દિવસોમાં લાંબી યાત્રા કરીને ઘરે પહોંચેલું શરીર રાત્રીની ઊંઘ પુરી કર્યા છતાં હજી થાકેલું અનુભવાઈ રહ્યું હતું. એ થાક માટે અનન્યાના હાથથી બનેલી ' પરફેક્ટ ' બ્લૅક કોફી જાણે એક સુંદર મસાજનું કાર્ય કરી રહી હતી. કોફીના પ્રથમ ઘૂંટ સાથે મારી નજર ખૂણામાં સજ્જ અસંખ્ય છોડથી સુશોભિત અમારી ગાર્ડન બાલ્કનીના કેન્દ્રમાં રાખવામાં આવેલી આરામ ખુરશી પર ગોઠવાયેલી અનન્યા પર પડી. એની આંખો ઉપરના ચશ્મા એના નાજુક નાકની ટોચ પર ટક્યા હતા. રેશમી નાઈટ ગાઉનમાં એ આકર્ષક છતાં શોભનીય લાગી રહી હતી. એની ગુલાબી રંગની નેઈલપૉલિશવાળા નખની પકડમાં ભેરવાયેલ મારા પુસ્તકની કાચી આવૃત્તિ વાંચવામાં એ ગળાડૂબ વ્યસ્ત હતી.

હા, જીવનમાં પહેલીવાર મેં મારો નિયમ તોડ્યો હતો. મારું પુસ્તક પ્રકાશક પાસે પહોંચે એ પહેલા મેં એની કાચી આવૃત્તિ અનન્યાને સોંપી દીધી હતી. રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે જ. મને એનો અભિપ્રાય જોઈતો હતો. એ તો અવાક જ રહી ગઈ હતી. એણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હશે કે હું મારા લેખન માટે એનો અભિપ્રાય માંગીશ કે મારા અપ્રકાશિત પુસ્તકની સૌથી પહેલી વાચક બનવાની તક એને આપીશ. કદાચ એના માટે એ ખૂબ જ ગર્વની વાત હતી કે પછી 'શી વોઝ ફીલિંગ સ્પેશ્યલ ' ?

હું જાણતો ન હતો. પણ મને એટલી જ ખબર હતી કે મને એના અભિપ્રાયની ખરા અર્થમાં જરૂર હતી.

કારણ જે કઈ પણ હોય, એ આખી રાત ઊંઘી ન હતી. જાણે વરસોથી ભૂખ્યો માણસ જમણ પર તૂટી પડે એમ જ અનન્યા મારા પુસ્તક પર વરસી પડી હતી. આજે રવિવાર ન હતો, ન તો જાહેર રજાનો દિવસ. છતાં એ શાળાએ ગઈ ન હતી. ફક્ત મારું પુસ્તક સમાપ્ત કરવા આજે એના શિસ્તબદ્ધ દિવસક્રમ જોડે એણે છૂટછાડ લીધી હતી ? મને કોફીનો મગ હાથમાં થમાવતા એણે હરખથી કહ્યું હતું,

"છેલ્લું જ પ્રકરણ બાકી છે. વાંચી લઉં. "

એની ઊંઘ વિનાની લાલચોળ આંખો અનેરી જિજ્ઞાસા વૃત્તિમાં હિલોળા લઇ રહી હતી. એની કીકીઓ અતિ ઉતાવળે પુસ્તકના અક્ષરો પર અહીંથી ત્યાં ફરી રહી હતી. એના શરીરના હાવભાવોમાં રોમાંચ, ભય અને થ્રિલ એકીજોડે પ્રતિબિંબિત હતા. જાણે કે અંતિમ પ્રકરણના અંતિમ શબ્દ ઉપર પહોંચવા માટે હવે ધીરજ અને ધૈર્યનો જથ્થો ખૂટી પડ્યો હતો. સ્તબ્ધ શરીર એક ઇંચ પણ આમ કે તેમ ખસવા તૈયાર ન હોય એમ મજબુતીથી આરામખુરશી પર સખત પકડ જમાવી બેઠું હતું. મેં ધીમે ધીમે સમય લેતા, અનન્યાને ચુપચાપ નિહાળતા કોફીનો મગ પૂરો કર્યો. અનન્યાને વિક્ષેપ પહોંચાડ્યા વિના હું અમારા ઓપન કિચનના પ્લેટફોર્મ પર કોફીનો મગ મુકવા ગયો.

રસોડામાંથી મારી નજર ફરીથી ગાર્ડન બાલ્કનીમાં ડોકાઈ રહી. ત્યાંનું દ્રશ્ય હજી જરાયે બદલાયેલું ન હતું. અનન્યાની વ્યસ્તતાનો લાભ લઇ હું ધીમા ડગલે અમારા શયનખંડમાં પ્રવેશી ગયો. થોડા સમય પછી જયારે પરત થયો ત્યારે મારા હાથમાં એ જ હેન્ડબૅગ હતી જે ગઇ કાલે મનાલીથી પરત થતી વખતે સંપૂર્ણ જતન જોડે મારા ખભા પર લટકાઈને ઘરે પહોંચી હતી.

હીંચકા પર એક તરફ વ્યવસ્થિત બૅગ ગોઠવી મેં ખૂણામાં રાખેલા ચશ્મા ચહેરા પર ચઢાવ્યા. હીંચકો ફરી ઝૂલવા માંડ્યો અને સાથે સાથે જાણે નજર સામેનું શહેર પણ ઝૂલવા માંડ્યું.

"ઓહ માય ગોડ ! વ્હોટ એ બુક ! આઈ કાન્ટ બિલીવ ધીઝ. "

ત્રણ અંગ્રેજી વાક્યો અનન્યાના મોઢામાંથી એક પછી એક પ્રતિસાદ સ્વરૂપે બહાર નીકળી આવ્યા. એના ચશ્મા હજી પણ નાકના ટેરવા પર ટક્યા હતા. પુસ્તકની કાચી આવૃત્તિને સંકેલી લઇ એણે પાનાઓ પર એક હળવી થપાટ મારી. જાણે મેરેથોનની લાંબી દોડ સમાપ્ત કરનાર દોડવીર અંતિમ રેખા પર પહોંચી પોતાનો થાક નીતારે એમ એના મોઢામાંથી એક ઊંડો ઉચ્છવાસ બહાર નીકળી આવ્યો. એને પુસ્તક ગમ્યું હતું એ વાતમાં કોઈ શંકાને સ્થાન ન હતું. એને પુસ્તકની આવૃત્તિ હાથમાં સોંપતા પહેલા પણ એ વિષયને લઇ મારા મનમાં કોઈ શંકા ન હતી. એ મારો ' ઓવર કોન્ફિડન્સ ' કે વિશ્વાસનો અતિરેક ન હતો. મારી શ્રદ્ધા હતી. આ વખતે પુસ્તકમાં ફક્ત મારો સમય અને પરસેવો રોકાયો ન હતો. આ વખતે તો સીધું આત્માનું રોકાણ હતું.

મારે તો ધૈર્ય જોડે એ ઘડીની રાહ જોવી હતી જયારે અનન્યા અત્યંત હળવી થઇ જાય. પુસ્તક વાંચ્યા પછી મનમાં ઉદ્દભવેલા મનોમંથનો, મનોભાવોને અભિવ્યક્ત કરી વાંચનનું અંતિમ ચરણ એનો સમય લઇ આરામથી ઉજવી લે. તેથી જ હું દૂરથી એના ચહેરાના હાવભાવોનું અને એની શારીરિક - માનસિક પ્રતિક્રિયાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યો હતો.

" ...એટલે કે કલાકારને નોકરે માર્યો ન હતો. ન એની પત્નીએ. ન પેલા યુવાને જેણે નોકરની દીકરી જોડે દુરાચાર કર્યો હતો. વાસ્તવમાં કોઈ જ નહીં. કલાકાર માનસિક સમસ્યાથી પીડાતો હતો. સ્વીચ પર્સનાલિટીઝ ! દુનિયાની સામે એક ચહેરો અને એકાંતમાં એક અન્ય ચહેરો.એને અવારનવાર આત્મહત્યાના વિચારો આવતા હતા.

એણે એકાંતમાં ઘણી વાર પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ હેમખેમ બચ્યો હતો. એવો જ એક પ્રયાસ નોકરની નજરે ચઢી ગયો હતો. ઘરથી દૂર કલાના પ્રચાર માટે સહાયક તરીકે જોડાતા નોકરે એને મૃત્યના મુખમાં જતા ઉઘારી લીધો હતો. ત્યારથી નોકર માલીકનું રહસ્ય જાણતો હતો. પરંતુ માથાથી પગ સુધી માલીકના અહેસાનો તળે દબાયેલા નોકરે પોતાના હોઠ સીવી રાખ્યા હતા.

વિશ્વની સામે અત્યંત ખુશખુશાલ, આનંદીત, આત્મવિશ્વાસથી ચળકતું એક વ્યક્તિત્વ અને એકાંતના અંધકારમાં જાત સામે જ જુજતું, ડરતું, ભય અનુભવતું, વિચારો સામે હારતું, નકારાત્મકતામાં વીંટળાયેલું એક વિવશ, નિર્બળ વ્યક્તિત્વ. દ્વિમુખી વ્યક્તિત્વ !

જયારે બધા જ નિષ્ફ્ળ પ્રયાસોને અંતે કલાકારે એક સફળ પ્રયાસ રૂપે જાતે જમણમાં ઝેર ભેળવી દીધું ત્યારે ભગવાન સમાન માલીકની જાન ન બચાવી શક્યાનો અપરાધભાવ થકી નોકરનો જીવ રૂંધાવા લાગ્યો. એ જાણતો હતો કે વિશ્વની સામે એક સશક્ત વ્યક્તિત્વ લઇ ફરનાર માલીકને પોતાની આ નબળાઈ, પોતાના વ્યક્તિત્વનું એ શરમજનક પાસું દુનિયાથી છુપાવી રાખવું હતું. મૃત્યુ પછી પણ પોતાનો માલીક દુનિયાની આંખોમાં એક પ્રેરણાત્મક, તેજસ્વી કલાકારની છબીમાં રહે, એક હીરો જેમ લોકો એને યાદ રાખે એ હેતુસર એણે જાતે ગુનોહ કબૂલી લીધો. ઈટ વોઝ એ ક્લિયર કેસ ઓફ સુસાઇડ. જો નોકરની દીકરીના જીવનમાં વંટોળ ન સર્જાયું હોત, એની આબરૂ દાવ પર ન લાગી હોત તો જીવનભર એ માલીકના ગૌરવની રક્ષા કરતો જેલમાં જ પડી રહ્યો હોત.

પરંતુ સાચું કહું તો સારું જ થયું કે નોકર જેલની બહાર આવ્યો ને સત્ય સૌની સામે આવી શક્યું. ન જાણે આ કલાકાર જેવા કેટલા માનવીઓ એકાંતના ખૂણાઓમાં ગૂંગળાઈ રહ્યા હશે. એમને પ્રકાશમાં લાવવા જ રહ્યા. મૌન, એકલવાયા બધું જ ચૂપચાપ સહેનારાઓમાંથી કદાચ એકાદ વિક્ટિમ પણ આ પુસ્તકના પાત્ર જોડે તાદાત્મ્ય કેળવી શકે તો ... આશા અમર છે ! ધીઝ બુક ઇઝ ગોઈંગ ટુ બી એ બેસ્ટ સેલર. નો ડાઉટ. ઇટ્સ એ હેટ્રિક ટાઈમ ..."

અનન્યાનો ગર્વથી હવામાં ઉઠેલો અંગુઠો મારી આંખો ને આંજી રહ્યો. એના પાતળા હોઠ પર મીઠું સ્મિત રમી રહ્યું હતું. એના શરીરના હાવભાવોમાં મારા માટે છલોછલ ગર્વ ઝળહળી રહ્યો હતો. પોતાના સૌથી ગમતા હીરોને નિહાળી રહી હોય એમ એની આંખો ખુશીથી તરબતર હતી.

મેં ધીમે રહી હેન્ડબૅગ હાથમાં લીધી. હેન્ડબૅગની ચેઇન ખોલી. બૅગમાં સંભાળીને હાથ નાખ્યો અને અંદર છુપાવેલી રિવોલ્વર અનન્યાને સ્પષ્ટ દેખાય એ પ્રમાણે ધીમે રહી બહાર કાઢી. એ જ ક્ષણે મારી નજર સામે ચળકી રહેલી આંખોનો ઝળહળાટ તદ્દન સમી ગયો. ચહેરા પરનો ગર્વ પળભરમાં અદ્રશ્ય થઇ ગયો અને હોઠ પરનું મીઠું સ્મિત શીઘ્ર છીનવાઈ ગયું.

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime