વર્ષની આખરી ઇનિંગ
વર્ષની આખરી ઇનિંગ


આજ બાર મહિનાની ઇનિંગને આખરી ગણવાની છે,
કાલથી ફરી ઉમંગભેર ટ્વેન્ટી ટ્વેન્ટીની જંગ રમવાની છે..
વીત્યો સમય ક્યારેક એવો જાણે ધોળા દી'એ તારા,
તોય ફરી જિંદગી તારે હામની ઝોળી ભરવાની છે..
ક્યારેક આવી અણધારી અનેક ખુશીઓ અપાર,
આજ બસ એને ચોરખીસીમાં મૂકી સાચવવાની છે..
પાંખ મળી સ્વપ્નોને ને મળી રળિયામણી નેક રાહ,
બસ સતકર્મોની એ પ્રસાદી આજીવન ગળવાની છે..
પરાયા ઘણા પોતીકાથી પર હૈયે ઊંડે ઊંડે વસી ગયા,
આજની ઘડી એમને આભારવશ બાથે ભરવાની છે..
મારાથી આવી હોય જો નાનીશી ખરોચ કોઈની લાગણીને,
કરજો માફ આજ ફરી લાગણીઓ ઊંડી મારે રોપવાની છે..
છોરું કછોરું કહેવાય હજુ થઈ જાય જો ભૂલ મુજથી સખી,
કાન પકડી નિરંતર હેતાળ હાથે 'માહી'ને સૌએ ઉગારવાની છે.