ફરી પાછું
ફરી પાછું
મને તું આપી દે એ યાદોનું નજરાણું ફરી પાછું,
ધડકતા હૈયાને તું પૂછી લે સરનામું ફરી પાછું,
એ મેઘલી રાતને કહી દે જરા વરસે ધીમી ધારે
તારી સંગાથે આ વરસાદે ભીંજાવું ફરી પાછું,
ક્યાં માંગુ હું ચાંદને તારા ભરેલાં એ નજારા
તારી એક ઝલકને નિરખવાને માંગુ ફરી પાછું,
મારા ઉપવનનાં ફૂલોની મોસમ ચહેરો આ તમારો
એને મળી જાય આ ચહેરાને જોવાનું ફરી પાછું,
ખીલી ઊઠે વસંતના ફૂલો જો થાય દીદાર તમારા
મળી જાય એને તમને જોવાનું બહાનું ફરી પાછું,
પ્રેમ સાગરમાં ઝોલા ખાતી જિંદગી ક્યાં ખોવાણી
જો મઝધારે એ ડૂબે તો હવે ક્યાં વહેવું ફરી પાછું,
બંધ આંખોમાં સપનાઓને સમાવી લેવા મથું છું,
જો એ સપનાઓમાં ફરી તું મળે એ ચાહું ફરી પાછું.

