૧૩ મે, ૨૦૧૮ ” માતૃ દિન”
૧૩ મે, ૨૦૧૮ ” માતૃ દિન”


“મા” એક અક્ષરનો અનેરો ,અમૂલ્ય શબ્દ ‘મ’ થી બને છે. તેનો સહાયક છે ‘કાનો.
“‘ મ ને કાનો મા !”
જેને કાનાની સહાય હોય, જે કાના વગર કોઈ મહત્વતા ન ધરાવતું હોય . તે શબ્દ કેટલો મધુર અને કર્ણપ્રિય હોઈ શકે.
જો કે હવે ‘મા’ શબ્દ બહુ ચલણમાં નથી પણ તેને બદલે, મમ્મી, બા, મૉમ વિગેરે વપરાય છે. ગમે તે કહો અર્થ તો એક જ સરે છે. હવે એ ‘મા’ની હસ્તી હોય કે ન હોય કોઈ ફરક પડતો નથી. તેની મધુરી યાદો, તેના સાન્નિધ્યમાં પસાર થયેલું બાળપણ સહુને યાદ હોય છે. કદાચ સમયની ધુળથી તે યાદો ઝાંખી થઈ હોય પણ તેનું માધુર્ય સતત સ્મરણમાં રમતું હોય છે.
મમ્મી, આજે મધુરી બાળપણની વાતો યાદ આવે છે. હજુ પણ યાદ છે, નાની હતી ત્યારે દેશમાં ‘બા’ને ઘરે ઓટલા પર બેસીને નહાતી ત્યારે સાબુનો ગોટો ઘસી નાખતી. તું વઢતી ત્યારે કહેતી, ‘મમ્મી મારે ગોરા થવું છે’. તું હસ્તી, સાબુ ઘસાઈ જાય તેની કદી ફરિયાદ ન કરતી.
અરે, મમ્મી મોટાઈ ચા પીતા એટલે હું પણ ચા માગતી. તું ખૂબ કુશળ હતી. દુધનો રંગ બદલાય તેટલી ચા નાખતી. અને મને સંતોષ થતો. જ્યારે કોલેજમાં આવી ત્યારે જીદ કરીને આખો કપ ચા પીતી. તું આપતી ખરી પણ સજા રૂપે ચા અને દુધ બન્ને પીવા પડતાં. મા એ ‘ચા’ આજે પણ ખૂબ લિજ્જતથી પીઉં છું. ચાની બંધાણી નથી પણ જબરો શોખ છે.
મમ્મી, હજુ પણ મારી બાળપણની આદત કહું. તું ખૂબ વઢતી. ‘પ્રવિણા તારા ચોપડા ઉંચા મૂક’! મને આદત હતી માથા પાસે હમેશા બેથી ત્રણ ચોપડીઓ પડી હોય. તું માનીશ આજની તારિખમાં એ આદત ચાલુ છે.શાળાના નાસ્તાના ડબ્બામાં ભરી આપતી એ મઝાની વાનગીઓ આજે પણ યાદ આવે છે. ખાવાનું મન થાય પણ બનાવે કોણ ?
મમ્મી, મમ્મી સાંભળ વિજય મિત્ર મંડળના ગરબામાં રહેતી ત્યારે તને શેર લોહી ચડતું. શાળાના વાર્ષિક સમારંભમાં ભાગ લેતી ત્યારે તારી છાતી ગર્વથી ફુલતી. મા, તે ક્યારેય ‘ના’ શબ્દ વાપર્યો ન હતો. આજની પ્રતિભા એ તારા સુંદર સંસ્કાર અને શિક્ષણની ગવાહી પૂરે છે.
એવી જ તાજી યાદ દોડીને આવે છે. પ્રિય પતિદેવના માતાની. નસિબદાર હતી , મારા પતિ તેમની ‘મા’ના ખૂબ વહાલા હતા. જેને કારણે મને તેમના પ્યારમાં ભિંજાવાનો લહાવો મળ્યો હતો. એક પ્રસં ગ ખૂબ તાજો છે. જેની સ્મરણ પટ પર નિશાની અંકિત છે.
લગ્નને વર્ષ થયું હતું. કુટુંબમાં કોઈનું લગ્ન હતું. તે જમાનામાં “ઈવ્ઝ”માં જઈ ૧૧ રૂ.ની માથાની હેરસ્ટાઈલ કરાવી હતી. ૧૯૬૭નો કાળ, સાસરીમાં માથે ઓઢવાનો રિવાજ. ‘બા’ને પ્રેમથી પૂછ્યું, “બા ,આજે ૧૧ રૂ. ખર્ચીને હેરસ્ટાઈલ કરાવી છે. માથે નહી ઓઢું તો ચાલશે’?
‘બાએ ધીમું હસીને હા પાડી. ત્યારથી સમજી ગઈ, કોઈ પણ વાત બા પાસે મનાવવી હોય તો, પ્યારથી પરવાનગી લેવાની. બા ના, નહી પાડે. જેને કારણે પતિદેવ રિઝ્યા તે નફામાં.
સારું છે આ ‘મધર્સ ડે’ વર્ષમાં એક વાર આવે છે. જેને કારણે દિમાગને ક્સરત મળે છે. ભૂતકાળને યાદ કરી અતલ ઉંડાણમં જઈ પરવાળા વિણી લાવવા ગમે છે.
‘હેપી મધર્સ ડે” સહુને, સુંદર રીતે માતાને યાદ કરશો. હયાત હોય તો તેને પ્રેમ અને સન્માન આપશો!
યાદ રહે , તેના થકી તમે છો, વરના કુછ ભી નહી !