તું નથી તો હું નથી
તું નથી તો હું નથી
આવકારો તો મલમ છે, તું નથી તો હું નથી,
દ્વાર ખૂલ્લા તો ભરમ છે, તું નથી તો હું નથી.
તારા વિના જિંદગી તો આજ લાગી છે સજા.
તારી યાદોની કસમ છે તું નથી તો હું નથી.
સ્પર્શની વ્યાખ્યા અહીં સમજાય, શોધું એ પછી,
રાહ જોવી એ રસમ છે, તું નથી તો હું નથી.
હાથ સોપ્યો છે પરાણે, લગ્ન સમયે શું કરું?
હેત હૈયાનું પરમ છે, તું નથી તો હું નથી.
સાત વચનો, સાત ફેરા, સાત જનમોનું વચન,
કેમ મિથ્યા? એ ધરમ છે, તું નથી તો હું નથી.
છે સગાઈ પ્રેમની તારી અને મારી અહીં,
લેખ સાચો એ કલમ છે, તું નથી તો હું નથી.
એક ચોમાસું અહીં ભીતર ભરીને સાચવ્યું,
ભીંજવે એની શરમ છે? તું નથી તો હું નથી.