મોર પીંછું
મોર પીંછું
તમારા સિરે જો રમે મોર પીછું
બધાને થવાનું ગમે મોર પીંછું
હવા પણ જો ધારે ખસાવી શકે ના
સતત કોને કાજે ભમે મોર પીંછું
છતાં પણ ન પોતાની રંગત એ છોડે
ઉદાસીને ભીતર સમે મોર પીંછું
જરા પણ અહમ ના સ્વભાવે એ રાખે
ઘણે સત્વ સામે નમે મોર પીંછું
કદી પીરસે બંસરી સૂર સંગીત
ઘણે શોખ સાથે જમે મોર પીંછું
ત્વચાથી અલગ થઇ સિરે શોભવાને
ઘડી બે ઘડી ના થમે મોર પીંછું
પછી અક્ષ, એને મળે મોખરે સ્થાન
વ્યથા દુઃખ પીડા ખમે મોર પીંછું
- અક્ષય ધામેચા
