STORYMIRROR

Damodar Botadkar

Classics

2  

Damodar Botadkar

Classics

એક નાવિકને

એક નાવિકને

2 mins
13.5K


સડેલી નૌકા ને શઢ પણ સમૂળા સડી ગયા, અને તેના સ્તંભો પવન થકી તૂટી પડી ગયા; તળે ન્હાનાં મોટાં અપરિમિત છિદ્રો અહીં તહીં, દીસે રોકી રાખ્યું જલધિ-જલ ડૂચા દઈ દઈ.


તથાપિ તેનાથી અધમ ઉરના નાવિક, અહો ! મહાસિંધુ માંહે સફર કરવા તત્પર થયો ! પ્રવાસી વિશ્વાસુ તુજ વચન સાચાં સમજતાં, હશે કેવી હોડી ?—નહિ નયનથી એ નિરખતાં.


ઉમંગોથી આવે ઝટપટ જવા ઇચ્છિત સ્થળે, ધકેલી બીજાંને કંઈક વળી કૂદી મહિં પડે; બિચારાં એ બેઠાં જલધિ તરવા આતુર થઈ, અગાડીથી આખું તુજ કર વિષે આતર દઈ.


અરે ! જો ! આ સામે જલદ સમ સિંધુ ગરજતો, અનેરા ઉલ્લેલે, અમિત બલ સાથે ઉછળતો, કિનારાનું ક્યાંએ નહિ દૃગ થકી દર્શન થતું,

નવા જીમૂતેથી ગગનતલનું ગેપન થતું.


ચલાવી તેં ચાહી વગર સમજે સત્વર તરિ, દિશાઓ ના દીસે, ગમન પથનું જ્ઞાન ન જરી, વડા ગ્રાહો વેગે તરણિ ભણી આવે તલપતા, કરે સ્પર્ધા કેવી તુજ સહિત એને ગળી જવા ?


વહે સામો વાયુ બળથી તરિને કંપિત કરે, હઠાવી દે પાછી, પણ હૃદય તારૂં નવ હઠે; થયાં ખુલ્લાં છિદ્રો, જલ પણ ભરાતું ઝડપથી, થતી ડૂબું ડૂબું નફટ ! તુજ નૌકા હર ધડી.


પ્રવાસી તો પેલાં સકળ નિજ ચિંતા પરહરી, શ્રમે થાકી સૂતાં તુજ શરણમાં જીવન ધરી; કદી કેાઈ કેાઈ ઝબકી ઝબકી જાગૃત થતાં, દિલાસાના શબ્દો શુણી સહજ નિશ્ચિંત બનતાં.


અને ભૃત્યો તારા તરિગતજ્વોત્સર્જન ત્યજી, ફરે ફાટી આંખે પથિક જનના મંડળ મહિં; અભાગી પાન્થોને કપટ-વચને મુગ્ધ કરતા, ફસાવી, લેભાવી, છળ ખળથી સર્વસ્વ હરતા,


દીસે દૃષ્ટિ એની મલિનતર ભુંડી અધભરી, વદે મીઠી વાણી, પણ હૃદયભૂમિ વિષભરી; તને એનાં કાળાં અહહ ! અપકૃત્યે ઉર ગમે,

નિસર્ગેથી તારૂં હૃદય પણ એ દુષ્પથ રમે.


અરે ! ડોલે નૌકા, ગતિ શિથિલ એની થઈ ગઈ, વધેલા વારિથી અટકી અહીં ઉભી રહી ગઈ; જતી નીચે નીચે જલધિતલનો સ્પર્શ કરશે, હજારો પ્રાણીનું જલ મહિં વૃથા જીવન જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics