નીકળી છું
નીકળી છું
સમયની નદીમાં, સામા પ્રવાહે તરવા,
હું નીકળી છું.
ખબર છે ખૂબ અઘરું છે,
તોયે આત્મવિશ્વાસનું નાનકડું નાવડું
લઈને નીકળી છું.
પથરીલી, આડી, ટેઢી, ડગર છે,
તોયે ઝરણા પાસેથી,
ઉમંગનો, ઉલ્લાસનો,
તરાપો લઈને નીકળી છું.
ગાઢ અંધકાર છવાયો જીવન ગગનમાં,
તોયે સૂર્ય પાસેથી થોડો ઉજાસ લઈને નીકળી છું.
રંગહીન બની ગઈ આ જીવનની ધારા,
મેઘ ધનુષ્યના રંગો લઈ,
રંગોળી પૂરવા,
હું નીકળી છું.
જીવન સંગીત બન્યું બેસુરું,
ઘૂઘવતા સાગર પાસેથી,
થોડું સંગીત લઈને,
નીકળી છું.
ભાગ્યના દેવતા રૂઠયા મારાથી,
તેને મનાવવા સત્કર્મોની ભેટ લઈને,
નીકળી છું.
નિરાશાના અળવીતરા પવનથી,
બુઝાયો મારો આશાનો દીપ,
ઈશ્વર પ્રત્યેની આસ્થાનો,
ચમત્કાર લઈને,
નીકળી છું.
સમયની નદીમાં સામા પ્રવાહે,
તરવા હું નીકળી છું.
ખુદ પર વિશ્વાસ
અને ઈશ્વર પ્રત્યેની આસ્થા લઈને,
હું નીકળી છું.
