આકાશ મારૂં કાળું કાળું
આકાશ મારૂં કાળું કાળું
સૌરાષ્ટ્રમાં આવેલ વનેરી ગામમાં ચારેકોર હરિયાળી.. લહેરાતા પાક... લીલા લીલા ઘટાદાર વૃક્ષ... વૃક્ષ પર માળા બાંધી ચહેકતા પક્ષી.. ગાય-ભેંસ-બકરી-ઘેટા જેવા પશુઓથી હર્યુભર્યું તેમજ અહીંની ખાસિયત એ અહીંનો માનવી... વિશાળ હ્રદય ધરાવતો, દયાળું તેમજ ખુશમિજાજ. ગામમાં કોઈના પર સંકટ આવે તો ગામલોકો એક પરિવાર બની સામનો કરતાં. ધર્મ કરતાં કર્મને વધુ મહત્ત્વ આપતા. વિશ્વાસ અને મહેનત અહીંના લોકોના કિંમતી દાગીના કહી શકાય.
આ ગામમાં માધવ નામે એક યુવક તેના માતા-પિતા સાથે રહેતો. 10 ચોપડી ભણેલો એટલે ગામનો સૌથી વધુ ભણેલ કહેવાતો આ યુવક પિતાને ખેતીમાં મદદ કરતો. દર રવિવારે શહેરમાં પોતાના ખેતરનું શાકભાજી વેચવા જતો. ઘરે બે દૂધાળી ગાયો પણ ખરી. માધવ એકનો એક હતો. ગામના લોકોમાં ચહિતો હતો. ગામમાં કોઈપણ કુટુંબમાં વિપત્તિ આવી હોય માધવ મદદે દોડી જતો. આમ તો બધું બરાબર ચાલતું હતું વનેરી ગામમાં પણ થોડા દિવસથી શહેરના અમુક ચાર-પાંચ લોકોની અવરજવર જોવા મળતી હતી. ગામના લોકોના મનમાં ગૂંચવણ ઊભી થતી આ જોઈને... કે શું હશે ?
આખરે ગૂંચવણ ઊકેલાઈ. ગામના મુખી રતિભાઈ બારોટએ પંચાયત બોલાવી. ગામલોકો ભેગા થયા. પંચાયતમાં પેલા શહેરીજનો પણ હાજર હતા. રતિભાઈએ તેઓની ઓળખાણ કરાવતા કહ્યું, `આ સાહેબો શહેરથી આવ્યા છે. આપણા માટે એક પ્રસ્તાવ છે. ગામની સીમમાં આવેલી જમીનનો અમુક ભાગ તેઓની ફેક્ટરી માટે જોઈએ છે. એ જમીનના માલિક જે અત્યારે શહેરમાં રહે છે તેમણે આ સાહેબોને તે જમીન વેચી છે. આપણે આ સરકારી કાગળ પર મંજૂરીની મહોર લગાવી દઈશું તો તેઓ બદલામાં આપણા ગામના યુવકોને તેમની ફેક્ટરીમાં નોકરીએ રાખશે.' રતિભાઈએ વાત પૂરી કરી. માધવ આ સમયે શહેરમાં શાક વેચવા ગયો હતો. ગામના લોકો વિચારમાં પડી ગયા. થોડી ચર્ચા-વિચારણા બાદ આખરે યુવકોને નોકરી મળવાની લાલસાએ ગામલોકોને મહોર મારવા પર મજબૂર કરી દીધા. સરપંચે સરકારી દસ્તાવેજો પર ગામની મહોર લગાવી. વાત અહીં પૂરી થઈ. માધવ શહેરથી પરત ફર્યો એટલે એના મા-બાપે બધી વાત કરી. માધવને કંઈક અજુગતુ તો લાગ્યું પણ હવે તો કશું થઈ શકે એમ હતું નહિ. સમય વહેતો ગયો ફેક્ટરી નાખવાની શરૂઆત થઈ. 6 મહિના કામ ચાલ્યું. એ પછી ફેક્ટરી ચાલુ પણ થઈ. શરૂઆતમાં તો કંઈ બહુ વાંધાજનક ન લાગ્યું પણ જેમ જેમ દિવસો વીતતા ગયા ફેક્ટરીમાંથી અસહ્ય ધુમાડો ગામમાં પ્રવેશવા લાગ્યો. એની અસર હવે હરિયાળા પાક પર, વૃક્ષો પર તેમજ ગામના ઢોરઢાંખર પર થવા લાગી. પાક બગડતો, ઢોર મરતા એ પછી તો ગામમાં બિમારી પણ વધી. આખરે પંચાયત બેઠી. શું કરવું હવે ? ફેક્ટરીથી ઘણું નુક્શાન થયું હતું. માધવએ પંચ પાસે મહોરવાળા દસ્તાવેજની નકલ માંગી. કાગળિયા જોઈ માધવ સમજી ગયો. ગામલોકોને માત્ર ફેક્ટરી નાખવાની જ માહિતી આપવામાં આવી હતી. કેમિકલ ફેક્ટરી વિશે કશું જ કહ્યું નહોતું. આ ફેક્ટરી કેમિકલ ફેક્ટરી હતી જેનાથી આ ધુમાડો ગામને ભરખી રહ્યો હતો. માધવે ગામલોકોને પૂરી વાત સમજાવી. ગામલોકોને પણ વાત ગળે ઉતરી કારણકે યુવકોને ફેક્ટરીમાં કોઈ નોકરી પણ મળી નહોતી. સ્વાર્થી અને લાલચુ લોકોએ ગામના ભોળા લોકોને છેતર્યા હતા. હવે થાય પણ શું ? માધવે વાત પોતાના હાથમાં લીધી.
બીજા જ દિવસે માધવ દસ્તાવેજોની કોપી લઈ શહેર જવા નીકળ્યો ત્યાં સરકારી ખાતામાં ફરિયાદ કરી. ત્યાંના રિશ્વતખોર લોકોએ માધવને સાંત્વન આપી રવાના કર્યો. માધવને એમ કે બધું જ સરખું થઈ જશે... પણ આ શું દિવસો વીતતા ગયા અને આજે તો હદ થઈ ગઈ. ગામની સરકારી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ મેદાનમાં રમી રહ્યા હતા તે અચાનક બેહોશ થઈ ગયા. તાત્કાલિક સારવાર અપાઈ પરંતુ ચાર બાળકોનું મૃત્યું થયું. ગામમાં આજે કાળા ધુમાડાએ કેર વરતાવ્યો હતો. મૃત બાળકોના માતા-પિતા ગાંડાઘેલા થઈ ગયા. ચારેબાજુ આક્રંદ અને નિરાશા વ્યાપી ગઈ. ગામની હરિયાળીને, કોલાહલ કરતાં બાળકોને, ચહેકતા પક્ષીઓને, દૂધાળા પશુઓને જાણે નજર લાગી ગઈ. આજે ગામનું આકાશ કાળુડિબાંગ થઈ ગયું હતું.
આખરે માધવથી રહેવાયું નહિ અને તે જિલ્લા કલેક્ટરને મળવા ગયો. કેટલાક લોકોને આની ખબર પડતા તેઓએ માધવ પર હુમલો કરાવ્યો. માધવ અધમૂઓ થઈ પાછો ફર્યો. માધવના માતા-પિતા દીકરાની આ હાલત જોઈ ખૂબ દુઃખી થયા. સારી વાત એ બની કે આ સમય દરમિયાન જિલ્લા કલેક્ટરની બદલી થઈ હતી. નવા જિલ્લા કલેક્ટર ઈમાનદાર હતા. તેઓએ પૂરી તજવીજ કરી. કાર્યવાહી કરી અને ફેક્ટરી બંધ કરાવી... ગામના લોકોમાં જીવ આવ્યો. તેઓએ માધવનો ખૂબ આભાર માન્યો. જિલ્લા કલેક્ટરને પણ આભાર માનતો પત્ર માધવે લખ્યો. ગામમાં ખુશહાલી પાછી ફરી.
આ બનાવ પછી ગામના લોકોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો... કે હવે ગામમાં બાળકોના ભણતરની વ્યવસ્થા મોટાપાયે કરવી જેથી આવી વિપત્તિ આવે જ નહિ. ભણતર જ માનવીને વિચારવાની શક્તિ અને સારુખરાબ સમજવાની શક્તિ આપે છે.. આપણા મનના આકાશને રંગીન અને સમૃદ્ધ બનાવવા આપણે જ સમર્થ બનવું પડશે.