થયો છે!
થયો છે!

પહેલાં પીળો, પછી સફેદ અને હવે રાતો થયો છે;
લાગે છે સૂરજ પણ મેઘધનુને ઘેર જાતો થયો છે!
અલિપ્તતાનું ચોગું ઓઢી એકાંતમાં બળતો રહ્યો.
કવિતા થવાનો મોહ રોકી મૌનમાં જ સબડતો રહ્યો.
પીગળ્યો છે થોડો હવે, શબ્દોમાં ન્હાતો થયો છે;
લાગે છે સૂરજ પણ મેઘધનુને ઘેર જાતો થયો છે!
કોણે કહ્યું હશે એને આભની ઊંચી મેડીએ ચડવાનું?
ક્ષિતિજે નીકળવાનું, રખડવાનું, ને સાગરમાં પડવાનું?
જવાબ શોધી થાક્યો, હવે ધરામાં લપાતો થયો છે;
લાગે છે સૂરજ પણ મેઘધનુને ઘેર જાતો થયો છે!