વીતેલો સમય
વીતેલો સમય
વીતી ગયો સમય,
ક્યારેક ઘાવ બની તો ક્યારેક લગાવ બની,
સરી ગયો સમય,
ક્યારેક ફૂલ બની મહેકી ગયો સમય,
ક્યારેક અશ્રુ બની ટપકી ગયો સમય,
ક્યારેક શિક્ષક બની નીત નવું શીખવી ગયો સમય,
તો ક્યારેક ઉઠક બેઠકની સજા આપી ગયો સમય,
ક્યારેક રાજ રાણી જેવો અહેસાસ કરાવી ગયો સમય,
તો ક્યારેક ખુશીઓની લૂંટ ચલાવી ગયો સમય,
ક્યારેક બાગ બની મહેક પ્રસરાવી ગયો સમય,
તો ક્યારેક આગ બની અરમાનોને ભસ્મ કરી ગયો સમય,
ક્યારેક આશાઓનાં ઊંચા મિનારા પર બેસાડી ગયો સમય,
તો ક્યારેક નિરાશાની ખીણમાં ગબડાવી ગયો સમય,
ક્યારેક પ્રેમથી ચુંબન કરી ગયો સમય,
તો ક્યારેક જોરદાર લપડાક લગાવી ગયો સમય,
ક્યારેક ઊંડા જખમ ખોતરી ગયો સમય,
તો ક્યારેક જખમ પરનો મલમ બની ગયો સમય,
ક્યારેક હૈયે મીઠા સંભારણા દઈ ગયો સમય,
તો ક્યારેક કડવી યાદો બની આંખો ભીંજવી ગયો સમય,
ક્યારેક પારકાને પોતાના બનાવી સુખની સોગાદ દઈ ગયો સમય,
તો ક્યારેક પોતાનાને પારકા બનાવી હૈયે હજારો વેદના અર્પી ગયો સમય.
