ન હોય
ન હોય
ધીમું ધીમું બળશે પણ ખબર નહીં પડે,
આ હૃદય છે તેનો ધૂમાડો ન હોય.
નક્કી મનનાં મકાનનાં ચણતરમાં આંસુ રેડાયા હશે,
બાકી હરખનું મકાન આટલું પાકું ન હોય.
અશ્રુઓ એકલતામાં સૂકાઈ ગયા લાગે છે,
નહીં તો રાખની નીચે ધખધખતો અંગાર ન હોય.
જેને ટૂંટિયું વાળીને સૂવાની ટેવ હોય,
તેની ચાદર ક્યારેય ટૂંકી ન હોય.
નક્કી શબ્દો શાહીમાં ભીંજાયા નથી,
નહીં તો કાગળો આમ તેમ રઝળતા ન હોય.
નદી કિનારેથી તરસ્યા ફરનાર ને,
ઝાંઝવાના જળની આશ ના હોય.
ફૂંક મારવાથી ઓલવાય તે દીવો હોય,
સુગંધ ધરાવતી અગરબત્તી ના હોય.
