સરદારનું ગીત-ર૧
સરદારનું ગીત-ર૧
અસહકાર-ર (ઈ.સ. ૧૯૧૯)
નક્કી થ્યું અમદાવાદે, નથી છોરાં અનાથ રે;
સરકારી નિશાળોમાં, દેવો જરા ન સાથ રે.
નિશાળો નિજ ખોલીને, કેળવણી અપાય રે;
સરકારી દબાણોને, દૂર કરી શકાય રે.
ચડી ગઈ નિશાળો છે, જંગે અસહકાર રે;
નથી લૈ શકતી જંપ, જરાયે સરકાર રે.
નિરીક્ષાકોય શાળામાં, જૈ શકે ન લગાર રે;
શિક્ષકો લડવા લાગ્યા, ભલે જાય પગાર રે.
સરકારી નિશાળોનાં, રાજીનામાં અપાય રે;
સરકાર કહે તોય, કો’ હાજર ન થાય રે.
બાળકો પણ એ શાળા, છોડી ચાલ્યાં ગયેલ રે;
કરવા તંગ લોકોને, યત્નો ખૂબ થયેલ રે.
એમાં લાગ્યો ન કોઈને, જરાયે ગભરાટ રે;
લોકોમાં ખૂબ દેખાણો, જંગનો મલકાટ રે.
પ્રજાને આપવી હાર, એવી હતી ઉમેદ રે;
પરંતુ સરકારે તો, છે ભોગવેલ ખેદ રે.
રાખી દીધી નિશાળોને, મહિનો એક બંધ રે;
ગયેલ હારની પામી, આ સરકાર ગંધ રે.
નિશાળો કરવા ચાલુ, તાળાં તોડી નખાય રે;
પરંતુ બાળકો કોઈ, નિશાળમાં ન જાય રે.
શાળાનો કબજો લેવા, ઈચ્છે છે સરકાર રે;
પણ સફળતા એમાં, મળે ન તલભાર રે.
લીધો ન શિક્ષકોએય, સરકારી પગાર રે;
ઝૂકે વલ્લભભાઈ નૈ, કોઈ સામે લગાર રે.
પ્રજાને આપતા તેઓ, સાહસ ભરપૂર રે;
સાથીઓમાં રહી સાથે, લાવતા ખૂબ નૂર રે.
સરકાર કરે યત્નો, તોયે મળે ન જીત રે;
પ્રજાના વાગતાં ડંકા, એનાં ગવાય ગીત રે.
**
મ્યુનિસિપાલિટી અંતે, બરતરફ તો થઈ;
પણ લડત લોકોની, તેથી ખૂબ વધી ગઈ.
(ક્રમશ)
