આશરો
આશરો
રૂડું અને રળિયામણું ગામ સોનગઢ. આસપાસ નદી અને ડુંગરોથી ઘેરાયેલું તેથી સોહામણું લાગતું. વળી થોડાં જ અંતરથી જંગલ પણ શરૂ થઈ જાતું એટલે એ ચારે બાજુથી પ્રકૃતિથી ઘેરાયેલું હતું. જંગલથી આટલું નજીક ગામ હોવાં છતાં પણ ક્યારેય કોઈ વન્ય પ્રાણીઓએ ગામ લોકોને હેરાન નહોતાં કર્યાં કે ન તો ગામ લોકોએ કદી વન કે વનનાં પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યું.
એક દિવસ અચાનક જ ગામનાં લોકો અચરજ થયું ક્યારેય નહીં અને હવે વન્ય પ્રાણીઓ ગામ તરફ આવવાં લાગ્યાં. સરપંચે પંચાયત બોલાવી બધાનાં મત લીધાં પણ કોઈ ઉકેલ મળે નહીં, બધાં ચિંતાતૂર વિચારોમાં હતાં ત્યાં જ પંદર વર્ષનો વેદ બોલ્યો, "મને ખબર પડી ગઈ કે વન્ય પ્રાણી કેમ આપણા ગામ તરફ આવી રહ્યા છે. બે જ કારણ હોય શકે, પહેલું તેઓને ખાવા પીવાની સગવડમાં કંઈક અવરોધ આવ્યો હોવો જોઈએ અને બીજું એ કે તેમનાં રહેઠાણની જગ્યાએ કોઈ મુસિબત આવી હોવી જોઈએ જેનાં કારણે તે બધાં પોતાનાં રહેઠાણથી દૂર ગામ તરફ આવી રહ્યાં છે." વેદ વાતમાં બધાને દમ લાગ્યો. સરપંચે દસ દસ લોકોની પાંચ ટૂકડી બનાવી તેઓને જંગલમાં તપાસ કરવા મોકલ્યાં.
બધાં જંગલનું વેરાન દ્ગશ્ય જોઈ અચંબિત થઈ ગયાં. કેટલાંક લોકોએ ગેરકાનૂની રીતે ત્યાંના મોટા ભાગના વૃક્ષોને કાપી નાખ્યાં હતાં, નક્કી તેઓ વ્યાપારી જ હતાં, કાળાબજારી કરનારાં લાગતાં હતાં. સાથે ઘણા ખરાં વન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરેલા પણ જોયાં. આ બધી જ વાતની જાણ તેઓએ પરત ફરી સરપંચને વાત કરી.
સરપંચે તાત્કાલિક પોલીસ કમિશનર શિવાનંદને ફોન કરી સમગ્ર વિગત કહી. આ સાથે સૈનિકોની મોટી ટૂકડી સાથે તેઓએ એ બધાં ચોરોને ઝડપી લીધાં, વન્ય પ્રાણીઓને પણ મુકત કરાવ્યા. ચોરો તો પકડાઈ ગયાં હતાં પણ હવે વન્ય પ્રાણીઓનાં રહેવાની જગ્યા વેરવિખેર થઈ ગઈ હતી. મોટાં ભાગનાં વૃક્ષો ધરાશયી થઇ ગયાં હતાં. સરપંચે અને ગામ લોકોએ વન્ય પ્રાણીઓનાં રહેઠાણને ફરી હર્યુ ભર્યું કરવાં માટે દિવસ રાત એક કરી દીધાં હજારો વૃક્ષારોપણ કરી વર્ષો સુધી તેની સંભાળ લીધી અને વન્ય પ્રાણીઓને તેમનો આશરો ફરી તેમને પરત કર્યો.
