આપણે સાથે નથી
આપણે સાથે નથી
આંસુ આવ્યા પાંપણે કે આપણે સાથે નથી,
વાત છાની રાખને કે આપણે સાથે નથી,
રંગ તારાં હાથનો છે રંગ મારા ગાલમાં,
કોણ સાચું માનશે કે આપણે સાથે નથી ?
સાવ સૂની જિંદગી એકાંતની સાથે વિતે,
વેદના છે બાંકડે કે આપણે સાથે નથી,
દુઃખ દુનિયાની નજરમાં આવશે તો દુઃખ થશે,
ક્યાં ખબરને સાચવે કે આપણે સાથે નથી,
સ્વપ્ન આવ્યું ને પછી તૂટી ગયું, નીંદર ઊડી,
ઠેસ વાગી કાળજે કે આપણે સાથે નથી,
'અક્ષ' બીજું શું કરી શકતો હતો કે કંઈ કરે ?
વાત માની આખરે કે આપણે સાથે નથી.

