સંસાર સુંદર પ્રાસ છે
સંસાર સુંદર પ્રાસ છે


ઈશ્વર સતત સંગાથ ચાલે કાં ગણે આભાસ છે ?
ના ભાળ પણ છે સાથ જો સ્વીકાર કર તો હાશ છે.
કાયમ ચલાવે શ્વાસ ચરખો, ઉર મહીં આવાસ છે,
સંગાથ ચાલે શામળો તો રાત-દિન અજવાસ છે.
ખાધું પચાવે, સ્મૃતિ આપે, રક્ત રાતું રાખતો,
ઉપકાર કરતો નાથ ફરતો એટલે હળવાશ છે.
સંબંધના બંધન અનોખા નાથ દેતો જન્મથી,
મમતામયી માતા મળી, અણમોલ એ તો રાશ છે.
દે સંપદા જૈવિક અમૂલી પોષવા એ જગ સકલ,
ભાળી ખજાનો છોડ ભ્રમ, સંસાર સુંદર પ્રાસ છે.