'વિશ્વ માતા દિવસ'- મારા સ્નેહની સરગમ
'વિશ્વ માતા દિવસ'- મારા સ્નેહની સરગમ
'મા' શબ્દ,
જે ભર ઉનાળે ભડભડતાં તાપમાં, વટવૃક્ષની છાંયે મળતી ટાઢક જેવો,
'મા'નું અસ્તિત્વ,
જે હરહંમેશ એનાં બાળને સુરક્ષિત અને સુખી જોવાં મથતું પ્રબળ બળ જેવું,
'મા'નો સ્નેહ,
જે ચોમાસે અલમસ્ત મન મૂકીને વરસતાં વરસાદનાં છાંટા જેવો,
'મા'ની આંખો,
જે સદંતર પોતાનાં જીવથી વ્હાલા બાલુડાં પર સ્નેહ વરસાવતી, એક ધારા જેવી,
'મા'નો સ્વર,
જે સાક્ષાત સરસ્વતીનાં મુખે સંભળાતાં કોઈ મધુર રાગ જેવો,
'મા'નો વ્હાલો હાથ,
જે પ્રેમથી માથે પ્રસરતો, દુઃખડાં દૂર કરતો, શાંતિની નીંદર આપતો, અવિરત ચાલતાં વાયરા જેવો,
'મા'ની ચૂપકીદી,
જે દૂર રહેલાં દીકરાં-દીકરીને યાદ કરી, એકાંતમાં આંસુ સારતી એક એકલવાયી વેલડી જેવી,
'મા'નાં આંસુ
જે દુઃખમાં વહે તો સુનામી જેવાં, સુખમાં છલકે તો આશીર્વાદની વર્ષા કરતાં મેઘરાજા જેવાં,
'મા'નું આલિંગન,
જે ઘડીએ મળે ત્યારે, આજીવન એનાં અંતરમાં પોઢી જવું ગમે એવી અપાસ શાંતિ જેવું,
'મા' વિષે બે-ચાર શબ્દ,
જે લખતાં-વાંચતાં કે સંભાળતાં, આંખના ખૂણાં ભરાઈ જાય,
મહિમા એટલો અપાર, એનાં અસ્તિત્વને કંડારતાં શબ્દ ખૂટી જાય,
એક ઊંડો શ્વાસ લઈ બસ એક જ શબ્દ નીકળેને સ્મિત રેલાય; એ 'મારી માવડી.'
