STORYMIRROR

Damodar Botadkar

Classics

2  

Damodar Botadkar

Classics

વનવલ્લરી

વનવલ્લરી

2 mins
14K


અવનવા અભિલાષ ઉરે ધરી, અવનવા રસ-ભાવ ઉરે ભરી; જગતનો નવલો રસ ઝીલવા, પ્રણયપંથ નવીન નિહાળવા.

ધરિત્રી માતાનો મીઠો અંક ઉત્સાહમાં ત્યજી; ખેલતી લાડતી આવે આ નવી વન-વલ્લરી.


નવલ નેત્ર વડે અવલોકતી, નવલ હાસ્ય થકી હસતી જતી; નવલ કોમળ સુંદર દેહથી, જગત-કાનનને ઝળકાવતી.

કોમળાં પત્ર–વસ્ત્રોથી કોમળું અંગ ઢાંકતી, સ્પર્શતી સ્વાન્તને લજજા, ને ઉડી ઘડીમાં જતી.


પ્રણયનું રસ–ભાજન શેાધતી, ઉર તણું અવલમ્બન શોધતી; દયિતના કરથી કર મેળવી,

અમરપંથ જવા તલપી રહી.

ચોપાસે ઘેરતાં ઉભાં બાલુડાં તૃણબાળકો, અપીરી પૂછતી એને અજાણ્યો પંથ પ્રેમનો.


શિશુક એ શુણીને હસતાં હતાં, ૨હી સમીપ ઘડી ઘડી ઘેરતાં; કંઈક ખીજવવા દિલ દોડતાં, અમલ અંતરને અકળાવતાં.

રાંકડું ચિત્ત ઉત્કાનું એ ચેષ્ટા ન સહી શકે, બિચારી ગાભરી બાળા ધૈર્ય છેાડી રડી પડે.


જનની પાસ જઈ પથ પૂછવા. ઢળતી સંભ્રમથી કંઈ વેગમાં; પણ અચાનક લજ્જિત થૈ જતી, કંઈ હસી પડી મૌન ગ્રહી જતી.

અનેરી સ્નેહની પીડા, નહિ સ્વાન્ત સહી શકે, તથાપિ શી દશા ભૂંડી ! કેાઈને ન કહી શકે !


ઉર વિષે ઉર–તાપ શમાવવો, મુખ વડે રસ ભિન્ન જણાવવો: રૂદનમાં પણ હાસ્ય બતાવવું, અહહ ! સંસતિશાસ્ત્ર દીસે નવું !

કંઈ દૂર દીસે વ્હાલે સુભાગી સ્નેહ–સોબતી,

દેખ્યો ને ઓળખ્યો અને સ્નેહની દિવ્ય દૃષ્ટિથી.


સુરભિથી વનદેશ સુહાવતો નયન દર્શનથી પણ ઠારતો. અતિ ગભીર ઉદાર વિરાજતો, રસભર્યો સહકાર સુલક્ષણો.

વ્હાલની કૈં નવી વાતો સાનમાં સમજાવતો, સંદેશ સ્વાન્તનો મીઠો વાયુ સંગ પઠાવતો.


પણ નહિ સહસા વિચરાય ત્યાં સહજ સાદ કરી ન શકાય હા! નિયમ વિશ્વ તણા વચમાં નડે, અવનવાં જગ-બંધન ઘુંચવે.

ઉત્સુક ઉભયે હૈયાં તથાપિ ન મળી શકે, સ્નેહના તીવ્ર સંતાપે શું સંસાર કળી શકે ?


કંઈક મંદ-સુમંદ ગતિ થકી, પરખતી પથ માત્ર મતિ થકી; અહીં તહીં ભયથી અવલોકતી, સહજ શબ્દ શુણી અટકી જતી.

તોફાની સિંધુની વચ્ચે ન્હાની શી નાવડી સમી, તરંગો કાપતી કષ્ટે ડોલતી ડૂબતી જતી.


પવનના કદી કોપથી કંપતી, કઠિન કૈક બની ધૃતિ ધારતી;

વિવિધ સ્વપ્ન ઉરે રચતી જતી, વિચરતી નવ ભાવ જગાવતી.

પરંતુ કાળની ક્રીડા કોઈ જાણી શકે નહિ, અંધારે ખેલવું એનું વિશ્વ દેખી શકે નહિ.


તૃણ અનેક ગ્રહી કર રોકતાં, બળ થકી, છળથી અટકાવતાં, કદી સમીર સવેગ સતાવતો, ઈતર માર્ગ વિષે લઈ એ જતો.

વિઘ્નોની વૃષ્ટિઓ વેઠી તોય તે ચાલતી જતી, માર્ગનાં કષ્ટ જોવાને ના મતિ જાગતી હતી.


દયિતનું સ્થળ દૂર હજુ ઘણું, પળ પળે વધતું બળ વિઘ્નનું; નિકટ કોઈ સહાયક ના મળે, વચનનું પણ સાન્ત્વન ના જડે.

ક્યાં સુધી કાળની સામે રંક જીવ ટકી શકે ? ક્યાં સુધી દૈવની ભૂંડી દૃષ્ટિ સ્વાન્ત સહી શકે ?


હૃદયનું બળ સર્વ વહી ગયું, ચલન–યંત્ર અરે ! અટકી પડયું ! રસ-સુધાર્ણવ શુષ્ક થઈ ગયો,

લલિત કોમલ દેહ બળી ગયો.

ઉમંગો સૌ ગયા ઉડી, શ્વાસની આશા ના રહી, મુદ્રંગી હાય ! હારીને મૂર્ચ્છિતા ધૂળમાં મળી.


અવનવા અભિલાષ ઉડી ગયા, અવનવા ૨સ-ભાવ વહી ગયા; સકળ જીવન ઝેર બની ગયું, હૃદય–રોદન માત્ર રહી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics