વણનોતર્યા મહેમાન જેવો છે અતીત
વણનોતર્યા મહેમાન જેવો છે અતીત
અઘરું છે અતીત ને ભૂલવું,
ક્યારેક મીઠું મધુરું ગીત બની દિલ બહેલાવે અતીત,
તો ક્યારેક કડવું વખ ઘોળી જીવન ઝેર જેવું બનાવે આ અતીત,
કેટલાય કિસ્સા મનભાવન,
તો કેટલાય દર્દભર્યા,
કેટલાય હસી ખુશીભર્યા
તો કેટલાય આંસુઓથી ખરડાયેલા,
ક્યાંક કોઈ દીધેલો ઘાવ છે
તો કોઈએ લગાડેલો મલમ છે,
જાણે અતીત એક ચલચિત્ર છે,
ક્યારેક થાય આ ટુકડા ને,
મારા અસ્તિત્વથી અલગ કરી દઉં,
ક્યારેક થાય હવામાં ફંગોળી દઉં,
પણ એ ક્યાં મારો સાથ છોડે છે,
જેમ ફૂલમાં ખુશ્બૂ રહે
એમ એ મારામાં રહે છે,
અતીત હૃદયમાં ઘર બનાવીને રહે છે
હૈયાના ઘરને એ ક્યાં ખાલી કરે છે !
બસ આમ હૃદયની દીવાલોને ખોખરી કરી નાખે છે,
મનના ભોંયતળિયા ને બોદુ કરી નાખે છે,
જીવન ઇમારત ને ખોખલી કરી નાખે છે,
આ અતીતને કેમ કાઢવો હૈયેથી ?
એ તો વણનોતર્યા મહેમાન જેવો,
ગમે ત્યારે આવી ચડે,
પજવણી કર્યા કરે.