mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૨૮)

આત્મસાત  (ભાગ : ૨૮)

6 mins
335


મારો બધો સામાન પૅક થઇ ચૂક્યો હતો. મુખ્ય બારણાની બહાર બધી જ બૅગ ક્રમબદ્ધ ગોઠવાઈ ગઈ હતી. કશું પાછળ છૂટી ન જાય એ માટે હું આખા મકાનનો એક અંતિમ ચક્કર લઇ રહ્યો હતો. હા, મારું પુસ્તક લખાઈ ગયું હતું. એના ' ક્લાઈમેક્સ ' અને ' એન્ટીકલાઈમેક્સ ' બન્ને સંપૂર્ણ પ્રાકૃતિક હતા. પુલીસ અધિકારી આખરે સાચા હત્યારા સુધી પહોંચી ગયો હતો. એ સાંજે જયારે હું વકીલને મળીને પરત થયો હતો ત્યારે આખી રાત હું લખતો રહ્યો હતો. સતત, એકધારું. એ પહેલીવાર તો ન હતું કે આવી રીતે હું આખી રાત્રી જાગતો રહી લખાણ કરતો રહ્યો. અગાઉ પણ એવી અગણિત રાત્રીઓ લખાણમાં હોંશે હોંશે પસાર થઇ હતી. પણ આ વખતે જાણે બધું જ જુદુ હતું. ભીનાયેલી આંખો વડે લખવાની મને ટેવ ક્યાં હતી ? આંખોમાંથી વહી રહેલા ખારા સમુદ્ર સામે ' મેઇન પ્લોટ ' અને ' સબ પ્લોટ ' સહજતાથી ભળી જઈ એકાકાર થઇ ઉઠયા હતા. 

શ્યામની દીકરી અને પત્ની બારણાની બહાર પ્રાંગણમાં મારી રાહ જોતા ઉભા હતા. મેં બે હાથ જોડી એમનો આભાર માનતા માથું નમાવ્યું. શ્યામે બધો જ સામાન એક એક કરી ગાડીની ડીકીમાં ગોઠવી દીધો. ફક્ત મારી એક હેન્ડબૅગ મારી પાસે હતી. એ મારી સાથે જ સુરક્ષિત હતી. એમાં મારા લખાયેલા પુસ્તકની કાચી આવૃત્તિ હતી. અને ...

"લડકી જાત આજ સબ કુછ કરતી હે. "મેં શ્યામની દીકરી તરફ નિહાળી એની પત્નીને સંબોધીને કહ્યું.

"વો મેરી તરહ લીખતી ભી હે, દેશ ભી ચલાતી હે, હવાઈ જહાજ ભી ઉડાતી હે, પુલીસ બનકર હમારી રક્ષા ભી કરતી હે ઔર ડોક્ટર બનકર લોગોંકી જાન ભી બચાતી હે. "

શ્યામની પત્ની મને એકધારું તાકતી જ રહી ગઈ. આજે એ દલીલમાં કશું બોલી નહીં. કદાચ મને વિદાય આપવાની ઘડી હતી એ કારણે જ. મારા વાક્યોથી શ્યામની દીકરીની આંખોમાં અનેરો ચળકાટ પ્રવેશી ગયો હતો. મેં હળવેથી એનો ખભો થપથપાવ્યો. 

"તુમ જો ચાહો બન સકતી હો. લેકીન હાં, જો ભી બનો કભી અપને માં બાપકા વિશ્વાસ મત તોડના. "

મારી આંખો સામે એક ક્ષણ માટે મોબાઈલનું રેકોર્ડિંગ રમી ગયું. મારી વાતને માન આપવા એ નિર્દોષ તરુણ માથું હામીમાં ધુણ્યું. શ્યામની પત્નીએ દીકરીના ખભા ઉપર હેતથી હાથ ગોઠવ્યો અને હું ઝડપથી શ્યામની પડખે ડ્રાઈવીંગ સીટની પડખેની બેઠક પર ગોઠવાઈ ગયો. મારા ખભા પરની બૅગને મેં ખૂબ જ જતનથી મારી ગોદમાં ગોઠવી દીધી. શ્યામે ગાડી આગળ વધારી અને ધીમે ધીમે આગળ વધી રહેલી ગાડીમાંથી હું એ મકાનની અંતિમ ઝલક મારી સ્મરણ શક્તિમાં કેદ કરી લેવા મથ્યો. 

***

હળવી હવાની લહેરથી હળવે હળવે ખડકી રહેલી વાદળી રંગની બારીઓ આજે પણ એટલી જ આકર્ષક લાગી રહી હતી જેટલી પ્રથમ મુલાકાત સમયે લાગી રહી હતી. એ બારીમાંથી આમ તેમ ઉડી રહેલા સફેદ રંગના અતિ સ્વચ્છ પડદાઓ સાદગી અને પવિત્રતાનું એકજોડે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ધીમા ડગલે મકાનની દાદર ચઢતા મેં મારી હેન્ડબૅગને વ્યવસ્થિત સંભાળીને એક ખભા ઉપર ભેરવી લીધી. બારણું આજે ખટખટાવવું ન પડયું. એ આજે ચોપાટ ખુલ્લું હતું. જાણે બે હાથ ફેલાવીને પધારનારને ગળે લગાવી લેવા ઉત્સાહિત હતું. શ્યામ પાસે મેં બજારમાંથી ફૂલોનો બૂકે મંગાવ્યો હતો. મારા બીજા હાથમાં સજ્જ એ બૂકેનું સંતુલન જાળવતા મારી આંખો કોઈ ઓળખીતા ચહેરાને શોધવા અહીંથી ત્યાં ફરી રહી હતી. મારી શોધને પામી ગયેલી એક વૃદ્ધ નજર મને મળવા આતુર ધીમા છતાં ઉતાવળા ડગલે મારી તરફ ધસી આવી. મારા ખભા ઉપર ગોઠવાયેલી બૅગ નિહાળી શું એ આંખોમાં થોડું ભેજ ઘેરાઈ આવ્યું હતું ? કે પછી મારી જ આંખોમાં ભેગી મળેલી ઝાંખપથી મને એવી ભ્રમણા થઇ ? મારા હાથમાંનો બૂકે આમ તો અન્ય કોઈ હાથ માટે હતો. પરંતુ મારી આગળ હાજર કરચલીવાળા હાથમાં એ વધુ સન્માનીય લાગશે એવી એ જ ઘડીએ મનમાં ઉદ્દભવેલી લાગણીથી પ્રેરાઈને હાથમાંનો બૂકે એ ઘરડા હાથમાં મેં અત્યંત આદરપૂર્વક થમાવી દીધો.

"જા રહે હો ?"

ઉત્તર તો નિશ્ચિત જ હતો. ' હા, જા રહા હું.' પણ એ શબ્દોમાં હું ઉચ્ચારી ન શક્યો. ફક્ત હળવેથી ગરદન હલાવી દીધી. એક હાથ ગ્રહણ કરાયેલી ભેટથી વ્યસ્ત હતો. એટલે બીજો હાથ મારા માથા પર આશીર્વાદ બની આવી ગોઠવાયો. ફરીથી પ્રતિક્રિયામાં શરીરના રુંવાડા ઉભા થઇ ઉઠ્યા. ગળામાં એક મૌન ડૂમો ભરાઈ આવ્યો. આંખોની કીકીઓ સમયની કટોકટી જોડે અહીંથી ત્યાં ચક્કર કાપવા લાગી.

"વો અંદર હે. "

ખબર નહીં, વડીલોનું હૃદય અંતરમાં ચાલતી રહેતી મૂંઝવણોને શબ્દો વિના જ કઈ રીતે પકડી પાડતી હશે ? અંદર તરફના ઓરડા તરફ સંકેત કરી રહેલી એ ઘરડી કીકીઓમાં એવો અનેરો સંતોષ અને આનંદ ઝળહળી રહ્યો હતો જાણે કોઈ પોતાના નવજાત શિશુ સાથે પ્રથમ મુલાકાત કરાવવાનું આમંત્રણ હોંશે હોંશે પાઠવી રહ્યું હોય. આ વખતે મારે બેઠક ખંડમાં રાહ જોવાની ન હતી ? સીધો ઓરડામાં પ્રવેશ ? હું આશ્ચર્યમાં ગરકાવ થયો. એ વૃદ્ધ આંખોના ગુપ્ત સંકેતમાં જાણે મારા માટે કોઈ 'સરપ્રાઈઝ' છુપાઈ બેઠું હતું. એ રહસ્ય ઉકેલવા હું ધીમે ધીમે સંકેત મળેલા ઓરડા તરફ આગળ વધ્યો. ઉત્સાહિત ડગલાં ધીમી ગતિએ મારી પાછળ અનુસર્યા.

જેમ જેમ ઓરડો નજીક આવતો ગયો તેમ તેમ અંદર ગૂંજી રહેલા ગીતનો અવાજ વધુને વધુ સ્પષ્ટ સંભળાતો ગયો. દરવાજા નજીક પહોંચી મેં હળવેથી નજર ઓરડાની અંદર ફેરવી. પંદરેક જેટલા બાળકો સ્વરાગિનીની ફરતે વર્તુળ બનાવી બિરાજમાન હતા. એને ધ્યાન દઈ એકીટશે નિહાળતા, એના મધુર કંઠમાં પડઘાઈ રહેલા ગીતનો દરેક આરોહ અવરોહ સમજવાનો અને શીખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મીંચેલી આંખો જોડે હાથની મુદ્રાઓમાં ઉપર નીચે વહી રહેલા સુર દ્વારા સ્વરાગિનીના સુમધુર કંઠે નીકળી રહેલું હૃદયગમ્ય ગીત આખા ઓરડાને સંગીતમય પાવનતા બક્ષી રહ્યું હતું. હું સંગીતના એ મનભાવક લય તાલમાં થોડી ક્ષણો માટે વહી ગયો. જયારે ગીત પૂરું થયું ત્યારે આજુબાજુ વીંટળાઈ વળેલા બાળકોની આંખોમાં આખરે એને દરવાજે ઉભેલા મહેમાન માટેનો જિજ્ઞાસાભાવ દ્રષ્ટિગોચર થયો. એણે કુતુહલવશ પોતાની ગરદન પાછળ દરવાજા તરફ ફેરવી. મેં એક સંતોષભર્યું સ્મિત એ દિશામાં વેરી મુક્યું. જે એના સુધી પહોંચી એક સ્પષ્ટ અશાબ્દિક સંદેશામાં પરિવર્તિત થઇ ઉઠ્યું,

'મને તમારા પર ગર્વ છે.'

સામે તરફની આંખોમાં કૃતજ્ઞતા છલકાઈ પડી. મને અંદર તરફ આવકારવા માટે ઉભા થવા જઈ રહેલા શરીરને મેં હાથના સંકેત દ્વારા જ અટકાવી દીધું. શિક્ષિકાના સભાન સાનિંધ્યની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ તરફ મેં આંખો વડે સાંકેતિક ઈશારો કર્યો. રસપૂર્ણ શિક્ષણમાં વિક્ષેપનો નિમિત્ત મને થવું ન હતું. સ્વરાગિનીએ જીવન તરફ ઉઠાવેલા પ્રથમ હકારાત્મક ડગલાથી જ હું સંતુષ્ટ હતો. હવે એ ભાવનાને મારે શબ્દોના સ્પર્શ દ્વારા બગાડવી ન હતી.

કેટલીક ક્ષણો મૌન સમજણથી જ દીપી ઉઠતી હોય છે ! આ પણ એવી જ એક ક્ષણ હતી. હા, વાત તો ઘણી બધી કરવાની હતી. કબૂલાતો હજી બાકી હતી. પણ અત્યારે નહીં જ. મારી પાસે એનો મોબાઈલ નંબર હતો. કદાચ એ વાતો, કબૂલાતો ચહેરા સામે કરવાની અંતરમાં વીરતા પણ ન હતી.

મારી દિશામાં ઉઠેલી એની નજરમાં હળવું ભેજ ઘેરાઈ આવ્યું. એ ભેજ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ એણે વિદ્યાર્થીઓ તરફ ગરદન ફેરવી એક અન્ય ગીત ગાવાની શરૂઆત કરી દીધી. ખભા પરની બૅગ વ્યવસ્થિત કરતો હું તરત જ બહાર રાહ જોઈ રહેલી ગાડી તરફ ધસી ગયો. વૃદ્ધ હાથ ત્યાં સુધી હવામાં લહેરાતો રહ્યો જ્યાં સુધી મારી ગાડી દ્રશ્યથી ઓઝલ ન થઇ. મારી નજરમાંથી પણ સમાંતરે હળવી હવાથી હળવી હળવી ખડકી રહેલી એ વાદળી રંગની આકર્ષક બારીઓ ઓઝલ થઇ ગઈ.

ભાવનાત્મક વહેણમાં ભારે થઇ ગયેલા શ્વાસને મેં ચાલતી ગાડીએ હળવા કરવાનો પ્રયાસ કરવા, બહાર તરફની તાજી હવા અંદર પ્રવેશે એ માટે ગાડીની બારીનો કાચ નીચે ઉતાર્યો. વાતાવરણ આજે બમણું બર્ફીલુ હતું. શરીર જોડે મન પણ થીજી રહ્યું હતું.

એ જ સમયે ખિસ્સામાં મોબાઈલ વાઈબ્રેટ થયો. દિવસ દરમિયાન થઇ રહેલી વીડિયોકોલની માંગણીથી મારા ચહેરા પર એવું સ્મિત ખેંચાઈ આવ્યું જેવું ચોકલેટ નિહાળી બાળકના ચહેરા પર ઉપસી આવે. મારી નજર અનાયાસે મારા ગોદમાં ગોઠવાયેલી હેન્ડબૅગ પર પડી અને ચહેરા પરના સ્મિતને જાણે નજર લાગી ગઈ.

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime