સાર રાખું છું
સાર રાખું છું
જીવવામાં સાર રાખું છું, દિલમાં ભરપુર પ્યાર રાખું છું,
કોઈ દિ’ આવી જુઓ મનમાં, લાગણી અપાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
વિચારીને સંબંધ રાખજો, કદાચ થાય કે તણાઈ જાવ
કેમકે હું આંધળો ભલે છતાંય આંસુ ચોધાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
મુશ્કેલી વખતે યાદ કરજો, સમયસર આવી પહોંચીશ
ભોળો ના સમજતા, હું પણ તલવારની ધાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
ઉપકાર કરવો હોઈ તો બેશક કરજો મુજ પર કોઈવાર
કેમકે હર ઉપકારનો જીવનભર માથે ભાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
જિંદગી જીવવા હાટુ મારે બીજુ જોઈએય શું?
જીવવા એક પ્રભુ ને બીજો તમારો આધાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
ઘેલો સમજી બેસી એમ ના વિચારતા, શું કરશે ?
મમતાનો મછવારો, માછલી પકડવાની જાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
પરાણે પ્રીત ના થાય જાણું છું બરોબર સમજું છું
એટલેજ જોને તારા કાજે હાથોનો હાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
એમ નથી કે કોઈ બીજું મળતું નથી આ જીવનમાં
પણ તું કે તારી છબી બસ એકજ દીદાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
આતો ગમી ગયા તમે આ દિલને, બાકી તમે શું જાણો?
હું જીવન જીવવાની પદ્ધતિ કેવી ધરાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
જીવવામાં સાર રાખું છું, દિલમાં ભરપુર પ્યાર રાખું છું,
કોઈ દિ’ આવી જુઓ મનમાં, લાગણી અપાર રાખું છું... જીવવામાં સાર રાખું છું
