mariyam dhupli

Inspirational Thriller

4  

mariyam dhupli

Inspirational Thriller

૨૪ કેરેટ

૨૪ કેરેટ

6 mins
272


શોપિંગ મોલના સામે તરફ પાર્ક કરેલી ગાડીની બહાર ઉતરી હું આમથી તેમ ચક્કર ઉપર ચક્કર કાપી રહ્યો હતો. મારા મનનો ભાર દરેક પસાર થતી મિનિટ જોડે બમણો થઇ રહ્યો હતો. એ ક્યારની મોલની અંદર પ્રવેશી ચુકી હતી. ૪૫ મિનિટ થવા આવી હતી. મારા હાથની ઘડિયાળ ઉપર નજર કરી મેં ફરી એકવાર સમય તપાસ્યો. આટલો બધો સમય ? પણ એ અંદર શું કરી રહી હતી ? આમ ચોરીછૂપે આ સ્થળે આવવાનું કોઈ ખાસ કારણ ? કારણ અંગે અનુમાન સાધતા ફરી મારુ હ્ય્યુ જાણે બેસી પડ્યું. જો કોલ આવી ગયો તો ? હું શું જવાબ આપીશ ? 

ચક્કર કાપવાનું યથાવત રાખી મેં મારો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો. એક પણ મિસકોલ હતો નહીં. એક તરફથી મેં રાહતનો દમ ભર્યો અને બીજી તરફ મનમાં ગૂંગળામણ થવા માંડી. એક કોલ આવે નહીં એની પ્રાર્થના કરી રહ્યો હતો અને અન્ય કોલ હજી સુધી આવ્યો કેમ નહીં એ અંગે અંદરોઅંદર અકળાઈ રહ્યો હતો. કંટાળીને ફરી ફોન મેં ખિસ્સામાં સરકાવી દીધો. 

આજે ગમે તેમ કરીને લન્ચ બ્રેકમાં સમયસર નીકળી જવાનું હતું. પણ શોપિંગ મોલમાંથી એ બહાર નીકળે ત્યારે ને ? અચાનક મોબાઈલની રિંગ વાગી અને હું ધ્રુજી ઉઠ્યો. ફરી ખિસ્સામાં હાથ નાખવાનો પ્રયાસ કર્યો જ કે નજીકથી પસાર થયેલા વ્યક્તિએ " હેલો " કહી પોતાનો કોલ ઉપાડ્યો. મારા જેવી જ રિંગ ટોન હતી. બચી ગયો. મારા મનમાં એક મોટો હાશકારો થયો અને મનમાં મેં ઈશ્વરનો લાખ લાખ આભાર માન્યો. પણ એજ સાથે પારુલ ઉપર ફરી મનોમન ગુસ્સો થયો. એક કોલ કરી દીધો હોત. એ જાણે છે કે હું હાર્ટ પેશન્ટ છું. મારુ ડાયાબીટીશ ઊંચું રહે છે. હવે હૃદયમાં પહેલા જેવી શક્તિ નથી રહી. ચિંતા અને ફિકર હવે પહેલા જેમ સહેવાતી નથી. ખબર નહીં ક્યારે આ બધી તાણમાંથી મુક્ત થઈશ ? હવે રીટાયર થવાની આયુ પણ ધીમે ધીમે નજીક આવી રહી હતી. 

મારા મનના વિચારો ફરી એજ ચકડોળે ચઢી ગયા હતા. રાત્રે હું ઊંઘી પણ શક્યો ન હતો. આવતી કાલે શું થશે એ વિચારે મારી આંખો છતને તાકતી સૂર્યોદય સુધી જાગતી રહી હતી. અને વહેલી સવારે હું નિયતક્રમ મુજબ તદ્દન સમયસર મારા સફેદ વર્દીધારી શરીર જોડે શેઠના બંગલે પહોંચી ગયો હતો. ગરાજમાંથી ગાડી સાતના ટકોરે બહાર કાઢી નાખી હતી. શેઠને મોર્નિંગ વોક માટે લઇ ગયો હતો. ફરી બંગલા ઉપર એમને લઇ પરત થયો હતો. ત્યાં સુધી શેઠાણી પોતાની આરતીની થાળી જોડે મારી રાહ જોઈ રહ્યા હતા. એમને દર્શન માટે મંદિરે લઇ ગયો હતો અને એમને ફરી પરત બંગલા સુધી નવના ટકોરે પહોંચાડી દીધા હતા. શેઠ તૈયાર થઇ મારી જ રાહ જોઈ રહ્યા હતા. તરતજ પાછું એમને ફેકટરીએ ડ્રોપ કરવા નીકળી પડ્યો હતો. દરરોજની જેમ હું ફેકટરીના પાર્કિંગ વિસ્તારમાં શેઠના આગળના આદેશ માટે રાહ જોઈ રહ્યો હતો કે મારા મોબાઈલની રિંગ પાર્કિંગ વિસ્તારમાં ગુંજી ઉઠી હતી. મને થયું પારુલનો કોલ હશે. એકજ શ્વાસે મેં કોલ ઉપાડી નાખ્યો હતો. 

" હું નિધિ. આપ પ્લીઝ તરતજ ઘરે આવતા રહો. અરજન્ટ. અને હા, પપ્પાને કશું કહેતા નહીં. "

હું વિચિત્ર ધર્મ સંકટમાં સપડાઈ ગયો. એક તો એ પારુલનો ફોન ન હતો. એટલે અકળામણ તો હતીજ સાથે ફોન ઉપર સાંભળેલા શબ્દો મારી અકળામણ અને ધૈર્યની કસોટી કરી રહ્યા હતા. મારો હાથ મારા વર્દી અને કેપ ઉપર એ રીતે ફરી રહ્યો હતો જાણે હું સમુદ્રની વચ્ચે કોઈ અજાણ્યા ટાપુ ઉપર ભટકી પડ્યો હતો. ક્યાં જાઉં ? શું કરું ? કશુંજ સમજાઈ રહ્યું ન હતું. એક તરફ શેઠ. એમના તરફની વફાદારી વીસ વર્ષ જૂની હતી. એમણે એ સમયે નોકરી આપી હતી જયારે આર્થિક રીતે હું ખુબજ નબળો હતો. એ સમયે મને રોજીરોટી પુરવાર પાડનાર મારા શેઠ સાથે આજ સુધી કોઈ રહસ્ય મેં પાળ્યું ન હતું. મારી ફરજ અત્યંત વફાદારી, ઈમાનદારી અને પારદર્શિતાથી નિભાવી હતી. બીજી તરફ શેઠની દીકરી. વીસ વર્ષની આજની યુવાન ધનાઢ્ય પેઢી. જો એની વાત ન સ્વીકારું અને એના પરિણામે મારી નોકરી ઉપર કોઈ આંચ આવે તો એનાથી એને કશો ફેર પડે નહીં પણ મને તો જરાયે પરવડે નહીં. 

આખરે ધબકતા હ્રદયે હું બંગલા ઉપર પહોંચ્યો. એ અગાઉથી તૈયાર જ ગેટ પાસે ઉભી હતી. ગાડી એની નજીક આવી કે અતિ ઝડપે પાછળની સીટ ઉપર ગોઠવાઈ ગઈ. 

"આર. કે. મૉલ. " 

કમાનમાંથી નીકળેલા તિર જેમ આદેશ છૂટ્યો અને ગાડી આર. કે. મૉલ ની દિશામાં ઉડવા લાગી. 

બેક મિરર થકી મારી નજર એ યુવાન કિશોરી ઉપર વારેઘડીએ આવી ઉભી રહી જતી. વારંવાર પોતાના હાથની ઘડિયાળ ઉપર એની અધીરી દ્રષ્ટિ ઉપર નીચે થઇ રહી હતી. ગાડીની બહાર ચારે દિશામાં ઝડપથી ફરી રહેલી ગરદન ધીરજ જોડે સંપર્ક ગુમાવી બેઠી હતી. હાથમાં થામેલા મોબાઈલની સ્ક્રીન ઉપર પણ વચ્ચે વચ્ચે આંગળીઓ ટપ ટપ કરતી કશું લખી રહી હતી. લખતા લખતા ચહેરા ઉપર અનાયાસે મોટું હાસ્ય ઉપસી આવતું હતું. એના યુવાન શરીરના ભાવો એકજોડે અંતરની ખુશી અને ઉત્તેજના ની ચાડી ખાઈ રહ્યા હતા. 

આર.કે. મૉલની સામે તરફ મેં ગાડી પાર્ક કરી જ કે એ મૉલની અંદર ઘસવા રાજીરાજી ગાડીમાંથી ઉતરી. 

"પપ્પાને કઈ કહ્યું તો નહીં ને ? " 

એ યુવાન સ્વરમાંથી આદેશ અને પૂછપરછનો લ્હેકો જુદો થઇ શક્યો નહીં. મેં નકારમાં ગરદન હલાવી કે એણે રાહતનો ઊંડો દમ ભર્યો અને ચિત્તાની ઝડપે મૉલમાં પ્રવેશ કર્યો. 

૪૫ મિનિટથી હું આમજ એની રાહ જોઈ રહ્યો હતો. જો શેઠ ફોન કરશે તો શું કહીશ ? મુંઝવણમાં મન ડૂબી રહ્યું હતું ને ઉપરથી ઘરે પહોંચવાની ચિંતા અને પારુલનો કોઈ કોલ નહીં. 

એક ક્ષણ માટે મને લાગ્યું કે માથું ફાટી પડશે. મારા ધીરજનો બાંધ છૂટ્યો. મારા ડગલાં મૉલની દિશામાં આગળ વધ્યાજ કે સામેની દિશામાંથી ઉછળતું કૂદતું યૌવન ગાડી નજીક આવી ઉભું રહી ગયું. મારા જીવમાં જીવ આવ્યો. મેં તરતજ ઘડિયાળમાં દ્રષ્ટિ મેળવી. લંચ બ્રેકનો સમય અત્યંત નજીક હતો. એકવાર એને બંગલા સુધી સુરક્ષિત પહોંચાડી દઉં એટલે હું છૂટું. બસ ફક્ત શેઠનો કોલ વચ્ચે આવે નહીં. મનોમન ઈશ્વરને આજીજી કરતા હું ગાડીમાં ગોઠવાયો. 

પોતાની જોડે લઇ આવેલ અસંખ્ય શોપિંગ બેગ પાછળની ડિકીમાં ગોઠવી એક હેન્ડ બેગ અને પર્સ જોડે એ પાછળની સીટ ઉપર ગોઠવાઈ ગઈ. મેં તરતજ ગાડી રસ્તા ઉપર દોડાવી. 


"પપ્પાનો ફોન આવ્યો હતો ? " 

મેં ફરી મારી ગરદન નકારમાં હલાવી. મારી નજર બેકમીરર થકી પાછળની સીટ ઉપર ડોકાઈ. એના હાથમાંની બેગ ઉપર શોપિંગ મૉલમાં ઉપસ્થિત જાણીતી ઘરેણાંની દુકાનનું નામ છપાયું હતું. પોતાના હાથમાંના ક્રેડિટ કાર્ડ એણે સાચવીને પર્સમાં એની જગ્યાએ ગોઠવ્યા. મારી નજર મિરરમાં એને તાકતા ઝડપાઇ ગઈ કે હું ફરી આગળની દિશામાં દ્રષ્ટિ સ્થિર કરી રહ્યો.  પણ મોડું થઇ ગયું હતું. મારા નજરમાંની એના અંગેની શંકા એણે પકડી પાડી હતી. 

"એક્ચ્યુલી આજે ફાધર્સ ડે છે. પપ્પા માટે ભેટ લેવા ગઈ હતી. "

મને માહિતી આપતા આપતા એણે બેગમાંથી કાઢેલો બોક્ષ એની આંખોમાં ઝળહળી રહ્યો હતો. એની અંદરનું મોંઘુ ઘાટ ૨૪ કેરેટનું સોનુ વીંટીની શોભાને ચાર ચાંદ લગાવી રહ્યું હતું. 

એ ઝહળહળાટ ઉપર સ્થિર મારી આંખો મેં મારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત કરી અને ગાડી થોડા જ સમયમાં બંગલાના ગરાજમાં પાર્ક થઇ ગઈ.  શેઠની દીકરી સહીસલામત ઘરે પહોંચી અને મને જાણે બીજું જીવન મળ્યું. ગાડીમાંથી બહાર નીકળતાંજ મારા ડગલાં રસ્તા તરફ ડોટ મૂકી રહ્યા. લંચ બ્રેકનો સમય થઇ ગયો હતો. પારુલનો ફોન હજી આવ્યો ન હતો. હવે ધીરજ ધરવું લગભગ અશક્ય બની ગયું હતું. આમ તો શેઠના બંગલાથી મારુ ઘર એક કિલોમીટરને અંતરેજ હતું. દરરોજ હું ચાલતો જ ઘરે જતો. જમણ કરી ફરી ચાલતોજ ફરજ ઉપર પરત થતો. કસરત પણ થઇ જતી અને જમવાનું પણ પચી જતું. પરંતુ આજે એક કિલોમીટરનું અંતર પગપાળા પસાર કરવાનું પોષાય એમ ન હતું. મેં ઓટો લઇ લીધી અને સીધોજ ઘર આગળ ઉતર્યો. 

ડોરબેલ વગાડી રહેલા મારા હાથમાં હું ધ્રુજારી અનુભવી રહ્યો. મારી પત્નીએ દરવાજો ખોલ્યો કે હું રીતસર ઘરમાં ધસી પડ્યો. 

" પારુલ....."

આગળ કઈ પુછપરછ વધારું એ પહેલા અંદરના ઓરડામાંથી પારુલ ધીમા ડગલે બહાર નીકળી. મને નિહાળતાંજ એ દોડતી આવી મને ભેટી પડી. મને ફોન ન કર્યાની ફરિયાદ મારા હય્યામાંજ દબાયેલી રહી ગઈ. એના ડુસકાઓથી મારુ હ્ય્યુ પણ ભરાઈ આવ્યું. પણ હૃદય મજબૂત રાખી મેં એના માથા ઉપર હેતથી હાથ ફેરવ્યો. 

" કોઈ વાંધો નહીં. જે પણ હોય. મને તારા ઉપર હમેશા ગર્વ રહેશે. એક પરિણામ તારા માટેનો પ્રેમ ઓછો થોડો કરી શકે ? અને તે તારા તરફથી તમામ પ્રયાસો કર્યા હતા....." 

હું આગળ હજી કઈ બોલું એ પહેલા એણે મારી છાતી ઉપરથી પોતાનું માથું ઉપરની દિશામાં ઉઠાવ્યું. એની નજર મારી નજરમાં પરોવી. 

"પપ્પા. આઈ ડીડ ઈટ. હું યુનિવર્સીટીમાં ફર્સ્ટ નીકળી છું. ગોલ્ડ મેડલિસ્ટ ! જો તમે ન હોત તો આ કદી શક્ય ન બન્યું હોત.... " 

એ શબ્દો સાંભળતા મારી બધીજ ચિંતા, તાણ, ફિકર, અકળામણ અદ્રશ્ય થઇ ગઈ. મેં મારી દીકરીને ચુસ્ત છાતીએ વળગાડી દીધી. હવે નિરાંતે રીટાયર થઈશ એ વિચારે મારો ફાધર્સ ડે હળવો ફૂલ જેવો થઇ ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational