વેલેન્ટાઇન્સ ડે
વેલેન્ટાઇન્સ ડે
સૈ,એમ ફૂલ દીધા લીધાનું મુજને યાદ નથી ,
પણ હા મહેંક પાસ એવી કે જેની મરજાદ નથી .
કોણ જાણે કિયા તે ભવમાં પ્રીત પાંગરી હશે,
ફૂલ નહીં ફૂલની ક્યારી સાહ્યબાએ ધરી હશે,
રોજ ખીલતા રહે છે ફૂલ જેની તાદાદ નથી
સૈ,એમ ફૂલ દીધા લીધાનું મુજને યાદ નથી ,
તરબતર શ્વાસ શ્વાસ, ભીની ભીની આ મહેંક,
રોજ જગાવે મુજ દિલમાં એ પ્રેમની અહાલેક,
આ ઓષભીના ગુલાબ પણ એટલા આહલાદ નથી.
સૈ,એમ ફૂલ દીધા લીધાનું મુજને યાદ નથી ,
સાખ પૂરવા આ સૂરજ રોજ ઊગે ને આથમે,
ચાંદલિયો - તારલિયા રાતે આભમાં ટમટમે,
દિશાઓ પણ ઊભી સાખમાં એને ફરિયાદ નથી ,
સૈ,એમ ફૂલ દીધા લીધાનું મુજને યાદ નથી!

