સૃષ્ટિની સૌથી સુંદર વસ્તુ !
સૃષ્ટિની સૌથી સુંદર વસ્તુ !
ચાલને, સૃષ્ટિની સૌથી સુંદર વસ્તુ બનાવશું,
એક અનોખો અનુભવ કરશું,
ઈશ્વરના વિશાળ જગઘરમાં
નાનું 'સ્વપ્ન' સજાવશું ?
પ્રવેશવાનો એવો ઉંબરો,
જ્યાં હોઠ પર લાલી લાગે મધુર સ્મિતની,
પ્રેમના રંગથી રંગાયેલા કક્ષમાં,
શાંતિનું તિલક લાગે લલાટે !
રુપ તો તારું એવું દીપી ઊઠે,
જેમ ઘરના મંદિરની દિપક જ્યોત,
અને એ મંદિરની 'કૃષ્ણ મૂર્તિ',
આતુર બને નિહાળવા તારું 'તેજરુપ' !
ચારેકોર ઊભી હોય જ્યાં અતૂટ વિશ્વાસની દિવાલ,
જ્યાં શોભિત હોય સહાનુભૂતિના ફર્નિચરથી ડ્રોઈંગરુમ,
જ્યારે લાગે તને ભુખ ત્યારે નિર્મલ રસોઈઘરમાં,
મળે તને 'જીવન માધુર્ય'નો મહાપ્રસાદ !
નીરવ એકાંત માટે વિશ્રામની લાગે તને તલપ,
સ્નેહની પથરાઈ તારી સુખશૈયા એવી બેડરુમ,
નયનની સમક્ષ નિહાળે તુજ મીઠી યાદોની તસવીર,
એ યાદોના સ્વપ્નમાં બને આપણું એક નવીન સ્વપ્ન !
હા, એક કક્ષ જીવનના પુસ્તકોનું પણ,
જ્યાં ખીલી ઊઠે મન ને ઉછળે ઉત્સાહનો ઉમંગ,
ત્યાં એક ભાવના પાના પર,
રુપેરી કલમથી લખાયેલ 'કાવ્ય કિરણ' થકી,
હસ્તરેખામાં રંગાઈ જાય પ્રારબ્ધ !
"તું' ને 'હું' આપણે સંગાથે,
કરીશું આ સ્વપ્નની સચ્ચાઈ,
હદયમાં આ ઘર વસાવી બનીશૂં 'સ્વપ્નીલ' !
આપણે પણ ધરતી પર નાનું 'સ્વર્ગ' બનાવશું,
ચાલને, સૃષ્ટિની સૌથી સુંદર વસ્તુ બનાવશું.
