પ્રકૃતિની મૌન પ્રાર્થના
પ્રકૃતિની મૌન પ્રાર્થના
શબ્દો તો રચાયા માનવીના માનવી માટેના વ્યવહાર માટે.
આમ પ્રકૃતિમાં બીજે ક્યાંય નથી
આ શબ્દોની મોહતાજી.
આ પંખી કરે ટહુકો આપી
ઈશ્વરની પ્રાર્થના.
આ વૃક્ષો ફળ, ફૂલ, છાયડો આપી કરે ઈશ્વરની આરાધના.
આ ઝરણાના ઝણકારમાં છે,
ઈશ્વરની મૌન પ્રાર્થના.
આ સરિતાનું મીઠું જળ ઉપયોગી થઈ માનવને,
કરે ઈશ્વરની આરાધના.
આ મહેકતા ફૂલો પણ ખુશ્બુ ફેલાવી કરે
અનંતની આરાધના,
આ હવા પણ ફૂલોની મહેક ફેલાવી,
કરી લે છે મૌન રીતે ઈશ્વરની ઇબાદત.
આ વાદળી પણ વરસી ધરા ને જન્નત બનાવી,
કરી લે છે ઈશ્વરની આરાધના.
આ ધરા પણ પોતાનો સીનો ફાડી,
આપે આ માનવી વૃક્ષો પંખીઓને,
પોતાના હૈયામાં સ્થાન.
આમ મૌન બની, સ્મરી લે છે ઈશ્વરનું નામ.
આ સૂરજ આ ચાંદ આપી ધરતીને ઉજાસ,
ચૂપ ચાપ સ્મરી લે છે ઈશ્વરનું નામ.
આ પૂરી કાયનાત પણ છે, ઈશ્વરની બંદગીમાં લીન.
આ ઈશ્વરનું તમામ સર્જન છે,
બંદગીમાં તલ્લીન.
