વરસાદની સાંજ
વરસાદની સાંજ
આમ જીવન આખુ વહી જાય છે
વરસે છે મેહુલો દર વરસે ધોધમાર
એક નાનકડું ઘર કોરું રહી જાય છે
માટીની સોડમને ભજીયાના સ્વાદ
ઘરઘરમાં ખૂબ ફેલાઈ જાય છે
પણ એકલી અટૂલી એક બારીમાં સાંજ
ભૂખી ને તરસી સૂઈ જાય છે
ધરતી તો તૃપ્ત બને વરસોવરસ
ને ધરતીનો તાત હરખાય છે
આટલા વરસાદ વચ્ચે કોણ જાણે કેમ !
કોઈ હજુ પણ તરસ્યું રહી જાય છે
થોડા વાદળ તારા રાખજે સંભાળીને
ધીમે કોઈ કાનમાં કહી જાય છે
ધરતી આકાશ સમ ક્ષિતિજે મળશું
પણ મળવાની આશ રહી જાય છે
તે દિ' ના પૂછજે બસ વરસી તું જાજે
બસ આજે મન જાણે મુંજાય છે
ભીની આંખો ના પાણી આજે પણ
વરસાદના પાણીમાં બસ ભળી જાય છે.

