નનામી
નનામી
મૃત્યુ જ જિંદગીનો આપણને કરાવે સાચો સાક્ષાત્કાર છે,
એક નનામીમાં સમાય સમસ્ત ધાર્મિક ગ્રંથોનો સાર છે.
મૃત્યુની સામે, જિંદગીની તો હરહંમેશ થઈ છે હાર,
નનામી કહે છે, સ્મશાન જ જિંદગીનો છેલ્લો દ્વાર છે.
કેવા બનીઠનીને નીકળતા, કેવો પાડતા હતા સહુ પર વટ,
જોઈ લ્યો નનામીને, જિંદગી છેલ્લે સજે કેવા શણગાર છે.
ગમે તેટલું દોડી લ્યો, કરી લ્યો ગમે તેટલી ભાગાભાગી,
કંઈ નથી લઈ જવાનું સાથે, નનામી કરે ખબરદાર છે.
નનામી ઉઠતા જ અંગત લોકોની ઉજ્જડ થઈ જાય છે દુનિયા,
બાકીની દુનિયા માટે તો, નનામી માત્ર ખભા પરનો ભાર છે.
આમ તો નનામી જોઈને આવી જતી હોય છે વૈરાગ્ય જેવી ભાવના,
પણ આ ભાવના તો આખરે ‘સ્મશાન વૈરાગય’ જેવી થાય પુરવાર છે.
